Popular Posts

Saturday, 31 August 2019

"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૩:"ઉલટફેર..! "


"અદ્રશ્ય મુસાફર.. "
પ્રકરણ ૩:"ઉલટફેર..! "


નાથિયાના ફોન આવતાંના એક કલાક પહેલા, 
ડોક્ટર અંબાલીયાની ઓફિસમાં જીમી ,હેમાંગી 
ડૉ. અંબાલીયા ની સામે બેઠા છે, 
એની બાજુમાં ઇન્સ્પેક્ટર દીવાન હાથમાં પિસ્તોલ લઇને બેઠા છે ..
તેઓ પિસ્તોલને હેમાંગી અને જીમીની સામે વારાફરતી તાકી રહ્યા છે.


જીમીના શરીરના દરેક છિદ્રમાંથી પરસેવો છૂટી રહ્યો છે. 
"સર મે કંઈ નથી કર્યું, 
આ બધો પ્લાન હેમાંગીનો હતો....!"
જોરદાર ચીસ સાથે જીમી બોલ્યો..
હેમાંગીએ પહેલા જીમી સામે જોયું અને તરત પછી દીવાનની સામે...!

"સર મે જે કર્યું એ મારા હસબન્ડ ના સારા માટે કરેલું...!!"
હેમાંગીએ જીમીથી પણ મોટી ચીસ પાડીને કહ્યું. 

"બંને પહેલાં ચીસો પાડવાનુ બંધ કરો અને બધું સાચું કહો પહેલેથી કે શું થયું હતું...?"
ઈન્સપેકટર દીવાને કહ્યું. 

હેમાંગીએ વાત ચાલુ કરી, 
"હું અને મારા હસબન્ડ બહુ જ ખુશ હતા અમારી મેરેજ લાઈફથી. 
વી આર જસ્ટ પરફેક્ટ ફોર ઈચ અધર..
બસ એક જ વાત એમની મને હંમેશા ખટકતી હતી જે હતી.,એમની સ્મોકિંગની ખરાબ આદત. 
બહુ સમજાવ્યા છતાં પણ એ સમજ્યા જ નહિં..

કોઇપણ રીતે મારે તેમને આ વ્યસનથી મુક્તિ અપાવી હતી ,
અને એટલે મે મારા ફ્રેન્ડ સાથે આ વાત શેર કરી.
જીમીએ એક પ્લાન બનાવ્યો .
પ્લાનના અંતર્ગત અમે એક વીડિયો શૂટ કર્યો જેમાં અમે એવું એક્ટ કરેલું કે હું અને જીમી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને મારા હસબન્ડ રવીશથી છૂપાઈને મેં જીમી સાથે અફેર કર્યું છે..! "

"અફેરતો છૂપાઈને જ થાયને હેમાંગી બેટા....!!
"ડોક્ટર અંબાલીયાએ હેમાંગીની વાત કાપતાં ટીખળ કરી..

ઈન્સપેકટર દીવાનની ગુસ્સા ભરેલી નજર તેમની તરફ પડી..

"સોરી સર, કેરી ઓન ...!!"
અંબાલીયા એ વાતને વાળતા કહ્યું..

હેમાંગીએ વાત ચાલુ રાખી, 
"એ વિડીયો મેં એક અજાણ્યા નંબરથી મારા હસબન્ડ રવીશને મોકલ્યો..


એનિવર્સરી ના દિવસે એમને બધું હું સાચું કહી દેવાની હતી. 
વિડિઓ બનાવવાનો આશય ફક્ત એક જ હતો કે,
રવીશના મનમાં એક ડર પેદા થાય કે, જો તેઓ સિગરેટ નહિ મૂકે તો સાચે માં હું એમને છોડી દઈશ..
એના માટે આ બધો પ્લાન અમે બનાવેલો,
પણ પ્લાન આખો પૂર્ણ થાય એ પહેલા જ રવીશ મને મૂકીને ક્યાંક ગાયબ થઇ ગયા...!!"
આંસુઓની ધારે હેમાંગીએ પોતાનુ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપ્યું. 

