Popular Posts
-
"સાંજના ૫:૩૦ નો સમય, સિંધુ ભવન રોડ, "ફલાશીલ" કેફેની બહાર પડી રહેલો એ ઝરમર ઝરમર વરસાદ, અને કેફેના ટેબલ પર હાથ મૂકી વિચારો...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૨ : મારી પ્રિન્સેસ, રાની..! ઉનાળાની એક રાત, અને જેમા પરસેવો મહેક બનીને વરસતો હોય એવી પિડિય...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો “તને કયો વિષય સૌથી વધારે ગમે?” એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨...
-
શેડ્સ ઑફ પિડિયાટ્રિક્સ: પ્રકરણ ૨૦: "તીખારો" "કોલેજના એન્ટ્રન્સ જોડે ઉભો છું, મળવું છે તને.. એકવાર પ્લીઝ આવી જા....!" વ...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...! લોકવાયકાઓ લોકકથાઓ કેટલુ સાચુ કેટલુ ખ...
-
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ (લાગણીઓનો દરિયો) પ્રકરણ ૨૧: Dr. HHS મેડમ ૧ ઓગસ્ટ,૨૦૧૮.. બપોરનો સમય. એક ૧૨ વર્ષ ની છોકરીને ઉંચી કરીને એક ૪૫ વર્ષનો વ...
-
"ડેસ્ક નંબર-૨".... પ્રકરણ ૧: "એન્ગેજમેન્ટ...!" મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાન...
-
"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૧ : પ્રથમ શરત (ફ્રેન્ડ્સ ફોરેવર) એ.જી. હાઇસ્કુલ, કોમર્સ છ રસ્તા,...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે." સાહેબ, કાલે તો મારૂ હાર્ટ ફેલ થતા થતા રહી ગયું, અમ...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..! સેકન્ડ યુનિટ નો દરવાજો ખૂલ્યો. એક ૨૫ વર્ષની છોકરી , ...
Thursday, 20 January 2022
શેડ્સ ઓફ પિડિયાટ્રિક: લાગણીઓ નો દરિયો પ્રકરણ ૨૩: "ડાયગ્નોસિસ"
Friday, 15 October 2021
શેડ્સ ઑફ પેડિયાટ્રિક: લાગણીઓનો દરિયો પ્રકરણ ૨૨: "દૂધપીતી..!! "
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8891650281683208શેડ્સ ઑફ પેડિયાટ્રિક: લાગણીઓનો દરિયો
પ્રકરણ ૨૨: "દૂધપીતી..!! "
સવારની તાજગીનો અનુભવ દિવસના બીજા કોઈ પણ પ્રહરમાં કરવો લગભગ અશક્ય છે.
ટેબલ પર પડેલા ફોનમાં એક નોટિફિકેશન બ્લીંક થાય છે,
"નવજાત શિશુના ગેર કાયદેસર ગર્ભ પરિક્ષણ નો વધતો દર..! "
જાણીને ખરેખર આંચકો લાગશે પણ વાસ્તવમાં ભારતમાં દરરોજ અંદાજે ૨૦૦૦ જેટલા ગર્ભમાં ઉછરી રહેલી દીકરીઓના ડીગ્રી વિનાના ક્વેક્સ(ઊંટવૈદ) વડે ગર્ભપાત થઈ રહ્યા છે.
કેટલાય લોકો આ નવજાતના જાતિ પરીક્ષણ કરવાના કાળા ધંધા માં ઉંડે સુધી ઉતરેલા છે.
એન્જલ હોસ્પિટલમાં પિડિયાટ્રિશ્યન તરીકેનું મારું પહેલું જ અઠવાડિયું હતું.
રાતના લગભગ ૯ વાગ્યાનો સમય,
એક ૫ દિવસની બાળકીને લઈને ઘણા લોકો દોડીને આવે છે.
"જુઓ ને, આ બાળકીનો શ્વાસ કેમ આવો થઈ ગયો છે? "
ત્યાં હાજર મારા સ્ટાફ નિકુંજ ભાઈ બાળકીને જોઈને તેની બિમારીનો તાગ કાઢવાનો પ્રયાસ કરે છે,
મોઢામાંથી નીકળતું સફેદ ફીણ, દૂધ શ્વાસ નળીમાં ગયું હોય તેની સાક્ષી પૂરતું હોય છે.
ઓકિસજન નું લેવલ ૭૦ થી ૮૦ ટકાની વચ્ચે જોલા ખાય છે.
ઝડપથી કાચની પેટીમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવે છે.
શ્વાસ નું નાનું મશીન જેને CPAP. તરીકે ઓળખાય છે તેનો સપોર્ટ આપવામાં આવે છે.
બાળકીના એક્સ રે માં એસ્પિરેશન ન્યુમોનિયીનું કન્ફર્મ ડાયગ્નોસિસ મળે છે.
સાચા સમયે મળેલી ઓક્સિજન અને એન્ટિબોયોટીક્સની સારવાર નું પરિણામ ઘણુ જ સુખદ હોય છે.
૩ દિવસની અંદર જ બાળકને કાચની પેટીમાંથી કાઢીને મધરસાઈડ કરવામાં આવે છે.
પણ એક વસ્તુ મનમાં ઉંડે સુધી ખટકતી હોય છે અને એ છે તે બાળકીના મા ની ઉદાસી.
આટલી સિરિયસ કંડિશનમાંથી હેમખેમ બહાર નીકળવાના જે ખુશી,એક મા ના ચહેરા પર હોવી જોઈએ, તેની ભારોભાર અછત વર્તાતી હતી.
બીજી એક વાત કે તે બાળકીનો પિતા આજે ૪ દિવસ હોસ્પિટલમાં એડમિશન ના થયા હોવા છતાં પણ તેના ખબર અંતર પૂછવાની તસ્દી સુદ્ધાં પણ લેતો ન હતો.
"સાહેબ,
અમને રજા આપી દો. ઈશ્વર ની ઈચ્છા.
એની મરજી હશે તો બાળકીને જીવાડશે નહીં તો એની પાસે જ એને બોલાવી લેશે..! "
આંખો માં આંસુ સાથે તે બાળકીના નાના મારી કેબીનમાં અપરાધ ભાવે આવ્યા.
"બસ થોડાક દિવસોના ઈન્જેક્શન નો કોર્સ બાકી છે,
બાકી હવે તો ઓકિસજન નો સપોર્ટ પણ ઓછો કરી શક્યા છીએ આપણે.
આમ અધૂરી સારવાર લઈને જવું યોગ્ય નથી "
વિનંતી ભાવે મે તેમને રજૂઆત કરી.
"સાહેબ, આ બાળકીના જન્મથી તેના સાસરિયાં ખુશ નથી. મારી દીકરીને પણ સાસરે લઈ જવાની ના પાડે છે. છૂટા છેડાનો કેસ પણ નાખવાની એ લોકોની તૈયારી છે. તમે સારવાર સારી જ કરી છે, પણ હોસ્પિટલ ને ચૂકવવાના પૈસા પણ મારી પાસે પૂરતા નથી..! "
તે બાળકીના નાનાએ સંપૂર્ણ વાત પર પૂર્ણ પ્રકાશ પાડતા કહ્યું.
"તમે દાદા પૈસાની ચિંતા ના કરો, જે આપશો એ વિના દલીલે લઈ લેશું.
બસ આ બાળકીને ઈન્જેક્શન નો કોર્સ પૂરો કરી લેવા દો..! "
આજીજી કરતા મેં કહ્યું.
કેટલી વિષમ પરિસ્થિતિ હશે એ પિતા માટે કે જેની પરિણિત દિકરીના લગ્ન તૂટવાની અણી પર છે એ પણ નવી જન્મેલી ઈશ્વર સ્વરૂપ બાળકીના લીધે....
૧૦ દિવસ સુધી વારંવાર સમજાવીને તે બાળકીને સારવાર પૂરી કરવામાં આવી.
રજા આપતી વખતે તે બાળકીની માતાને ફક્ત મેં કહ્યું કે,
"તારી દીકરી ઘણી હિંમત વાળી છે, આટલા ખરાબ ન્યુમોનિયા ને પણ હરાવી દીધો.
ભલે ને તારો ઘરવાળો તારો સાથ ના આપે, એ તો મૂર્ખ છે ,પણ તું એકલી જ કાફી છે તારી દીકરી ની જીંદગી ઘડવા માટે. "
એ માં ની આંખમાં આંસુ હતા, તે ફક્ત એટલું જ બોલી કે,
"માં છું સાહેબ એની.
