શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૯: "ADAM" (ધ્રુવનો એક અલૌકિક તારો)
અમુક રાતો તમારી ડેસ્ટીનીમાં ઈશ્વરે કોતરેલી હોય છે.
જે બદલવી અશક્ય છે.
સપ્ટેમ્બર 2018,
આખી હોસ્પિટલમાં બીમારીની સીઝન પૂરબહારમાં ચાલી રહી હતી.
વૉર્ડની બહાર હાઉસફુલ નું બોર્ડ લગાવી દઈએ એવી મનમાં ઈચ્છા થઈ જતી.
વૉર્ડમાં જ્યાં પણ પગ મૂકો જાણે કે બીમારીઓ તમારો ભરડો લેવા તૈયાર થઈને જ બેઠી હોય,
દુઃખ સિવાય બીજું કંઈ જ દેખાય નહીં .
કાને પડતી નાના ભૂલકાઓની એ ચીસો,
ખરેખર હૃદય કંપાવનારી હતી.
એ જ ટાઈમ માં એડમિટ થયેલા બે બચ્ચા..!
એકનું નામ ધ્રુવ અને બીજો આલોક.
ધ્રુવ માંડ ચાર વર્ષનો હતો અને આલોક પાંચ મહિનાનો.
બંનેના એડમિશન વખતની એક જ કમ્પલેન,
પાણી જેવા ઝાડા કે ડાયેરિયા..
અમને એમ હતું કે સિમ્પલ ડાયેરિયાનો કેસ છે ,
બે દિવસમાં તો બંને ડિસ્ચાર્જ પણ થઈ જશે..
બંનેના ઇન્વેસ્ટિગેશન પણ નોર્મલ હતા.
ડબલ ઇમર્જન્સી પછીનો સોમવાર હતો. તેની
રાઉન્ડમાં અચાનક જ ધ્રુવને કન્વલ્સન (ખેંચ) ચાલુ થઈ ગયા..
મેડિકલ ભાષામાં તેને જી.ટી.સી.સ. કન્વલ્સન કહેવાય.
બહુ જ ભારે તાવ જલ્દીથી ઓછો ના કરવામાં આવે તો બચ્ચાને ખેંચ આવી શકે છે,
કેટલાય બચ્ચા આ રીતે ખેંચ આવી હોય તેમ જોયેલા છે અને સફળતાપૂર્વક ટ્રીટ કરીને ડિસ્ચાર્જ કરેલા છે.
ખેંચના બીજા કારણ રૂલ આઉટ કરવા માટે કેલ્શિયમ ની તપાસ પણ મોકલવામાં આવી.
તે પણ નોર્મલ ...
આટલા પ્રોફ્યુસ ડાયેરિયામાં ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે,
તેના લીધે પણ કન્વલ્સન આવે,
એટલા માટે સોડિયમ પોટેશિયમ ની તપાસ પણ મોકલાવી..
તે રિપોર્ટ પણ નોર્મલ આવ્યા..
સગા ખેંચ આવવાના લીધે થોડીક ટોક્સિસીટી પર ઉતરી આવ્યા હતા.
પણ ધ્રુવ ના પપ્પા એકદમ શાંતિથી અમારી દરેક વાતને સાંભળતા અને સમજતા હતા.
એકદમ કો-ઓપરેટીવ..
11:00 વાગે રાતે હું મારી કેઝ્યુલ્ટી ઓપીડી જોઈને વૉર્ડમાં પાછો આવ્યો,
"પેલો કન્વલ્સ થયો યાર,
અઘરો દિવસ જઈ રહ્યો છે આજે..."
મારા કલીગે આવતાંવેંત જ કીધું..
"કોણ, ધ્રુવ ફરીથી કન્વલ્સ થયો? "
મેં અધીરાઈથી પૂછ્યું..
"ના લ્યા, પેલો આલોક...!"
મારા કલીગે મને કહ્યું.
"કેમ આજે ડાયેરિયા વાળા આટલા કન્વલ્સ મારે છે..?"
હું શોકમાં હતો..
"ખબર નઈ લા, કંઈક મોટો લોચો લાગે છે..."
મારા કલીગે કીધું...
"આપણા ધ્રુવની જેમ તાવ સાથે જ આવ્યા કન્વલ્સન??"
મેં પૂછ્યું ...
"હા આમ તો એવું જ.
પણ યાર એવો કંઈ હાઈ ગ્રેડ ફિવર નોય..