"અને પેલી ડેડબોડી કોની હતી...?"
દીવાને પૂછ્યું...

"ડૉ.રવીશના જેવી જ લાગતી એક લાશ અમે રવીશની કારમાં મૂકી અને કાર સળગાવી દીધી, જેથી કોઇને ખ્યાલ જ ન આવે એ કારમાં કોણ હતું...!!"
જીમીએ ડરતા ડરતા કહ્યું. 

"બેટા જીમી પોલીસને ગુમરાહ કરવા માટેની સજા તો તને ચોક્કસ મળશે ,
બસ એકવાર ડોક્ટર રવીશને મળી જવા દે ....!!"
ઈન્સપેકટર દીવાને ગુસ્સાથી કહ્યું. 

અને એટલામાં જ નાથિયાનો નો કોલ આવ્યો, 
"સાહેબ, તમ જલ્દી આવો ,
ઓય જબરો મોટો ડખો થ્યો છ. 
પેલો ડૉ. રવીશ બધોનો મોટો બાવો બનીન બેઠો છ, પોતાન ઓય કોટાના મંદિરોનો મહાપંડિત ગણ છ..
મારૂ મોથુ ભમી જ્યુ છ સાહેબ, 
તમ રાજસ્થાન જલ્દી આવો...!! "
નાથિયાએ ચિંતાતુર ભાવે કહ્યું..



"તું એને પકડી રાખી અને ત્યાં પહોંચીએ છીએ..!"
દીવાને ફક્ત આટલો જ આદેશ આપ્યો. 
ઈન્સપેકટર દીવાન પણ નાથિયાની વાત સાંભળી મૂંઝવણમાં મૂકાયા.. 

"ડૉ.રવીશ મારો પણ સારો ફ્રેન્ડ છે, 
પ્લીઝ મને જોડે આવવા દો.."
ડૉ.અંબાલીયાએ વિનંતી કરી..

"ઠીક છે, તમે આવી શકો છો. "
દીવાને વધારે ચર્ચામાં ના પડીને કહ્યું. 

વાર્તામાં ભયજનક વળાંક આવ્યો હહતો, મામ ટુકડી કોટા જવા માટે નીકળી...!! 

થોડાક કલાકો બાદ, 
કોટા, રાજસ્થાન, 
સાંજનો ૭ વાગ્યાનો સમય,
કોટામાં ટુકડીનું આગમન થયું.
"નાથિયા ક્યાં છે તું..??"
ઇન્સ્પેક્ટર દીવાને પૂછ્યું..

"સાહેબ અહીં હોસ્પિટલમાં છું ..
આ ડૉક્ટર રવીશ બાબાજીન દાખલ કર્યા છ મગજનો બધો ડોક્ટર ઓય આયા છ. 
ભારે ભારે બીમારીઓનો નોમ લી છ..
તમ બધા જલ્દી આવો હોસ્પિટલમો..!"
નાથિયો અકળાઈ ગયો હતો. 

હોસ્પિટલ    પહોચતાની સાથે જ હેમાંગી ખુશ થઈ ગઈ, 
"રવીશ, આઈ એમ સોરી..
તમે ક્યાં ચાલ્યા ગયા હતા ?
અને કેમ આવો વેશ ધારણ કર્યો છે? 
મારે કોઈ અફેર નથી કોઈની સાથે..
આ ફક્ત એક મજાક હતી..
રવીશ હું તમને બધું સમજાવું પછી, 
પહેલા તમે ઘરે....!! "
હેમાંગીનુ વાક્ય પૂરું થાય એ પહેલાં રવીશે કૂદકો માર્યો અને હેમાંગીથી દૂર થઈ ગયો..