એના માટે તો આખી દુનિયા સામે લડીશ."
૧૫ દિવસ પછી સવારના ઓ.પી.ડી.નો સમય..
તે નાનકડી ઢીંગલી ફરીથી રૂટીન ચેક અપ માટે આવી.
આજે એક લાચાર માં મને ના દેખાઈ, પણ પોતાની દીકરીની જીંદગી બનાવવા, આ ક્રૂર સમાજની સામે લડતી સાક્ષાત જગદંબા જાણે ઉભી હોય તેવું મને લાગ્યું..
પહેલાના જમાનામાં દૂધપીતી કરવાનો ક્રૂર રિવાજ હતો, જે આજના જમાનામાં સ્ત્રીભ્રૂણહત્યા જેવી વિકૃત માનસિકતા સુધી પહોંચ્યો છે.
આજે દશેરા છે,
રાવણ ને બાળવા કરતાં સ્ત્રી ભ્રૂણહત્યા ની માનસિકતા ધરાવનાર અને કરનાર એ તમામને બાળવાની જરૂર છે..!
ડૉ. હેરત ઉદાવત
Tuesday, 10 August 2021
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ(લાગણીઓનો દરિયો) પ્રકરણ ૨૧ : Dr. HHS મેડમ
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ (લાગણીઓનો દરિયો)
પ્રકરણ ૨૧: Dr. HHS મેડમ
![]() |
૧ ઓગસ્ટ,૨૦૧૮..
બપોરનો સમય.
એક ૧૨ વર્ષ ની છોકરીને ઉંચી કરીને એક ૪૫ વર્ષનો વ્યક્તિ વૉર્ડમાં આવે છે.
"જુઓ ને બેન, આ છોકરીના પગ એકદમથી જ કામ કરતા બંધ થઈ ગયા છે, કંઈ સમજાતું નથી આવું શા કારણે થયું. કંઈક કરો બેન, એને ચલાતું જ નથી..! "
અવાજ માં ગભરાહટ અને આંખોમાં મદદની અપેક્ષા હતી.
ત્યાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર તે છોકરીની પ્રારંભિક તપાસ કરે છે.
માથાના વાળથી લઈને નખના ટેરવા સુધી ગરીબી અને કુપોષણથી ખરડાયેલું એક શરીર દેખાય છે.
તે છોકરીની આંખો જાણે મદદ માટે ચીસ પાડતી હોય તેવો ભાસ તે રેસિડેન્ટ ડૉક્ટર ને થાય છે.
તરત જ સિનિયર કન્સલ્ટન્ટ ને બાળકીની હાલત વિષે ઈન્ફોર્મ કરવામાં આવે છે.
"બાબા,
ઢીંગલી સારી નથી..
એક્યુટ ઓનસેટ છે, ૨ જ દિવસમાં આટલું રેપિડ પ્રોગેશન. લોઅર લિંબનું પેરેલિસિસ ઝડપથી હવે અપર લિંગમાં હાથના ભાગે પ્રસરી રહ્યું છે.
આ G.B.S. જ છે. (ઓટોઈમ્યુનિટી સાથે સંકળાયેલી એક બિમારીનો પ્રકાર.)
ફટાફટ I.V. IG મંગાવીને શરૂ કરો. "
આ એડવાઈઝ આવી હતી ડૉ. હિરલ મેડમ તરફથી.
ફર્સ્ટ યર રેસિડન્સી ની શરૂઆતના મારા મહિનાઓ હતા.
હજી સામાન્ય બિમારીઓની સમજ પડવાની માંડ શરૂઆત થઈ હતી તેમાં આ G.B.S. નામની બિમારી અજુગતી લાગી.
બિમારી વિષે એમ.બી.બી.એસ. ના દિવસોમાં વાંચેલું હતું પણ આ પેશન્ટ પહેલી વાર જોયું.
"પ્રોગેશન ઝડપી છે, ગમે ત્યારે શ્વાસ ના મસલ્સ ઈનવોલ્વ થઈ શકે છે, વેન્ટિલેટર ની તૈયારી રાખજો.. "
હિરલ મેડમના કિધેલા આ શબ્દો સાક્ષાત સાચા પડ્યાં. સારવાર શરૂ થઈ ગઈ હતી,
ઈન્જેક્શન ચાલુ થઈ ગયા હતા, પણ બિમારીનું પ્રોગેશન એટલી હદે ઝડપી હતું કે એ ૧૨ વર્ષ ની બાળકી નંદીની ને શ્વાસ ની તકલીફ વધતા વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી.
હજી નંદીની ને બચાવવાના પ્રયાસો ચાલુ હતા એવામાં એ રાત્રે ૧૧ વાગ્યે કિશોર નામનો ૧૦ વર્ષના છોકરાને લઈને તેના માં બાપ દોડી આવ્યા.
"સાહેબ, જુઓને આ બપોરથી જ તકલીફ થવા લાગી છે કિશોરને.
હમણાં અડધી કલાક થી તો શ્વાસ જ નથી લઈ શકતો સરખી રીતે, આખું મોઢું લાળથી ભરાઈ ગયું છે, કંઈ બોલી પણ નથી શકતો,
હાથ પગમાં થોડી મુવમેન્ટ છે પણ શ્વાસ જ નથી લેવાતો...! "
રડતાં રડતાં કિશોરના મમ્મી બોલ્યા.
રેસ્પિરેશન એટલી હદે ખરાબ હતું કે કિશોર ને સીધો વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો.
G.B.S. નામની બિમારીનું એક વેરિયેબલ પ્રેઝન્ટેશન.
જેમાં શ્વાસના, બોલવાના મસલ્સ સૌથી વધારે અસર થાય.
૨૪ કલાકમાં ૨ વેન્ટિલેટર પર ૨ G.B.S ની બિમારીથી પિડીત બાળકો જીવન માટે ઝઝૂમી રહ્યા હતા.
આ લડત લાંબા સમય સુધી ચાલવાની હતી.
૧૫ હજારના આવતા એ IVIG ના ઈન્જેક્શન બંને બાળકો માટે ફ્રી કરાવી આપવામાં આવ્યા.
પણ ખાસ ફરક જોવા માટે પૂરતી ધીરજની જરૂર હતી. બંને બાળકોના મા બાપને પૂરતો સપોર્ટ ડૉક્ટર અને સિસ્ટર સ્ટાફ તરફથી પૂરો પાડવામાં આવતો.
દરરોજ વૉર્ડ નો રાઉન્ડ આઈ.સી.યુ. માં રહેલા આ બંને બાળકોથી શરૂ થાય.
હિરલ મેડમ જે ઉમળકાભેર એ વેન્ટિલેટર પર રહેલી બાળકી સાથે વાત કરે કે થોડાક જ દિવસોમાં નંદીનીનું મેડમ સાથે એક અદ્ભુત બોન્ડિંગ થઈ ગયું.
મેડમ જ્યારે પણ તેને મળવા જાય તે તરત મેડમ નો હાથ પકડી લેતી, ઈશારાથી બધી તે વાતો કરતી.
મેડમની એ અનોખી હૂંફ એ છોકરીની નબળી રોગપ્રતિકારક શકિત ને જાણે બુસ્ટ કરી રહી હતી.
નંદીની ને મળીને મેડમ કિશોર ને મળતા, તેના માથે હંમેશા હાથ ફેરવતાં.
સ્પર્શ નો કેટલી હદે પ્રભાવ..
એક સારા અને સાચા પ્રયાસ, એક સારી આશા સાથે બાળકના માથા પર ફરતો એ હાથ, કેટલી પોઝિટિવ એનર્જી આપી શકે એનો સાક્ષાત્કાર અમે બધા દરરોજ કરતાં.
બંને પેરેન્ટ્સ નું કાઉન્સેલિંગ મેડમ એટલા સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કરતાં કે તેઓના મા બાપની હિંમત હંમેશા બંધાયેલી રહેતી.
મેડમ નો અમારી સાથેનો લગાવ અમને પેશન્ટ્સ માટે મહેનત કરવાની હંમેશા પ્રેરણા આપતો.
મેડમ વૉર્ડ માં પગ મૂકે અને હજી તમે એકાદ બે પેશન્ટ્સ નો રાઉન્ડ અપાવો એટલામાં જ એટલી પોઝિટિવ એનર્જી આવી જાય કે આખી રાત જાગીને કરેલી ઈમરજન્સી નો થાક એક ક્ષણ માં ઉતરી જાય.
હિરલ મેડમ નો આ એનર્જેટિક એટીટ્યુડ ખાલી પેશન્ટ્સ જ નહીં પણ ઘણા રેસિડેન્ટ ડૉક્ટર માટે પણ લાઈફ સેવિંગ સાબિત થયો છે.