અને આનું પણ બધું જ વર્ક અપ, બધા જ રિપોર્ટ નોર્મલ જ આવે છે...!"
મારા કલીગે કીધું...!
"અને ધ્રુવને કેવું છે..?"
મે પૂછ્યું..
"ધ્રુવ આમતો સારો છે પણ બહુ જ ઢીલો પડ્યો છે....!
ભાઈ જોતો રહેજે બંનેને..! "
મારા કલીગે મને કિધું..
"અમારા યુનિટ નો ઇતિહાસ છે, અમારી ઇમર્જન્સી પહેલાની નાઈટ કદી સારી નથી હોતી,
કોઈક લોચો તો થાય જ...!!"
આગલા દિવસની સન્ડેની ઇમર્જન્સીનો થાક,
સોમવારની આવી અગરી નાઈટ અને બીજા દિવસે તો ઇમર્જન્સી સ્વાગત માટે ઊભી જ હતી.."
આવા હતાશ વિચારો સાથે હું ધ્રુવ પાસે ગયો,
"તે મને જોઈ રહ્યો હતો એકીટશે..
તેનો લુક મને થોડો એબનૉર્મલ લાગ્યો.
વહાલથી તેને મારા ખોળામાં લઈને તેના કાનમાં ધીમેથી કહ્યું,
"બેટા કેમ આમ પડ્યો છે...?
શું થયુ તને...?"
કોઇ જ રિસપોન્સ સામેથી નતો..
"બહેનજી યે બોલતા હૈ કુછ આપસે કે નહીં..?"
મે એની મમ્મીને પૂછ્યું ..
"હા સર વેસે તો ખેલતા રહેતા હૈ, આજ કુછ સુસ્ત લગ રહા હૈ...!"એની મમ્મીએ કિધું.
ધ્રુવને એની મમ્મીના ખોળામાં આપીને હું આલોકને જોવા ગયો..
"આલોક શાંતિથી સૂતો હતો..
મોનીટરમાં માં 99 ઑક્સિજનનુ સેચ્યુરેશન અને હાર્ટ રેટ 140 હતા...!"
એકદમ સ્ટેબલ.
રાતે 1:00 વાગે સીટી ઓલનું કામ પતાવીને હું અમારા ડૉક્ટર રૂમમાં ગયો..!
15 મિનિટની અંદર મારી એક કલીગ મને બોલાવા આવી,
"જલ્દી આવ, આલોક ફરીથી કન્વલ્સ થાય છે...!! "
હું દોડીને બહાર ગયો..
કન્વલ્સનની સાથે ખતરનાક ટ્વિસ્ટ મળ્યું..
આલોકના બંને હાથની વિગો આઉટ થઈ ચૂકી હતી..
એકદમ ચબી એવું જાડીયુ બચ્ચુ આલોક,
નવી વિગો નાખવી જાય તેની નિયર ટુ ઈમ્પોસિબલ હતી..
ફટાફટ બચ્ચાને વિગો રૂમમાં લઈ ગયા.
ઓક્સિજન સ્ટાર્ટ કરવામાં આવ્યો.
મિડાઝ સ્પ્રે આપવાના લીધે કન્વલ્સનતો ઓછા થઈ ગયા હતા, પણ ઈન્ટરા કેથ નાખવી જરૂરી હતી.
તે નાખવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા.
પણ નિષ્ફળતા જ હાથ લાગી.
જોતજોતામાં રાતના સવા બે થયા.
આટલા કલાકોના પ્રયાસો પછી હું અને મારી કલીગ પરસેવે રેબઝેબ એ સોય નાખવાના નાનકડા રૂમમાં ઉભા હતા.
અચાનક બાજુના વોર્ડમાંથી મારી બીજી એક કલીગ અને સામેના પીડીયાના વોર્ડમાંથી મારો બીજો એક કલીગ આવ્યા..
હવે ચાર લોકો સોય નાખવાના કાર્યમાં જોડાયા હતા.
"હે ભગવાન આની ઈન્ટ્રા કેથ આવી જાય.."
બસ એક જ રટણ બધાના મનમાં હતું.
મહાપ્રયાસે એક ઈન્ટ્રા કેથ હાથમાં અને બીજી પગમાં નાખવામાં સફળતા મળી.
ખેંચના ઈન્જેક્શન શરૂ કરવામાં આવ્યા.