"બાલિકે મૂજસે દૂર રહે, 
હમ પંડિતો કો ઈસ તરહ છૂના અપરાધ હે, 
બ્રહ્મચર્ય ભ્રષ્ટ મત કર મેરા..
મે કોઈ રવીશ નહીં હું, 
મે હું મહાપંડિત.....!!"
ડૉ. રવીશના વેશમાં જાણે કોઈક સાધુની આત્મા ઘુસી ગઈ હોય તેવું હેમાંગીને લાગ્યું..




" આ પાગલ તો નથી થઈ ગયો ને...?"
હેમાંગી બોલી. 
દીવાન અને નાથિયો દિગ્મૂઢ બનીને જોઈ રહ્યા હતા. 

સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર્સની ટીમ એક ટીમ બધાને એક અલાયદા રૂમમાં લઈ ગઈ. 
ડૉ.અંબાલીયાએ એમના જોડે ડૉ.રવીશની મેન્ટલ કન્ડિશન સમજી અને પછી તેમણે સૌને સમજાવાનું સ્ટાર્ટ કર્યું, 

"એક્ચ્યુલી સમજાવો થોડું અઘરું છે ,
પણ ડૉક્ટર રવીશને " ડિસોસિએટીવ ફ્યુગુ" (Dissociative fugue) 
નામની એક વિચિત્ર બીમારી થઈ છે..

ઘણા માણસોના મન બહુ જ કોમળ હોય છે, લાગણીશીલ હોય છે ..
જેમકે ડૉ. રવીશ. 
મોટો ઇમોશનલ ટ્રોમા એમનાથી સહન ના થઈ શકે. 

અને જ્યારે ડૉ. રવીશે તેમની વાઈફના અફેરનો વિડીયો જોયો તો એમના મન પર એક ઉંડો ઘા પડ્યો,  જેની સીધી અસર એમની મેમરી પર થઈ. 
ડૉ.રવીશ આ આઘાત સામે લડી ન શક્યા એટલે એમણે એ પર્સનાલિટી જ બદલી દીધી ..

અને એક નવી જ પર્સનાલિટી, નવો જ રૂપ લઈને જૂની જીંદગીથી દૂર નવી જ કોઈક જગ્યાએ પહોંચી ગયા..
મહાપંડિત એમનું 'ફ્યુગુ' વર્ઝન છે. 
અને તેઓ ભૂલી ચૂક્યા છે ડૉ.રવીશને."


ડૉ.અંબાલીયાએ બધાના હોશ ઉડાડી દીધા. 
ડૉ.રવીશનું આ ટ્રાન્સફોર્મેશન બધાના માટે શોકિંગ હતુ. 

"તો મને મારા રવીશ ક્યારેય પાછા નહીં મળે??"
ચિંતાતુર વદને હેમાંગીએ પૂછયું.. 

"ના,  ના, બિલકુલ મળશે ને ..
અમુક મેડિસિન્સ  અને પ્રોપર સાયકોથેરાપી તેમને ચોક્કસથી સારા કરી શકશે. "
ડૉ.અંબાલીયાએ વિશ્વાસ અપાવ્યો. 



બીજા દિવસ સવારે ,

હોસ્પિટલમાં દોડાદોડ ચાલુ થઈ ગઈ. 
ડોક્ટર રવીશ ઉર્ફે 'મહાપંડિત' ક્યાંક ભાગી ગયા હતા. 

બહુ પ્રયાસો કર્યા પણ ક્યાંય તેમનો પત્તો ન મળ્યો થાકી-હારીને ટીમ દીવાન અમદાવાદ પાછી ફરી..

દીવાને ડૉ.રવીશને શોધવાનો પ્રયાસ ક્યાંય સુધી ચાલુ જ રાખ્યો ...!

વાતવાતમાં ઘણો સમય વીતી ગયો...!!

છ વર્ષ પછી, 
૨૦ ડિસેમ્બર ૨૦૧૮,
સરખેજ પોલીસ સ્ટેશન. 