૪ મહિનાની મહેનત બાદ, બંને બાળકો સ્વસ્થ થયા.
વેન્ટિલેટર પરથી પોતાનો શ્વાસ લઈ શકે એટલા સક્ષમ થયા,
ખુશીથી બંને ઘર તરફ વળ્યા.
એમના ડિસ્ચાર્જ ના દિવસે બંને બાળકો માટે કેક મંગાવવામાં આવી, અને ઈશ્વરે આપેલી આ નવી જીંદગીને બંને બાળકોએ એકબીજાને કેક ખવડાવીને વધાવી.
વૉર્ડ માં જ્યારે બંને એ કેક કટ કરી, ત્યાં ઉભેલા બંને બાળકોના પેરેન્ટ્સ ની ખુશી અમને અનુભવાતી.
હિરલ મેડમે સાથે જોડાયેલી આ બંને બાળકોના સંઘર્ષના એ ૪ મહીનાની યાદો, શક્ય જ નથી કે છેલ્લા શ્વાસ સુધી હું ભૂલી શકું.
મારા થીસીસ ના પહેલા ૧૦ ડેટા હોય કે, પેડિયાટ્રિક્સ નું બેસિક, આ બધાની શરૂઆત મેડમે જ કરી હતી.
ડેન્ગ્યુ ના એપીડેમિક વખતે મેડમ નું એ O.R.S. નું ફ્લ્યુડ મેનેજમેન્ટ એક જાદુ થી ઓછું નથી જ..
હિરલ મેડમની ટ્રાન્સફર થઈ,
અમારી હોસ્પિટલમાં થી હવે બીજી હોસ્પિટલમાં તેવો ફરજ બજાવશે.
પણ ખાલી વ્યક્તિ ની ટ્રાન્સફર નથી થતી,
તેની સાથે જોડાયેલી ખુશીઓ, પોઝિટિવ વાઈબ્સ અને લાગણીઓ ની પણ ટ્રાન્સફર થઇ જાય છે.
પણ એમણે શીખવાડેલી દરેક વસ્તુ, એમણે આપેલું નોલેજ અને એમની સાથે કામ કરી મળેલો એ અમૂલ્ય અનુભવ હંમેશા સાથે રહેશે.
અમારા પિડિયાટ્રિક્સ ના બધા વૉર્ડ માં એક બૉર્ડ હોય,
તેમાં વર્કિંગ ડૉક્ટર્સ ના નામ તેમની સિનિયોરિટી પ્રમાણે હોય.
તેમાં લખેલું ડૉ. હિરલ શાહ નામ,
છો ને ટ્રાન્સફર થાય, પણ તેને ભૂસી શકવાની હિંમત કોઈનાથી નહિ થાય.
એ ફક્ત નામ જ કાફી છે, હજારો નિરાશામાં પ્રાણ ફૂ્ંકવા માટે..!!
DEDICATED TO OUR MOST PRECIOUS
DR. HIRAL HARDIK SHAH Ma'am
ડૉ. હેરત ઉદાવત.
Tuesday, 1 December 2020
"માવઠું" (નિ:શબ્દ લાગણી)
"સાંજના ૫:૩૦ નો સમય,
સિંધુ ભવન રોડ,
"ફલાશીલ" કેફેની બહાર પડી રહેલો એ ઝરમર ઝરમર વરસાદ,
અને કેફેના ટેબલ પર હાથ મૂકી વિચારોમાં મશગૂલ શ્રેણી.
અચાનક વીજળીનો એક જોરદાર કડાકો થયો,
અવાજ એટલો તીવ્ર હતો કે કેફેમાં બેઠેલા તમામ વ્યકિત થોડા ચમકી ગયા, અને તમામના ચહેરા પર ડર અને ડરના લીધે અનુભવાયેલો હળવો ક્ષોભ પથરાયો.
શ્રેણીના કાનમાં પણ આ અવાજ અથડાયો પણ તેના મનમાં ચાલતા વિચારોના અવાજની સામે આ અવાજની 'ઈન્ટેન્સિટી' ઓછી પડી.
"ઑરેન્જ કલરના સિલ્કના દોરામાંથી ગૂંથાયેલો ડ્રેસ અને તેના પર મોરપીંછ રંગનો એ દુપટ્ટો શ્રેણીના વ્યકિતત્વની ભવ્યતાની શાખ પૂરતો હતો.
" એક્સટ્રીમ્લી સોરી, શ્રેણી..
મને ખ્યાલ છે કે એક પિડિયાટ્રીશ્યન નો સમય કેટલો કિંમતી હોય. પણ આ ભર શિયાળે થયેલા માવઠાના લીધે આવવામાં થોડું મોડું થઈ ગયું"
એક ૨૬ વર્ષનો છોકરો વરસાદના છાંટાથી ભીંજાયેલા પોતાના ચશ્માના ગ્લાસને પોતાના રૂમાલથી લૂંછતા બોલ્યો.
"અરે, કંઈ વાંધો નથી સંદર્ભ,
કંઈ કામ આવી ગયું હતું કે શું? "
શ્રેણીએ કહ્યું.
"એક ઈમરજન્સી ઓ.ટી. લેવાનું થઈ ગયું હતું"
ડૉ. સંદર્ભે જવાબ આપ્યો.
ડૉ. સંદર્ભ અને ડૉ. શ્રેણીની આ બીજી જ મુલાકાત હતી.
અરેન્જ મેરેજમાં પ્રેમના દોરા પરોવવાના પ્રયાસ સંદર્ભ તરફથી ચાલી રહ્યા હતા. પણ શ્રેણી ના મનમાં કંઈક ડંખતું હતું.
એવું પણ ન હતું કે સંદર્ભ તેને ગમતો ન હતો, પણ કંઈક તેનામાં ખૂટતું હોય તેવું હંમેશા તેને લાગતું.
પણ એ ખોટ શું હતી તેની સમજ તેને પણ ન હતી.
"તો મેરેજ માટે તે શું વિચાર્યુ છે?
આ તો મારી મમ્મી એ પૂછવાનું કીધું હતું એટલે પૂછ્યું..! "
કિવીનો જ્યૂસ પીતા પીતા સંદર્ભ બોલ્યો.
શ્રેણી ખાલી તેની સામે જોઈ રહી.
જ્યૂસનો ઘૂંટ ગળાની નીચે ઉતારીને સંદર્ભ બોલ્યો,
"દેખ શ્રેણી તું મને ગમે છે.
હું ગોળ ગોળ વાત નહીં કરું,
હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું, જો તને વાંધો ના હોય તો હું મમ્મી જોડે વાત કરી લઉં આજે? "
"દેખ સંદર્ભ, તુ સારો છે. પણ મારે વિચારવા માટે હજી થોડો સમય જોઈએ છે..! "
શ્રેણી એ ટૂંકમાં જવાબ આપ્યો.
"એક દમ બરાબર.
ટેક યોર ટાઈમ..! "
હસતા હસતા સંદર્ભે જવાબ આપ્યો.
આ જવાબ સાંભળી શ્રેણીના મનના વિચારો પણ થોડા શાંત થયા અને બહાર પડતા વરસાદના છાંટા પણ ઓછા થયા.
"તો હું નીકળું સંદર્ભ?
મારે મારા વૉર્ડનો રાઉન્ડ લેવાનો સમય થઈ ગયો છે. "
શ્રેણી એ પોતાના હાથમાં પહેરેલી વૉચ તરફ ઈશારો કરતા કહ્યું.
"હું તને ડ્રોપ કરી દઉં છું"
સંદર્ભે કહ્યું.
હોસ્પિટલ પહોંચીને શ્રેણી વૉર્ડની તરફ રાઉન્ડ લેવા જઈ રહી હતી ત્યાં અચાનક જ તેના વૉટ્સઍપ માં એક મેસેજ બ્લિન્ક થયો.
"કેવી રહી મીટીંગ?
છોકરો ગમ્યો કે નહિ?
મેસેજ હતો શ્રેણી ના બેસ્ટ ફ્રેન્ડ અને કો રેસિડેન્ટ ડૉક્ટર દેવમનો.
" હા...
એમ તો બધું સારું રહ્યું.
તારી મિટિંગ કેવી રહી? "
શ્રેણી એ દેવમને પૂછયું.
"હા, છોકરી તો સારી હતી.
પણ હજી મારી તરફથી ૧૦૦ ટકા નક્કી નથી..! "
દેવમે શ્રેણીને રિપ્લાય કર્યો.