ઈન્ટ્રા કેથ નાખવાની ખુશી હજી માંડ થઈ હતી ત્યાં અમને ધ્રાસકો આપતા આલોક પાછો ખેંચાવાનો શરૂ થયો.
ખેંચના તમામ ભારે ઈન્જેક્શન જેમ કે ઈપ્ટોઈન, વાલપેરીન , લેવીપ્રીલ લોડ કરવા છતાં પણ ખેંચ બંધ જ ના થઈ.
જોત જોતામાં સવારના ૪ વાગી ગયા.
આલોકનુ કેલ્શિયમ નોર્મલ હતુ પણ ખેંચની દવાની ઈફેક્ટ વધારવા માટે કેલ્શિયમ વધારે જરૂરી હતુ,
કેલ્શિયમ ને લોડ કરવામાં આવ્યું,
અંતે તે કામે લાગ્યું,
મહાપ્રયાસે ખેંચ ઓછી થઈ..
આલોક ૧૦ વર્ષના લગ્ન બાદ આવેલું પહેલુ બાળક હતું.
અનેક માનતાઓ પછી અવતરેલો આ જીવ હતો.
પિડીયાટ્રીક આઈ.સી.યુ.ની બહાર દિવાલ પર માતાજીનો ફોટો ટીંગાડેલો હતો.
આલોકની ટ્રીટમેન્ટ અંદર આઈ.સી.યુ.માં ચાલતી હતી અને તેની મમ્મી બહાર એક ધ્યાને પ્રાથના કરી રહી હતી.
આલોકની બાજુમાં તેની દાદી બેઠી હતી,
એમણે મને પૂછયું,
"દસ્ત કી તકલીફ મે બચ્ચાં ઈતના કેસે બિગડ ગયા? "
મેં તેમને કહ્યું,
"માજી, ઈન્ફેક્શન પૂરા દિમાગમેં ફેલ ગયા હે,
ઈસલિયે યે ખિંચ બચ્ચે કો આ રહી હે, અગર ઈસસે ભી ખિંચ ના રૂકીતો સાંસ દેને વાલે બડે મશીન પર બચ્ચેકો રખના પડેગા ઔર એક બાર બચ્ચા મશીન પર ગયા તો વાપસ બચા પાના કાફી મુશ્કિલ હોગા...! "
માજી નિસાસા સાથે બોલ્યો,
"જીતની હો સકે ઉતને કોશિશ કરો,
ઈસકો અગર કુછ હો ગયા તો,
બહાર બેઠી ઉસકી મા મર જાયેગી સાહેબ..!"
માજીના શબ્દો દિલ માં વાગ્યા હતા,
એક સાથે બે જીંદગી બચાવવાની વાત હતી..
હજી આ સંઘર્ષ પૂર્ણ થવાની તૈયારી પર હતો ત્યાં ધ્રુવ સવારે ૫ વાગે ખેંચાવાનો શરૂ થયો.
આલોકની માફક ધ્રુવને પણ તમામ ખેંચની દવાઓ અને બ્રહ્માસ્ત્ર કેલ્શિયમ નસોમાં ગયુ ત્યારે માંડ તેની ખેંચ અટકી.
સવારના ૮ ક્યારે વાગ્યા કંઈ સમજ જ ના પડી..
થાકના લીધે શરીરમાં તાકાત બિલકુલ જાણે બચી જ ન હતી અને નવી ઈમરજન્સીનો મંગળવાર અમારી સામે ઉભો હતો.
બંને બચ્ચા ના કમરના ભાગમાંથી પાણીની તપાસ મોકલવામાં આવી પણ એ નોર્મલ આવી કરવામાં,
હવે કારણ પકડવા માટે અમારી પાસે એમ.આર.આઈ( M.R.I.) છેલ્લો વિકલ્પ હતો.
રિપોર્ટ કરાવવામાં આવ્યો,
બંનેના રિપોર્ટમાં એક જ નિદાન હતુ અને તે ઘણુ શોકિંગ હતું.
ADAM sydrome નિદાન થયું.
(એક્યુટ ડિસેમિનેટેડ ઈનકેફોમાયલાયટિસ સિન્ડ્રોમ)
ઇમ્યુનિટી ,એટલે રોગ પ્રતિકારક શક્તિ.