"સાહેબ પેલા રવીશ બાવાની ફાઈલ જોવો છન.? "
નાથિયો બોલ્યો. 

ઇન્સ્પેક્ટર દિવાન હસતા હસતા બોલ્યા, 
"ગજબ નો કેસ હતો કેમ નાથિયા? 
પણ સાલું રોજ દિલમાં એક વાત ખટકે છે આટલા બધા કેસ સોલ્વ કર્યા પણ મારી લાઇફનો આ એક કેસતો અધૂરો જ રહી ગયો..
ડૉ. રવીશ મને મળ્યો જ નહીં..
ખબર નહિ કઈ આઇડેન્ટિટી માં કઈ જગ્યાએ અત્યારે બેઠો હશે. "
દીવાન વિચારમાં પડ્યો. 

તેજ દિવસે, 
હેમાંગી પોતાના ઘરે રવીશને યાદ કરી રહી હતી. 
તેને હજી પણ વિશ્વાસ હતો કે રવીશ ક્યારેક તો પાછો આવશે જ... 
અચાનક ઘરની ડોરબેલ વાગી, 
હેમાંગીએ દરવાજો ખોલ્યો, 
આશ્ચર્ય, આનંદ, ખુશી અને આંસુઓનુ એક ચોરસ બન્યું.. 
સામે જૂની ધોતી અને ફાટેલો જભ્ભો પહેરીને રવીશ ઉભો હતો. 
૬ વર્ષ બાદ થયેલુ અદ્ભૂત મિલન. 
"રવીશ શું હાલ થઈ ગયો છે તમારો? 
કેમ આટલા દૂર થઈ ગયા હતા તમે મારાથી?
જલ્દી અંદર આવો,..! "
હેમાંગી રવીશને અંદર લઈ જાય છે,


રવીશના આવવાના સમાચાર મળતાં જ ઈન્સપેકટર દીવાન અને ડૉ.અંબાલીયા રવીશના ઘરે પહોંચ્યા. 
રવીશની પ્રેમથી તપાસ શરૂ કરવામાં આવી, 
"હેલ્લો ડૉ.રવીશ, 
હું ઈન્સપેકટર દીવાન. 
તમારી ગૂમ થયાની ફરિયાદ તમારી વાઈફે કરેલી. 
છેલ્લા છ વર્ષથી તમે ગાયબ છો..!
ક્યાં હતા તમે? "

"સર, કશું જ યાદ નથી. 
મને ફક્ત એટલુ જ યાદ છે કે, મને જ્યારે હેમાંગીના અફેર વિષે ખબર પડી, તો મને સદમો લાગેલો. 
એ આઘાત મારાથી સહન જ ના થયો, 
છેલ્લે હું મારી એનિવર્સરીના એક દિવસ પહેલાં મારા ક્લિનિક પર ગયેલો અને એના પછી મને કઈ જ યાદ નથી. 
એના પછી સીધો આજે સવારે ઉઠ્યો હોય એવું લાગ્યું.. 
બિહારની કોઈક ફેક્ટરીમાં હું પડ્યો હતો.. 
માંડ માંડ ત્યાંથી અહીં આવ્યો છું..! "
રવીશ આઈ ગયો પણ કેસ ગૂંચવાયો હતો. 

ડૉ.અંબાલીયા અને હેમાંગીએ રવીશને શાંતિથી પેલા અફેરના વિડિઓનો રાઝ, કોટામાં મહાપંડિતના રૂપે થયેલી ટ્રેજેડી અને રવીશને થયેલી વિચિત્ર બિમારી ડિસોસિએટીવ ફ્યુગુ વિષે જાણકારી આપી.. 

રવીશ બગવાઈ ગયો હતો કે સાલુ આટલુ બધુ કેમનું તેની સાથે થયુ..! 