"કેમ?
હવે આ છોકરીમાં શું વાંધો પડ્યો..? "
શ્રેણી એ ફરીથી મેસેજ કર્યો.
"વાંધો કંઈ નથી, પણ...! "
દેવમે અધૂરો મેસેજ કર્યો.
"પણ...?
કંઈક ખૂટતું હોય એવું લાગ્યું..? "
શ્રેણી એ જાણે દેવમના મનની વાત પકડી.
"ઈજ તો...!
શું ખૂટે ઈ જ સમજાતું નથી.
રાઉન્ડ પતે પછી મળજે..! "
દેવમે રિપ્લાય કર્યો.
પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ફાઈનલ યરમાં ભણતા હતા દેવમ અને શ્રેણી.
રેસિડન્સી ના ફર્સ્ટ યરથી જ એક જ યુનિટમાં કામ કરતા. રેસિડન્સીની દુનિયાના સારા ખરાબ દિવસો એક સાથે જ જોયેલા.
જોડે કામ કરવાના લીધે એક બીજા માટે મેચ્યોરિટી અને કમ્ફર્ટ ઝોનનું લેવલ એટલી હદે હતું કે, આંખોના ઈશારાથી જ સામે વાળું વ્યક્તિ શું કહેવા માંગે તે સમજાઈ જતું.
સ્વભાવ આમ સરખા પણ અમુક વાતોમાં એકબીજાથી વિપરીત હતા.
દેવમ હંમેશા પોતાના શબ્દોને એક્સપ્રેસ કરવામાં પાવરધો હતો,
શબ્દો પરની પકડ એ હદે મજબૂત હતી કે તે કોઈને પણ ઈમ્પ્રેસ કરી શક્તો. હંમેશા વેલ ડ્રેસ, બધાને મદદ કરવામાં પહેલો, અને કોઈને અજાણતા પણ તેના લીધે દુઃખ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખતો.
એક પિડિયાટ્રીશ્યન તરીકેની પર્સનાલિટીનો રેફરન્સ તરીકે દેવમને રાખી શકાય.
'મોરના ઈંડા ચીતરવા ના પડે.. '
બાળરોગોના નિષ્ણાત હોવાનો પોતાના પિતાનો વારસો દેવમે બરાબર જાળવ્યો હતો.
સામે છેડે શ્રેણી એક દિવસ ઓછા બોલી.
પણ ઈમોશનલી એટલી જ સ્ટ્રોંગ હતી.
ક્યારેય પોતાનું દુ:ખ કોઈને કહે જ નહીં.
ક્યારેય ખોટી સિમ્પથી ભેગી કરવાનો પ્રયાસ સુધ્ધાં નહીં. સારી પિડિયાટ્રીશ્યન અને પોતાના સિવાય બીજાના કામમાં પંચાત કરવાવાળા સ્વભાવનો અભાવ તેનામાં હતો.
જોડે કામ કરવાના લીધે બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ્સ બની ગયા હતા.
નાઈટ ડ્યુટી પણ એકસાથે જ આવતી.
ડૉક્ટર રૂમમાં જમતા પણ હંમેશા જોડે જ.
એક દિવસ રાત્રે,
વૉર્ડમાં બંને બેઠા બેઠા પેશન્ટના બીજા દિવસે જે ઈન્જેક્શન આપવાના હોય તેના ઑર્ડર કેસમાં લખી રહ્યા હતા.
૨:૩૦ વાગ્યાનો સમય..
વાતોમાં થી વાતો નીકળતી જ જતી હતી, ત્યાં અચાનક દેવમે પૂછયું,
"તને આમ કેવો છોકરો ગમે?
કોઈ ક્રાયટેરીયા ખરા..? "
"હમમમમમમમ..
એવું કંઈ ખાસ નથી પણ એક વસ્તુ નક્કી છે કે હું આ હોસ્પિટલના આપણા કો રેસિડેન્ટમાંથી કોઈ જોડે મેરેજ નહીં જ કરૂં...!! "
શ્રેણી એ ઑર્ડર લખતા લખતા કહ્યું..
૧ વર્ષમાં દેવમને શ્રેણી માટે પ્રેમ ક્યારે થઈ ગયો તેનો ખ્યાલ તેને પણ ના આવ્યો.
એક નિસાસા સાથે તે શ્રેણી ને જોઈ રહ્યો હતો
અચાનક તેનું ધ્યાન ભંગ કરતો એક અવાજ આવ્યો,
"સાબ, વો બુખાર માપને કા મશીન દો ના...! "
એક માતા પોતાના એડમિટેડ બચ્ચાંનો ફિવર મનાવવા માટે આવી હતી.
શ્રેણી ની વાત સાંભળી દેવમને જાણે કે તાવ ચડી ગયો તો.
એ મધરને થર્મોમીટર આપી દેવમે શ્રેણી ને પૂછયું,
"આ તો ખાલી, અમસ્તુ જ પૂછું છું પણ આમ કો રેસિડેન્ટમાંથી ના કરવાનું કારણ? "
"વાત થોડીક જૂની છે,
મારી એક બેસ્ટ ફ્રેન્ડ ને એમ.બી.બી.એસ.માં એક એનો જ કલીગ ગમી ગયો હતો,
પણ પાછળથી એ છોકરો સારો ના નીકળ્યો.
એના જોડે આખા સાડા ૫ વર્ષ મારી ફ્રેન્ડ એ કેટલી મુશ્કેલીઓમાં વિતાવ્યા છે એ મને જ ખબર છે.
કો રેસિડેન્ટ જોડે જો સારું ના જામ્યું તો પછી મેડિકલ ફિલ્ડમાં એ જ ચહેરા સાથે કામ કરવું અશક્ય બની જાય છે..! "
પોતાની વાત રજૂ કરતા શ્રેણી એ કહ્યું..
એ વાતને અને એ રાતને આજે દોઢ વર્ષ થઈ ચૂક્યું હતું.
દેવમના મનમાં શ્રેણી માટે લાગણીઓ ઘર કરી ગઈ હતી.
જેટલી પણ છોકરીઓ જોવા જતો બધામાં કંઈક ખૂટતું હોય એવો જ તેને ભાસ થતો.
આ બધું વિચારતા વિચારતા દેવમ કૉલેજના એન્ટરન્સ પાસે શ્રેણી ની રાહ જોઈ બેઠો હતો.
"તો કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? "
રાઉન્ડ પતાવીને આવેલી શ્રેણી એ વિચારમાં ડૂબેલા દેવમને જોઈને કહ્યું.
"હમમમમમમમ,
સારી હતી એમ તો.
જોયે હવે,
એમ તો હા પાડી દઈશ એવું લાગે છે..! "
દેવમે વિચારોમાંથી બહાર આવતા કહ્યું.
"ઓહો,
ફાઈનલી તને કોઈક તો ગમી.!! "
શ્રેણી એ ખુશી વ્યક્ત કરતા કહ્યું..
"અને તું?
તે શું નક્કી કર્યુ? "
દેવમે પૂછયું.
"સંદર્ભે મેરેજ માટે પ્રપોઝ કર્યું છે,
વિચારું છું કે હા પાડી દઉં..! "
શ્રેણી એ દેવમની આંખો માં જોઈને કહ્યું..
દેવમને શ્રેણી ની આંખો માં એક અજંપો દેખાયો,
એ કંઈ એ પૂછે એ પહેલાં તો શ્રેણી એ વાત બદલતા કહ્યું,
"ચલ જઈશું.
હવે ઘણું મોડું થવા આવ્યું છે..! "
આટલું બોલીને શ્રેણી નીકળી ગઈ.
દેવમ ક્યાંય સુધી તેને જતા જોઈ રહ્યો.
થોડાક કલાકો પછી,
શ્રેણી ના વૉટ્સઍપ માં ફરી એક મેસેજ બ્લિન્ક થયો.
"તું જાગે છે..? "
શ્રેણી એ જોયું તો મેસેજ દેવમનો હતો.
"હા...! "
શ્રેણી એ ટૂંકમાં મેસેજ કર્યો.
"ખોટું ના લાગે તો એક વાત પૂછવી હતી..! "
દેવમે કહ્યું.
"ગોળ ગોળ વાતો નહીં કર, જલદી બોલ શું છે..? "
શ્રેણી એ કહ્યું.
"જો ઓલી કો રેસિડેન્ટ જોડે રિલેશન ના રાખવાની વાત એડજસ્ટ થઈ શકે તો મારા ધ્યાનમાં એક છોકરો છે..!! "
દેવમે કહ્યું..