જે બીમારીઓ સામે પ્રોટેક્ટ કરવા માટે ઈશ્વરે આપણને આપેલી છે,
પણ કોઈ અગમ્ય કારણોથી જ્યારે આ ઇમ્યુનિટી પોતાના શરીર પર હુમલો કરી દે તો તેને ઓટો ઇમ્યુન ડિસીઝ નું સર્જન થયું કહેવાય.
આ બંને બચ્ચામાં ડાયેરિયા માટે જવાબદાર બેક્ટેરીયા કે વાઈરસના લીધે જે એન્ટિબોડીઝ ક્રિએટ થયા હતા તે ઓટોઈમ્યુનિટી માટે જવાબદાર હતા,
અને જેના પરિણામે મગજ પર આ બંને બચ્ચાઓને અસર પહોંચી અને આટલી ગંભીર ખેંચ આવી.
"બીમારીનું પ્રોગ્નોસીસ વધારે સારું નથી," અમારા ન્યુરોપિડિયાટ્રિશ્યન સરે જણાવ્યું..
પણ અમે કોઈ હાર માનવા તૈયાર ન હતા.
મિથાઈલપ્રેડનીસોલોનના (સ્ટિરોઇડ) પાવરફુલ ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા,
હાયર એન્ટિબાયોટિક પણ શરૂ થઈ કદાચ આ બધી વસ્તુ જોડે એક જ વસ્તુ હતી જે આ બંનેને બચાવવા માટે કામની હતી, તે હતો તેમના મા-બાપનો સપોર્ટ.
હમેશા હસતા મોઢે તેઓ મળતા,
અમારા પણ સો ટકા પર ભરોસો રાખતા,
રાતે લેટ સુધી ધ્રુવના પપ્પા અમને ધ્રુવના જુના વિડીયો બતાવતા..
આવો હસતો રમતો ધ્રુવ ફરી એમને મળશે કે કેમ એનો જવાબ અમારી પાસે નહોતો..
ધ્રુવની મમ્મીના રોજ તેના કાન જોડે ફોન રાખી,
સોંગ વગાડતી..
ધ્રુવનો રેકોર્ડ કરેલો અવાજ તેને સંભળાવતી.
ધ્રુવ એકીટશે જોઈ રહેતો..
સ્માઈલ પણ ના આપે,
આંખોની કોઈ મુમેન્ટ નહીં,
બસ એકદમ સ્થિર....!
૨૧ દિવસની મહેનત રંગ લાવી હતી..
ધ્રુવની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ હતી અને આલોકની સ્માઈલ પાછી આવી હતી.
ધ્રુવ ઈમ્પ્રુવ થયો હતો પણ પહેલાં જેવો નહીં..
ફેમિલીનો સપોર્ટ અને પેરેન્ટસનો પોઝિટિવ એટિટયુડ, ઘરના વાતાવરણમાં પોતાના ઓળખતા લોકોનો પ્રેમ અને દુઆ બધું જ દવા ઉપર કેટલું હાવી છે એનો પુરાવો અમને એક મહિના પછી મળ્યો..
ધ્રુવ પાછો આવ્યો,
પોતાના પગેથી દોડીને આવ્યો,
એજ તેની પહેલાની સ્માઈલ અને કલરવ સાથે..
લાઈફની બહુ જ યાદગાર ક્ષણોમાંની એક તે ક્ષણ હતી.
અમારી દવાના લીધે એની બીમારીમાં ચોક્કસ ફેર પડ્યો હતો પણ જે દુઃખદાયી ઘા તેની કોમળ આત્મા ઉપર પડ્યા હતા તે એના પેરેન્ટ્સના લાગણીસભર ઉષ્માના લીધે રૂજાઈ ગયા
મારા એક સિનિયર કન્સલ્ટન્ટની એક વાત મને બહુ જ સાચી લાગે છે,
તેઓ કહે છે કે,
"બિમારી એક સાથે ૩ દરવાજા કોતરે છે,
બોડી, માઈન્ડ અને સોલ..!
દવાઓ ખાલી શરીર સારુ કરી શકાશે પણ જ્યાં સુધી બાળકનુ કોમળ મન અને સોલ(આત્મા) એ બિમારીથી મુક્ત નહિ થાય ત્યાં સુધી એક બાળક સાજુ નઈ થાય...! "
આલોકની એ સ્માઈલ મને હંમેશા યાદ રહેશે,
એ ધ્રુવનોઅલૌકિક તારો મારા દિલમાં હંમેશા ચચમકતો રહેશે...!! "
ડૉ. હેરત ઉદાવત.