સાયકોથેરાપીના સેશન્સ માટે રવીશને મનાવી લેવામાં આવ્યો
હેમાંગીના અફેરનો ડાઉટ રવીશના મનમાંથી દૂર થઈ ગયો હતો, 
સાયકોથેરાપીના સેશન્સ પછી રવીશનુ ફ્યુગુ કદાચ અદ્રશ્ય થવાની કગાર પર હતું.. 
બધા ખુશ હતા, 
ઈન્સપેકટર દીવાનને બાદ કરતાં, 
તેઓ એક જ વિચારમાં હતા કે, ૬ વર્ષ સુધી રવીશ બિહારમાં જે પણ પર્સનાલિટી સાથે રહ્યો, 
જે પણ સંબંધો એણે બનાવ્યા હશે એ ક્યારેક તો એનો પીછો કરતા અમદાવાદમાં આવશે તો ખરાજ...!! 

૨ દિવસ પછી, 
૨૨ ડિસેમ્બર ૨૦૧૮,
પોલીસ સ્ટેશન, 
ધરણઈ ગામ,
બિહાર.. 
સાહબ હમારા ઘરવાલા કહી લાપતા હો ગયા હે, 
દૂઈ દિન પહેલે હમાર ગાવ કી પાસ કી ફેક્ટરી મેં ગયા, 
ઉસકે બાદ વાપસ હી નહીં આયા... 
કુછ કિજિયે સર....! "
સીતાદેવી એ પોલીસ ને ફરિયાદ નોંધાવતા કહ્યું.. 

"કોનો ફોટો હૈ તોહાર ઘરવાલેકા? 
તો હમકો બતલાઓ.. "
હેડ કોન્સ્ટેબલ રાજા દૂબેએ સવાલ પૂછયો. 

"હા, તસવીર હે ઉનકી, 
ઈ દેખાયે.. 
હમરા બચુઆ કિ ખાતીર ઉનકો ઢૂંઢ દીજીયે. "
પોતાના ખોળામાં રાખેલા બચ્ચાને બતાવીને સીતાદેવીએ કહ્યું.. 

દૂબેએ ફોટો જોયો.. 
માસૂમ ચહેરો અને અગ્નિ છલકાવતી એ તગતગતી આંખો, 
એ તસવીર ડૉ.રવીશની હતી.....!! 
રવીશની એ ફ્યુગુ પર્સનાલિટી અત્યારે તો તેનાથી ઘણી દૂર બિહારમાં હતી,
પણ તેના પગલાં તેની અને હેમાંગીની લાઈફમાં પગપેસારો કરવા કદાચ ઉપડી ચૂક્યા હતા...!!



સંપૂર્ણ...!!!

ડૉ.હેરત ઉદાવત. 

Thursday, 29 August 2019

"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૨:"શતરંજ..! "


"અદ્રશ્ય મુસાફર.. "
પ્રકરણ ૨:"શતરંજ..! "


"સર પેલા 'જે' નામ વાળા વિશે માહિતી મળી છે..!"
ઇસ્પેક્ટર દીવાનના પન્ટરનો બીજા દિવસે કોલ આવ્યો.

"બોલ ,શું ઇન્ફોર્મેશન છે..?"
દીવાને પૂછયું.

"જીમી નામ છે સર,
હેમાંગીનો કોલેજનો ફ્રેન્ડ છે.
હેમાંગી અને જીમીની સાથે તેના બીજા પાંચેક ફ્રેન્ડ્સનું ગ્રુપ છે .
વિકેન્ડ્સમાં જોડે બધા એન્જોય કરવા માટે અલગ અલગ જગ્યા ઉપર જતા હોય છે.
ઈવન હેમાંગી નો હસબન્ડ રવીશ પણ તેમનો સારો ફ્રેન્ડ છે. "

"બંને વચ્ચે કોઈ આડા રિલેશન?"
દીવાને લીડિંગ સવાલ પૂછયો.