"છોકરો તો કે પહેલા,
એના આધારે કન્ડિશન ચેન્જ થઈ પણ શકે..! "
શ્રેણી એ રિપ્લાય કર્યો..
"પહેલા દિવસે જ્યારે એ છોકરાએ તને જોઈતી ત્યારથી જ તું એને ઘણી ગમી ગઈ હતી.
આટલા વર્ષોમાં કદી તમારા બંનેનો નાની સરખી વાત માટે પણ ઝઘડો નથી થયો. તને બને ત્યાં સુધી કોઈ તકલીફ ના જ પડે અને જો પડે તો એનો રસ્તો પણ જલદી નીકળી જાય તેનું ખાસ ધ્યાન તેણે રાખ્યું જ છે. જમવાનું એનો ફર્સ્ટ લવ છે, પણ એને બીજા નંબર પર કરીને પહેલું સ્થાન એ વ્યક્તિ એ તને આપ્યું છે. દેવમ નામના મારામાં રહેલા કો રેસિડેન્ટે તને I LOVE YOU કહ્યું છે..!!
તો તારો શું વિચાર છે.? "
દેવમે મેસેજ કર્યો.
શ્રેણી એ મેસેજ વાંચી લીધો હતો.
સાક્ષ્ય સ્વરૂપ બ્લયુ ટીક પણ થઈ ગયું હતું..
મેસેજ રીડ થયાના ૫ મિનિટ પછી પણ શ્રેણી નો રિપ્લાય ના આવ્યો.
દેવમને હવે ટેન્શન થવા લાગ્યું.
એકીટશે તે ફોનને જોઈ રહ્યો હતો.
એક્ઝેક્ટ ૬ મિનીટ પછી શ્રેણી નો કૉલ આવ્યો,
૨ મિનિટ સુધી ફોનમાં બંને છેડે શાંતિ પથરાયેલી રહી,
પછી શ્રેણી બોલી,
"આ વાત કહેવા કેમ આટલી બધી વાર કરી તે દેવમ..? "
"તે કૉલેજ માં કોઈ જોડે રિલેશન ના રાખવાની શરત રાખી હતી એટલે હિંમત જ ના થઈ.. "
દેવમે જવાબ આપ્યો.
"આટલા દિવસથી જેટલા પણ છોકરા જોયા બધાને હું તારી સાથે જ કમ્પેર કરતી હતી.
બધા સારા હતા પણ કોઈ તારા જેવુ તો ન હતું જ..
એ જ મને ખટકતું હતું..! "
શ્રેણી એક શ્વાસ માં બોલી ગઈ.
"ઈ જ તો..
તો હવે..?
એનો મતલબ તારી હા જ ને..? "
દેવમે હસતા હસતા કહ્યું.
"હા, યુ ફટ્ટુ,
એનો મતલબ..
I LOVE YOU TOO...!! "
અને બંને ખુશીથી છલકાઈ પડ્યા.
અને આટલા વર્ષોથી સબકૉન્સ્યિસ માઈન્ડ માં ડટાયેલું લાગણીઓનું પૂર એવું આવ્યું કે તેમના પેરેન્ટ્સે પણ આ રિલેશન ને એક જ અઠવાડિયામાં ખુશીથી સ્વીકારી લીધો..
વાત ફક્ત એટલી જ છે કે,
"એક વાર તમારા દિલની ફ્રિકવન્સી જેની જોડે મેચ થઈ જાય તેની સાથેના રિલેશનમાં જીવનભર ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા પર પૂર્ણ વિરામ મૂકાઇ જ જાય છેે..!! "
ડૉ. હેરત ઉદાવત.
Thursday, 17 September 2020
લિથિયમ પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! "
લિથિયમ
પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! "
મલ્હારના મ્રુત્યુના સમાચાર સાંભળ્યા બાદ જાડેજાને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.
"કંઈક મોટુ રંધાઈ રહ્યું છે નાથિયા,
આ એકસીડન્ટ કરતાં કોઈકના કાવતરાનો ભાગ હોય તેવું વધારે લાગે છે..!"
જાડેજા વિચારતા વિચારતા નાથુની સામે જોઈને બોલ્યા.
"જીના પર શંકા હતી,
એતો આ દુનિયા સોડીન જ જતો રયો.
સાહેબ હવ તમોને સુ લાગ છ..
કુણે કર્યું હશે આ બધુ..?"
નાથુ ઉદાસ મોઢે બોલ્યો.
"છેલ્લે મલ્હાર જેને જેને પણ મળ્યો છે,
તે બધાની તપાસ કર...!"
જાડેજા ફક્ત આટલું જ બોલી શકે છે.
વાતને બે મહિના નીકળી જાય છે,
ઉપરથી પ્રેશર હોવાના લીધે માહેશ્વરીની ફાઈલ ક્લોઝ થઈ જાય છે.
પૂરાવાના અભાવે આ સ્યૂસાઈડ જ હતું એમ દુનિયાએ પણ સ્વીકારી લીધું હોય છે.
પણ જાડેજા ની ઊંઘ હરામ થઇ ગઈ હતી.
તેમને હંમેશા થતુ કે ગુનેગાર હજી સુધી પકડાયો નથી.
"સાહેબ હવ બધુ ભૂલી જો. મોટો મોણસો અગાળ આપણે બધોય નોની કીડીયો જેવા છીયે,
બધો આપણને દબોઈન જતો ર..! "
નાથિયો અકળાયો હતો.
જાડેજા આંખો બંધ કરી સાંભળી રહ્યાં.
નાથુએ વાતને આગળ વધારતા કહ્યું,
"આ બધું પેલી ડૉક્ટરના લીધે થયું,
ના તો ઈને મલ્હારની વાત કાઢી હોત, ના તો આપણું મગજ ફેરવ્યું હોત.
ચારના આપણે સ્યૂસાઈડ મોનીને કેસ બંધ કર દીધો હોત..!"
નાથુની આ વાતથી જાડેજા અકળાયા હતા,
ગુસ્સો કરીને કંઈક બોલે ત્યાં અચાનક તેમના મનમાં એક વિચાર ઝબક્યો,
"યસ નાથ્યા,
યસ..
ડૉક્ટર..
હું કેવી રીતે આ મિસ કરી ગયો.
તને યાદ છે નાથિયા મેં તને કીધું હતું કે મલ્હાર જેને છેલ્લી વાર મળ્યો એ બધાની તપાસ કરાવ.
એમાં એક વ્યક્તિ હતા ડૉ. વ્રજ મહેતા.
એ વખતે તેઓ અમદાવાદમાં ના હોવાથી મળી શકાયું ન હતું.
મને થાય છે એક વાર એમને મળવું જોઈએ, કદાચ કંઈક તાગ મળી જાય..! "
આ તરફ જાડેજા અને નાથુ ડૉ. વ્રજના જોડે તપાસ કરવા નીકળ્યા અને બીજી તરફ,
અમદાવાદની ફાઈવ સ્ટાર હૉટેલના રૂમ નંબર ૫૦૨ માંથી કંઈક અવાજ આવી રહ્યો હોય છે.
"ઑહ ગોડ, રાજન..
શું માસ્ટર પ્લાન હતો તમારો.
થેંક્યુ સો મચ કે તમે મને મલ્હાર ની વાસ્તવિકતા અંગે મને જાણ કરી,
નહીંતર હું અંધારામાં જ રહેતા.. "
અવાજ મલ્હારની પત્ની કવિતાનો હતો.
"બેવફાઈની સજા તો મળવી જ જોઈએ દરેકને.
એ લોકોની વાતો કરી આપણે શું કરવા ટાઈમ વેસ્ટ કરીએ છીએ.. "
રાજને કહ્યું.
"યસ સ્યોર,
તમે આજે મને કંઈક ખાસ વાત કરવા માટે બોલાવી હતી. "
કવિતાએ કહ્યું.
"હા વાત એટલી છે કે જીવનમાં બહુ જ એકલતા છે.
મને જરૂર છે એક કંપનીની. અને તારા જેવી બ્યુટીફૂલ કંપની મળે તેનાથી વધારે કોઈ માણસને શું જોઈએ? "
ફ્લર્ટ કરતાં રાજને કહ્યું.
"તો, હવે આગળ.. "
શરમાતા શરમાતા કવિતા એ કહ્યું.
"તો, વિલ યુ મેરી મી..? "
રિંગ કાઢી પ્રપોઝ કરતાં રાજને કહ્યું.
"ઑહ યસ...! "
ખુશીથી કવિતા બોલી.
