એક અદ્ભુત વ્યક્તિત્વ જેમનું નામ મહેન્દ્રપ્રસાદ ચંદુલાલ શુક્લ. સંબંધ થી તેવો મારા દાદા સસરા (મારા સસરાના પૂજ્ય પિતા) થાય. મારો તેમની સાથેનો પરિચય દોઢ વર્ષનો જ છે તેમ છત્તા પણ લાગણીઓના એક દોરાથી હું તેમની સાથે જાણે કેટલાય વર્ષોથી જોડાયેલો હોઉ તેવો અનુભવ મને થયો છે.
૯૨ વર્ષની પાકટ ઉંમરે એક યુવાન વ્યકતિ ને હંફાવે તેવો તેમનો જુસ્સો હતો. જેટલા શાસ્ત્ર ને સમજવામાં પારંગત તેટલા જ એમના વિચારોમાં આ મોડર્ન જમાનાની જલક જોવા મળતી.
જેટલી વાર તેમની સાથે મુલાકાત થઈ છે, તેમના મોઢેથી શ્રીમદ્ ભાગવત ગીતાના અમુક અધ્યાયો સાંભળવાનો અને સમજવાનો લ્હાવો ચોક્કસથી મે લીધો છે.
"હે પાર્થ, તું શા માટે દુઃખ કરે છે?
આ બધા જે તારી સામે ઊભા છે, તે મૃત્યું પામેલા જ છે.
તું એમને મરણ નથી આપી શકતો. જીવન અને મૃત્યું તેમના શરીર માં રહેલા આત્મા થી પરે છે. તારો વાર શરીર પર થશે, આત્મા પર નહી. આત્મા હંમેશા અમર હતો અને રેહશે. જેમ વસ્ત્ર બદલાય છે તેમ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે."
દાદાના પાર્થિવ દેહને જોતા તેમને કહેલા આ શબ્દો વારે વારે મારા કાનમાં ગુંજી રહ્યા હતા.
વીરપુર નું ગૌરવ, બેદાગ સરપંચ નો તેમનો કાર્યકાળ,
ગામમાં પહેલો ટેલીફોન લાવવાની વાત હોય કે શાળામાં બોર્ડનું સેન્ટર શરૂ કરવાનું હોય, તેનો તમામ શ્રેય પૂજ્ય મોટાના શિરે જ છે. તેમની આ ઉપલબ્ધિઓ આ એક લેખમાં સમાવી શકાય તેમ જ નથી.
એમ તો તેઓ મારા દાદા સસરા હતા પણ જ્યારે તેમની સાથે મુલાકાત થતી ત્યારે એક મિત્ર જેવો ભાવ તેઓ મારી સાથે રાખતા હતા.
તેમની આભા એટલી હદે ભવ્ય હતી કે તમને એમની પાસેથી ઊભા થવાનું જ મન ના થાય.
મને હજી યાદ છે એક દિવસ વાત વાતમાં મે તેમને અમસ્તું જ પુછ્યું હતું કે,
"દાદા, બા ની યાદ આવતી હશે ને?"
પેહલા ૧ મિનિટ તો તેવો કઈ ના બોલ્યા,
પછી ધીમે થી કહ્યું,
"આવે ને હેરત કુમાર, ઘણી યાદ આવે. આખી જિંદગી તમારા બા એ મારી ઘણી સેવા કરેલી."
ગુજરી ગયેલા બા નો ખાલીપો ઘણીવાર પૂજય મોટાના શબ્દોમાં છલકાઈ આવતો.
બા ની તસ્વીર જોઇને મીઠા અવાજ માં તેઓ ગાતા,
"ઓ નીલ ગગનના પંખેરુ,
તું કાં નવ પાછો આવે
ઓ મને તારી યાદ સતાવે."
૯૨ વર્ષે દાદા ને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા અને જ્યારે તેમના રિપોર્ટ જોયા તો મારા આશ્ચર્યનો પાર ન હતો.
ફેફસાંમાં ઇન્ફેક્શન વ્યાપક માત્રામાં હતું પણ કોલેસ્ટેરોલ, અને લિપિડ ના રીપોર્ટસ એક યુવાન ફીટ માણસ જેવા.
તેની પાછળ નું કારણ હતું તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી.
એક સરીખો ૩ ભાખરી અને દૂધનો ખોરાક.
મારી લખેલી દરેક વાર્તા અને કવિતાઓ તેઓ વાંચતા અને અચૂક પ્રતિક્રિયા તેમની આપતા.
ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ માં એક્ટિવ રેહતા ૯૨ વર્ષના દાદા બધાને કુતુહલ પમાડતા.
દર્દી સાથેનો મારો અનુભવ છે કે શરીરમાં ઓક્સિજન નું પ્રમાણ ૭૦ ટકાથી ઘટે પછી દર્દીની પીડા તમે જોઈ જ ના શકો એટલી હદે ખરાબ હોય છે. દાદા નું ઓક્સિજન નું પ્રમાણ ૩૦ ટકાથી નીચે ગયું તો પણ તેમની સમજણશક્તિ એક દમ નોર્મલ હતી.
આટલી વિષમ પરિસ્થિતીમાં પણ તેઓ તેમને મળવા આવેલા ને સમજાવતા કે,
"તમે બધા ચિંતા ના કરો, મને કશું નથી થવાનું."
હું મારી જાતને ભાગયશાળી માનું છું કે, આવા પુણ્ય જીવની સેવા કરવાનો મને અવસર મળ્યો, નક્કી મારે પાછલા જન્મનું કોઈ ઋણાનુબંધ તેમની સાથે હશે.
જેટલું તેજ પૂજ્ય મોટા જીવતા હતા ત્યારે તેમના ચેહરા પર દેખાતું હતું, તેટલું જ મૃત્યું બાદ પણ અકબંધ રહ્યું.
પૂજ્ય મોટાએ દેહ છોડ્યો પણ તેમના આશીર્વાદ, તેમની સાથે જોડાયેલી યાદોનો અમૂલ્ય વારસો અમને સાચવવા આપીને ગયા.
પૂજ્ય મોટા નો પવિત્ર આત્મા ઈશ્વર ચરણમાં સ્થાન પામે અને આ ભવના ચક્રમાંથી મુક્તિની દિશામાં પ્રયાણ કરે એવી જ મારી ઈશ્વરને પ્રાર્થના.
ડૉ. હેરત ઉદાવત