"સર, મારી પ્રાથમિક તપાસમાં તો એવું લાગતું નથી....!"
પન્ટર બોલ્યો.

"તો તારી પ્રાથમિક તપાસમાં વધારે ડિટેલિંગ કર .
 મને સાંજ સુધીમાં આન્સર જોઈએ..!
દીવાને ઓર્ડર કર્યો..

દિવાનના મગજમાં એક વસ્તુ બેસી ગઈ હતી કે,
કંઈક ક્રોસ કનેક્શન છે આ જીમીનુ હેમાંગી જોડે. ડોક્ટરના મિસિંગમાં પણ આ જ વસ્તુ ભાગ ભજવતી હોય એવું એને લાગ્યું.

આવા વિચારો સાથે તેઓ ડોક્ટર રવીશના ક્લિનિક પહોંચ્યા.
ડોક્ટરના મિસિંગની ખબર અમદાવાદમાં ફેલાઈ ચૂકી હતી એટલે પેશન્ટની જગ્યાએ ક્લિનિક પર કાગડા ઊડતા હતા.

"તપાસ માટે આવ્યા છો સર? "
ડૉક્ટર રવીશના કમ્પાઉન્ડર મોહકે સવાલ કર્યો..



"ના લા,
આતો ખાલી ઓટો મારવા નેકળેલા,
એક તો તારો સાહેબ ગાયબ થઈ ગયો છ ન તને મસ્તી હૂજ છ...!"
નાથ્યો ખિજાઈ ગયો.

"એવું નહીં સર, પણ.....!"
મોહક જસ્ટિફિકેશન આપવા ગયો..

"ક્યારે મળેલા તમે છેલ્લી વાર ડૉ. રવીશને?"

જસ્ટિફિકેશન પર પૂર્ણવિરામ મૂકતાં દીવાને કહ્યું .

"સર 18 તારીખે સવારે આવેલા અને પછી તરત નીકળી ગયેલા. "
ટૂંકમાં મોહકે જવાબ આપ્યો.

"કેમ નીકળી ગયા હતા? "
દીવાને પ્રશ્ન કર્યો..

"સર એ દિવસે બહુ સ્ટ્રેસમાં લાગતા હતા.
પરસેવાથી રેબઝેબ ,
આખી રાત કદાચ સૂઈ નતા શક્યા એટલે ઉજાગરાથી એમની આંખો પણ ડરાવની એવી લાલઘૂમ થઈ ગઈ હતી.
છેલ્લા ૧ અઠવાડિયાથી તેઓ અપસેટ જ રહેતા. દિવસમાં દસ સિગરેટ ફૂંકી મારતા,
પણ છેલ્લા દસ દિવસમાં એ ફૂંકવાનું પ્રમાણ ડબલ થઈ ગયું હતું...!"
મોહકે ઘણા ઘટસ્ફોટ કર્યા.



"ઓહ,આઈ સી.....!!"
દિવાને વિજયી મુદ્રામાં સ્માઇલ આપતા કહ્યું ,
"એમની કોઈની સાથે દુશ્મની...??"

"ના ,
સર બહુ જ સારા ફિઝિશિયન હતા.
ક્યારે કોઈ મગજમારી નહીં.
શાંત સ્વભાવના બસ ખાલી સિગરેટ એમનાથી કદી નતી છૂટતી."
મોહકે જવાબ આપ્યો.

"કોઈની સાથે ઝઘડો થયો હોય? "
ઇન્સ્પેક્ટર દીવાનના સવાલોની વર્ષા ચાલુ હતી.