ખુશીથી રાજને કવિતાને પોતાની બાહોમાં ભરી અને કવિતાએ પોતાના હોઠ રાજનના હોઠ સાથે બિડી દીધા.
૧૦ મિનિટના પેશનેટ લિપ કિસિંગ બાદ રાજને વાઈનનો ગ્લાસ કવિતાને આપ્યો.
"લેટ્સ સેલિબ્રેટ..
ચિયર્સ..! "
કવિતા ગ્લાસને મોઢા પર લગાવે ત્યાં જ પાછળથી દરવાજો ખોલીને ઈન્સપેકટર જાડેજા અને નાથુની અચાનક રૂમમાં એન્ટ્રી થઈ..
"વાઈન ના પીતા કવિતા મેડમ,
એમાં લિથિયમનો વધારે માત્રામાં ડૉઝ આ નરાધમે નાખ્યો છે.
એક ઘૂંટ જીભની નીચે અને તમારૂં પ્રાણ પંખેરૂ ઉડી જશે..!! "
જાડેજા એ પિસ્તોલ રાજન તરફ તાકીને કહ્યું.
પાછળથી જઈને નાથુએ રાજનને પકડી લીધો.
"રાજન, ડૉ. વ્રજને મળીને આવ્યો છું,
તમારી બધી જ બિમારી ની પણ માહિતી મળી ગઈ છે.
વિશ્વાસ રાખો, દરેક બિમારીનો ઈલાજ શક્ય છે..! "
જાડેજા બોલ્યા.
"સર, આ બધું શું છે?
શેની બિમારી..! "
કવિતાએ કહ્યું.
"કવિતા,
રાજન ઑબરૉય એક સાયકાયટ્રીક ડિસીઝ થી પિડાય છે.. જેનું નામ છે,
'ઓથેલો સિન્ડ્રોમ'. આ બિમારી ના અંતર્ગત વ્યકિત ને હંમેશા એવો ભ્રમ રે છે કે, તેનું પાર્ટનર તેની સાથે વફાદાર નથી. તેનું ચોક્કસ થી અફેર છે કોઈકના જોડે.
આલ્કોહોલનું વધારે પડતું સેવન આ બિમારીનુ મુખ્ય કારણ છે. ૨ વર્ષ પહેલાં આ બિમારીનુ નિદાન ડૉ. વ્રજ એ કર્યું હતું. દવા પણ તેઓ બરાબર લેતા હતા. પણ છેલ્લા ૬ મહિનાથી તેમણે આ દવાઓ બંધ કરી અને ફરીથી આ ડિલ્યુસનમાં સપડાયા અને તેનુ પરિણામ તમારી સામે છે..! "
જાડેજા એ ફોડ પાડતા કહ્યું.
"મતલબ, મલ્હાર નુ કોઈ અફેર ન હતું માહેશ્વરી સાથે...??? "
કવિતા હવે તૂટવાની તૈયારી માં હતી.
"હા, તેઓ સારા મિત્રો હતા,
કોઈ અફેર ન હતું, માહેશ્વરી અને મલ્હારનું
પોતાની બિમારીના લીધે રાજને લિથિયમ નો ઓવરડોઝ માહેશ્વરી ને આપીને તેની હત્યા કરી અને જ્યારે મલ્હાર ને વ્રજ તરફથી બધી માહીતી મળી રાજનની બિમારીની તો પોતાનો ગુનો બચાવવા તમારી જોડે મલ્હારની કારની બ્રેક ફેલ કરાવી તેની પણ હત્યા કરવી..! પોતાનો ફક્ત ભ્રમ સંતોષવા માટે તમને પણ ગુનેગાર બનાવ્યા. આબાદ પ્લાન હતો ડબલ મર્ડર ને એક્સિડન્ટ માં બદલવાનો. "
જાડેજા એ કહ્યું.
"તો, આજે મારી પણ હત્યા થાત..? "
કવિતા રડતાં રડતાં બોલી..
"હા,
તું પણ..
જેમ મલ્હાર અને માહેશ્વરી એ દગો કર્યો એમ તે પણ મારી સાથે લગ્ન કરવાની હા પાડીને પોતાની મોતને જ આમંત્રણ આપ્યું છે..
આ ઈન્સપેકટર જે પણ બકવાસ કરે,
મને કોઈ બિમારી નથી, અફેર હતું જ માહેશ્વરી અને મલ્હાર નું. અને એમના ગુનાની સજા મેં બરાબર જ આપી છે..! "
આટલું બોલી રાજન હસવા લાગ્યો..
રાજનને સાયકાયટ્રીક વૉર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી અને કવિતાને રાજનને ગુનામાં સાથ આપવા બદલ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો..
થોડાક દિવસ પછી,
પોલીસ સ્ટેશનમાં,
"નાથિયા એક વ્યસન અને બીજો અવિશ્વાસ..
આ બંને જીવલેણ છે..! "
જાડેજા બોલ્યા..
"હોવ સાહેબ,
જબરી મોટી વાત કીધી છ..
આજ કેસ પૂરો,
આ જ તો પાર્ટી આલવી પડશે, હાલો ચૂસકી લગાઈએ..! "
નાથ્યા એ કહ્યું..
"શેની?? દારૂ ની..? "
જાડેજા એ હસતા હસતા કહ્યું.
"ના બાપુ,
ચા ની..
તમ ય શું?
દારૂ થી તો દૂર જ હારુ,
ચોક મન પેલો ઑથેલો થઈ જાય તો મારૂ બૈરું જ મન માર નાખ..! "
નાથ્યો અને જાડેજા ચા ની ચૂસકી લેતા લેતા હસવા લાગ્યા...!!
પૂર્ણ.
ડૉ. હેરત ઉદાવત.
Tuesday, 15 September 2020
લિથિયમ પ્રકરણ ૩ : "વજ્રાઘાત"
લિથિયમ
પ્રકરણ ૩ : "વજ્રાઘાત"
"..............સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા ખ્યાલ આવ્યો કે માહેશ્વરીની સાથે તે દિવસે રાજન ન હતો પણ બીજો કોઈ વ્યક્તિ હતો..
એને જોતાં જ રાજન મોટેથી બોલ્યો,
"આ તો મારો બિઝનેસ પાર્ટનર છે મલ્હાર....!
પણ તે માહેશ્વરી સાથે શું કરવા આવ્યો હતો આ ક્લિનિકમાં...?"
"હવે એનો જવાબ તો મલ્હાર જ આપી શક્શે..!"
ઇન્સ્પેક્ટર જાડેજા ધીરે રહીને બોલ્યા.
થોડા કલાકોમાં મલ્હારને ઇન્સ્પેક્ટર જાડેજાની સામે હાજર કરવામાં આવ્યો.
"અફેર કરવા માટે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનરની પત્ની જ તને મળી હતી લ્યા..?"
જાડેજાએ તીખા સવાલો શરૂ કર્યા.
"મન ફાવે એમ ના બોલો ઇન્સ્પેક્ટર, પુરાવા વગર આવા આરોપ લગાવવામાં તમને શરમ આવી જોઇએ...!"
મલ્હારે પણ સામે જવાબ આપ્યો.
"બેટા હું શરમ છોડીશ તો તું વાત કરવાને પણ લાયક નહીં રહે,
શું કરવા ગયો તો ડોક્ટર સીમા ને ત્યાં માહેશ્વરીની સાથે?
તારા અને મહેશ્વરીના વ્યભિચાર (અફેર)નો જે પુરાવો ઉભો થયો હતો તેનું અબોર્શન કરાવા માટે જ ને..?"
જાડેજાએ કડકાઈથી પૂછયું.
"પ્લીઝ ઇન્સ્પેક્ટર,
માહેશ્વરી મારી ફ્રેન્ડ હતી.
તેના હસબન્ડ રાજનની દારૂ પીવાની આદતથી ત્રાસી ગઈ હતી,
અને તેને બાયપોલર ડિસઓર્ડર થવાનું એક કારણ રાજનની આ આદત જ હતી.
માહેશ્વરી ના દરેક કામમાં હું તેની સાથે જ જતો.
તે દિવસે પણ મને પહેલી વાર જ ખબર પડી કે માહેશ્વરી પ્રેગનેન્ટ છે.
મે માહેશ્વરી ને સમજાવ્યું હતું અબોર્શન ના કરવા માટે, ત્યારે તે માની પણ ગઈ હતી કે તે અબોર્શન નહીં કરાવે પણ બે દિવસમાં તેના સ્યુસાઈડના ન્યુઝ મળ્યા.
અને જ્યારે માહેશ્વરીએ સ્યુસાઇડ કર્યું ત્યારે હું મારી પત્નીના સાથે ઘરે જ હતો.
સમાચાર મળતાની સાથે જ હોસ્પિટલ તરફ આવવા નીકળ્યો, પણ મારી હિંમત જ ન હતી માહેશ્વરીને તેની અંતિમ દશામાં જોઈ શકવાની.
આખી રાત એ એસજી હાઈવે પરની હોસ્પિટલના સામેના સર્વિસ રોડ પર જ હું ઉભો રહ્યો હતો.
ત્યાં રાત્રે તાપણું કરતા મજૂરો જોડે તમે તપાસ કરાવી શકો છો.
મારો કોઈ વાંક નથી સર.
માહેશ્વરી ફક્ત મારી ફ્રેન્ડ હતી. મારું કોઈ જ તેની સાથે અફેર ન હતું...!"
એટલું કહીને મલ્હાર રડવા લાગે છે.
"મલ્હાર,
આ રડવાનું બંધ કરો અને પાણી પી લો.
તમે જોઈ શકો છો, પણ જ્યારે જરૂર પડે ત્યારે તપાસમાં સહકાર આપવા તમારે આવવું પડશે..!"
જાડેજા એ મલ્હારને જવાનો ઈશારો કર્યો.
"સાહેબ,
આ કોકડું તો ગૂંચવાયે જાય છ. આ રાજન કો તો આ મલ્હાર્યો, બે મોથી કોઈ એક આપણ ન ગોથે ચડાઈ રહ્યું છ...! "
નાથુ એ માથું ખંજવાળતા કહ્યું
"પણ એમને ખબર નથી કે આપણે એમના બાપ છીએ,
ક્યાં સુધી વાતો બનાવશે?
હાલો, વારો કાઢો બધાનો.
સૌથી પહેલા ઓલાની ઘરવાળી ને બોલાવો..!"
જાડેજા એ નાથુ ને હુકમ કર્યો.
"ઘરવાળી?? એ તો ચમની બોલાવું?
બાપુ એ તો મરી જઈ ને...!"
નાથિયા એ બાફ્યું
" અલ્યા, બુદ્ધિના હજામ,
મલ્હાર ની બાયડી ને બોલાવ..
એના પછી રાજન ને બોલાવ અને રાજનના બંગલામાં કામ કરતા ચોકીદારને અને ઘરઘાટીને પણ બોલાવી લે..
ઘરઘાટી અને ચોકીદારને માલિકના અફેર ની બધી જ માહિતી હોય..!"
અકળાયેલા ઈન્સપેક્ટર જાડેજા એ કહ્યું.
રાજન સૌથી પહેલા સ્ટેટમેન્ટ આપવા આવ્યો.
મલ્હારે કીધેલી બધી જ વાત જાડેજાએ રાજનને જણાવી.
"મલ્હારના માહેશ્વરી સાથે આડા સંબંધો હોઈ જ ના શકે.
એક મિત્ર પહેલા એ મારા ભાઈ જેવો હતો અને માહેશ્વરી નો તે સાચો મિત્ર હતો.
મલ્હારની વાત સાચી છે,
દારૂના નશાના લીધે મેં ક્યારેય માહેશ્વરીને સમય જ ના આપ્યો અને નાછૂટકે તેણે આ પગલું ભર્યું.
મેં તો માહેશ્વરીની સાથે મારા આવનારા અંશને પણ ખોઈ નાખ્યો..! "
રાજને દુઃખ સાથે જવાબ આપ્યો.
"તમે જઈ શકો છો રાજન..! "
જાડેજા બરાબરના અકળાયા હતા.
બધા દૂધથી ધોયેલા હોય એમ ડોળ કરતાં હોય એવું તેમને લાગ્યું.
ત્યારબાદ મલ્હારની પત્ની કવિતાને તપાસ માટે બોલાવવામાં આવી.
જાડેજાએ સીધો સવાલ કર્યો,
"અમને અમારી તપાસના એવું લાગે છે કે તમારા પતિના મિસ્ટર રાજનની પત્ની માહેશ્વરી સાથે લગ્ન બહેતર સંબંધો હતા.
તમારું શું માનવું છે..?"
"હા, સર હતા જ.
તમારી સામે જૂઠું નહીં બોલુ,
કેટલીય વાર મલ્હાર અને માહેશ્વરીને રંગે હાથે કામાગ્નિમાં ડૂબેલા મેં જોયેલા છે.
અરે હું શું,
રાજનના ચોકીદાર અને ઘરઘાટીને પણ પૂછી જુઓ, મલ્હાર અને માહેશ્વરી ની કામક્રીડા તેમણે પણ નિહાળી જ છે."
કવિતા એ ઘટસ્ફોટ કરતાં કહ્યું.
જાડેજાને આટલા સચોટ જવાબની અપેક્ષા જ ન હતી.
ઘરઘાટી અને ચોકીદારના સ્ટેટમેન્ટ પણ કવિતાના સ્ટેટમેન્ટ સાથે જ મળ્યા હતા..
જાડેજા એ તાગ લગાવતા કહ્યું,
"૨ શક્યતાઓ છે નાથુ,
મલ્હારના માહેશ્વરી સાથેના આ સંબંધો બહાર ન આવે એટલા માટે મલ્હારે જ પ્લાન કર્યો હશે અા લિથિયમની ગોળીઓ માહેશ્વરીને વધારે માત્રામાં ખવડાવીને કેસને સ્યૂસાઈડનુ રૂપ આપવાનો
અથવા તો આ સ્યૂસાઈડ માહેશ્વરી એ જ કર્યું હશે, કારણ કે જો તેના અને મલ્હારના સંબંધો બહાર આવે તો ઑબરૉય ઇન્ડસ્ટ્રી માટે કલંક સાબિત થાય."
"હાચી વાત છે સાહેબ..! "
નાથુ એ હકારમાં માથું હલાવ્યું.
"તો નાથુ, માથું હલાવ્યા કરતાં જલદી મલ્હારને કસ્ટડીમાં લો,
સાચું કેમ કઢાવવું એની બધી રીતો મને આવડે છે.! "
જાડેજાએ હુકમ કર્યો.
નાથુ હુકમ બજાવવા તરત નીકળ્યો ત્યાં જાડેજાના ફોનની ઘંટડી વાગી,
"સર, હું મલ્હાર બોલું છું,
મને મહેશ્વરીના મ્રુત્યુ વિશે ચોક્કસ પુરાવા મળ્યા છે. મારે તમને હાલ ને હાલ મળવું છે,
જલ્દી મળવા આવો.....!"
આટલું બોલતા બોલતા માં તો ફોન કટ થઈ જાય છે..
જાડેજા ઝડપથી નાથુને ફોન કરે છે,
"નાથ્યા,
એક નંબર તને મોકલું છું.
જલ્દી તપાસ કરાવ કે ફોનનું લોકેશન ક્યાં છે..!"
થોડીકવાર પછી,
નાથ્યો ભાગતા ભાગતા આવે છે,
"સાહેબ ગજબ થઈ જ્યું
મલ્હારની કારનો એક્સિડન્ટ થ્યો અન મલ્હાર ત્યો ને ત્યોં જ દેવલોક પામ્યો....!"
જાડેજાને ૪૪૦ વોટનો જાણે ઝટકો લાગ્યો.
જેના પર શંકા હતી તેનું જ આવુ મ્રુત્યુ...??? "
ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત.
Sunday, 13 September 2020
લિથિયમ પ્રકરણ ૨: અજાણ્યો ચહેરો..!
લિથિયમ
પ્રકરણ ૨:
અજાણ્યો ચહેરો..!
"રહસ્યમયી કડીઓથી એક તર્ક બંધાય છે,
જાણીતો ચહેરો અજાણતા જ દેખાઈ જાય છે..! "
બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર જાડેજા આ કેેસના વિષય પર વિચારી રહ્યા હતા અને નાથુ ની એન્ટ્રી થાય છે,
"સાહેબ, તમામ તપાસ કરીને આવ્યો છું.
પેલા ડોક્ટર મેડમ નું નામ, સરનામું બધુ ગોતી લાવ્યો છું કે જેમના જોડે માહેશ્વરી મેડમ પોતાની પ્રેગનન્સીના વિષયમાં તપાસ કરાવવા જતા હતા.
ડૉ. સીમા શાહ નામ છે એમનું. "
નાથુ બોલ્યો.
"હાલો, ત્યારે જટ જઈએ નાથુલાલ..! "
જાડેજાએ કહ્યું.
માહેશ્વરી અને તેની પ્રેગ્નેન્સી વિશે વધારે માહિતી જાણવા માટે જાડેજા ડોક્ટર સીમાના ક્લિનિકમાં પહોંચ્યા.
"ગુડ મોર્નિંગ મેડમ, હું ઇન્સ્પેક્ટર જાડેજા.
માહેશ્વરી ઑબરોયના સ્યુસાઇડના કેસ રિલેટેડ ઇન્વેસ્ટિગેશન માટે આવ્યો છું. "
જાડેજા એ ક્લિનિકમાં આવતા જ મુદ્દાની વાત કરી.
ઇન્સ્પેક્ટરને જોતા જ ડોક્ટર સીમાના મોઢા પર પરસેવો છૂટી પડ્યો.
"પ્લીઝ, બેસો ને સર..!"
સીમા એ પરસેવો લૂછતાં કહ્યું.
ડૉ. સીમાના કપાળ પર પથરાયેલી પરસેવાની બધી જ બૂંદો જોઈને ઇન્સ્પેક્ટર જાડેજા ના હૃદય માં શંકા નો મોટો દરિયો ઊભો કરી દીધો.
" અમને તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પ્રેગનેન્ટ હતા અને પોતાનું ચેકપ કરાવવા માટે તમારી પાસે જ આવતા હતા..!"
જાડેજા એ વાત વધારતા કહ્યું.
"કોણ મહેશ્વરી..?
હું કદાચ નથી ઓળખતી...!"
ખચકાટ સાથે ડોક્ટર સીમા બોલ્યા.
"મેડમ તપાસમાં સહકાર આપશો તો સારું રહેશે..!"
જાડેજાએ કડકાઈથી કહ્યું અને તરત જ મહેશ્વરી નો ફોટો બતાવ્યો.
"ઓહ, આમને તો હું ઓળખું છું પણ સર જો આમણે સ્યુસાઇડ કર્યું હશે તો નક્કી તેની પાછળ તેમના ઘરવાળા નો જ હાથ હોવો જોઈએ. "
ડોક્ટર સીમાએ ઘટસ્ફોટ કર્યો.
"હમણાં તમે આમને ઓળખતા ન હતા અને હવે આટલું મોટું સ્ટેટમેન્ટ આપો છો?? વિસ્તારથી જણાવો...! "
જાડેજાએ પૂછ્યું.
"માહેશ્વરી આ બાળકથી ઘણી ખુશ હતી, તેને આ બાળક દુનિયામાં લાવવું હતું પણ જ્યારે તે લાસ્ટ ટાઇમ મને મળવા આવી ત્યારે તે ઉદાસ હતી અને ત્યારે તે પોતાના હસબન્ડની જોડે જ આવી હતી.
તે દિવસે તેણે મને અબોર્શન કરવા માટે કીધું.
મારા લાખ સમજાયા છતાં પણ તે માની જ નહીં. અંતમાં મારી વાતમાં માન રાખીને તેણે આ નિર્ણય પર બીજા બે-ત્રણ દિવસ વિચારવાનું નક્કી કર્યું.
પણ એ મને મળવા આવે એ પહેલાં તો.....!!"
ડૉક્ટર સીમા આટલું બોલી અટકી ગયાં.
"ડોક્ટર સીમા તમારે સ્ટેટમેન્ટ આપવા માટે પોલીસ સ્ટેશન આપવું પડશે કારણ કે તેના આધારે માહેશ્વરી ના હસબન્ડની વધારે તપાસ કરી શકીશું...!"
જાડેજાના મનમાં સવાલો નું વાવાઝોડું આવ્યહતું..
શા માટે રાજન અબોર્શન કરાવવા માંગતો હતો આ વાતની તપાસ કરવા રાજનની તપાસ જરૂરી હતી.
રાજનની પૂછતાછ માટે તેઓ તેના ઘરે પહોંચ્યા, બપોરના બાર વાગ્યા હતા તો પણ રાજન હજી સૂતો હતો.
" આ દારૂડીયો પીધા પછી કોયનોય નઈ સાહેબ,
હજી ઘોર જ છ..
બૈરૂ છૂટી જ્યું બાપડું,
પેલા દાહ્ડે ચેવા ગીતો ગાતો તો આ ગોડો...! "
નાથુ દાંત કાઢી હસવા લાગ્યો.
" બધો જ નશો ઉતારવો પડશે આનો,
ઉઠાળો અને અને લઈ લો પોલીસ સ્ટેશન..!"
જાડેજાએ હસી રહેલા નાથુને જોઈ ગુસ્સામાં કહ્યું.
રાજનના લાખ વિરોધ છતાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો,
"સાહેબ મારો વાંક શું?
શા માટે મને ઉપાડીને લાવ્યા છો? "
રાજને કહ્યું.
"૨ ગુના.
પહેલો કે,
પોલીસને ખોટું સ્ટેટમેન્ટ આપવાનો કે માહેશ્વરીની પ્રેગનેન્સી વિશે કશો ખ્યાલ જ નથી
અને બીજો તમારી પત્નીની મરજી વિરુદ્ધ એ બાળકને અબૉર્ટ કરાવવાનો..! "
જાડેજા બોલ્યા.
"સાહેબ આ બધું શું બોલો છો..?મને સાચે માં ખબર નથી કે માહેશ્વરી પ્રેગનન્ટ હતી તો હું કઈ રીતે અબૉર્ટ કરાવી શકું??
મારે મારા વકીલ જોડે વાત કરવી છે..! "
રાજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
"હમણાં બધુ તને યાદ કરાવી દઈશ હું રાજન..! "
ગુસ્સામાં જાડેજા બોલ્યા.
"સાહેબ ઓલા ડૉક્ટર બૂન આઈ જ્યા.. "
પાછળથી નાથાને અવાજ આવ્યો.
"બોલાવો એમને અંદર, આજે રાજન સરને કદાચ આવી જાય..! "
જાડેજા બોલ્યા.
ડૉ. સીમા અંદર આવે છે.
"તમારી સાથે તે દિવસે માહેશ્વરીના જોડે જે તેમના હસબન્ડ આવ્યા હતા તે આ જ હતા ને? "
જાડેજા એ મૂછોને તાવ આપતા કહ્યું.
"સર, એ દિવસે આ વ્યક્તિ ન હતા,
કોઈક બીજુ હતું, આ એમના હસબન્ડ નથી..! "
શાંત ચિત્તે ડૉ. સીમાએ જવાબ આપ્યો.
ઈન્સપેકટર જાડેજા અને નાથુના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ...!
બંને એકબીજાનું મોં તાકી રહ્યાં.
"આ બૂન તો કોક નવું જ લાઈ છ સાહેબ,
બચારા રાજનને કોય ખબર નઈ..! "
નાથુ ધીમેથી બોલ્યો.
રાજનને પણ ઝટકો લાગ્યો હતો કે માહેશ્વરી જોડે એ માણસ કોણ હતો?
"મેડમ તમે એ વ્યક્તિ ને ઓળખો છો, જે માહેશ્વરી સાથે હતો તે દિવસે? "
જાડેજા એ ડૉક્ટર ને પૂછયું.
"હું ઓળખતી નથી, પણ મારા ક્લિનિકના સી.સી.ટી.વી. ફૂટેજમાં એનો ચહેરો મળી જશે..! "
ડૉ. સીમા બોલ્યા.
બધા સી.સી.ટી.વી. ફૂટેજ જોવા ગોઠવાયા.
એ વ્યક્તિનો ચહેરો જોતા જ રાજને મોટેથી બોલ્યો,
"સર.......
આ વ્યક્તિને હું ઘણી સારી રીતે ઓળખું છું,
પણ માહેશ્વરી સાથે આ કેમ અને કઈ રીતે...??? "
રાજન આટલું બોલી અટકી જાય છે.
ક્રમશ:
ડૉ. હેરત ઉદાવત.
"પૂજ્ય મોટા"
જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...
-
"સાંજના ૫:૩૦ નો સમય, સિંધુ ભવન રોડ, "ફલાશીલ" કેફેની બહાર પડી રહેલો એ ઝરમર ઝરમર વરસાદ, અને કેફેના ટેબલ પર હાથ મૂકી વિચારો...
-
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો “તને કયો વિષય સૌથી વધારે ગમે?” એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨...
-
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ (લાગણીઓનો દરિયો) પ્રકરણ ૨૧: Dr. HHS મેડમ ૧ ઓગસ્ટ,૨૦૧૮.. બપોરનો સમય. એક ૧૨ વર્ષ ની છોકરીને ઉંચી કરીને એક ૪૫ વર્ષનો વ...