"હા સર...!!
હમણાં એક બબાલ થઈ હતી.
રાજસ્થાનની કોઇક વ્યાપારી ફેમીલી અહીં ટ્રીટમેન્ટ કરાવવા આવેલી.
૪૫ વર્ષના એ ભાઈને મેજર વેસલ બ્લોક હતો.
ડૉ. રવીશે તેમને કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટ માટેની એડવાઇઝ કરી ,
અને તેમના કાર્ડિયોલોજીસ્ટ  ફ્રેન્ડને પણ મળવાનું કહ્યું.
ઓપરેશન થઇ ગયું ..
પણ ઓપરેશન ના બીજા દિવસે કોઈ અગમ્ય કારણસર તેમનું મૃત્યુ થયેલું.
એના દીકરાનો ગુસ્સો બધો ડોક્ટર રવીશ પર ઉતર્યો.
એણે મારવા સુધીની ધમકી પણ ડોક્ટર રવીશને આપેલી....!"
વાતમાં ટ્વીસ્ટ મૂકતા મોહકે કહ્યું.



ઇન્સ્પેક્ટર વિચારમાં પડ્યા...
અચાનક એક ફોન કોલ આવ્યો,,
"સર એક સળગી ગયેલી કાર અને તેની અંદર સંપૂર્ણ રીતે સળગી ગયેલી એક ડેડબોડી મળી છે..!
લાશની તો ઓળખ થઈ શકે તેમ નથી પણ સર,
કારનો નંબર ડૉ.રવીશની કાર સાથે મેચ થાય છે......!!! "



પોલીસ કેસ ને ઝડપથી પતાવવામાં લાગેલી હતી પણ ઇન્સ્પેક્ટર દીવાનનું મન માનતું ન હતું.
કોઈ ઘટના તેમના મગજમાં બેસતી નહોતી.
કાર રવીશની હોવાના લીધે તે લાશ તેની જ છે એવું હિમાંશી અને બાકી દુનિયાએ માની લીધું હતું.



બધી જ સહાનુભૂતિ પણ હેમાંગી માટે હતી. ઇન્સ્પેક્ટર કદમ અને નાથુ, હેમાંગી પર ચાંપતી નજર રાખીને બેઠા હતા .
જીમીનો કોઈ જ અતોપત્તો નહોતો.
કેટલાય સમયથી ઇન્સ્પેક્ટર કદમ હેમાંગીનો ફોન ટ્રેસ કરી રહ્યા હતા,
અને બીજી બાજુ ધમકી આપવાવાળી રાજસ્થાનની ફેમિલીની તપાસ પણ ચાલુ હતી.
એક દિવસ અચાનક નાથુનો દીવાન પર ફોન આવ્યો,

"સાહેબ પેલી છોડીનો કોલ રેકોર્ડ થ્યો છ,
હોભળવા જેવુ છ, તમ જલ્દી આવો..!! "

દીવાન દોડતો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
રેકોર્ડિંગ સાંભળવાનુ શરૂ થયું..

"why did you call me..?"
મેં ના પાડી હતી કે આજ પછી મને તારો કોઈ કોલ ના જોઈએ,
તારા લીધે મારે આ દુનિયાથી સંતાવું પડે છે,
કોઇ વાંકગુના વગર...!"
આ અવાજ હતો જીમીનો.

"પણ હું શું કરું..?
મારું મન અંદર અંદર ઘૂંટાય છે,
એ મારો હસબન્ડ હતો અને મે જે પણ વિચાર્યું હતું તે એના સારા માટે વિચારેલું..
પ્લીઝ હેલ્પ મી ,અને બહુ પસ્તાવો થાય છે.
રોજ રાતે રવીશ મારા સપનામાં આવે છે,
હું જીવી નહીં શકું ,
પ્લીઝ એકવાર મારે મળવું છે...!"
હેમાંગી એ જીમીને કરગરતા કિધું.

" એ શક્ય નથી ....!"
ટૂંકો અને સ્પષ્ટ જવાબ જીમીનો હતો.

"જો તું નહિ આવે તો હું સ્યુસાઇડ કરીશ અને મેમરી કાર્ડનો એ વિડિઓ સીધો પોલીસ સ્ટેશન જશે.
મને ભલે મોત મળે, પણ બચી તો તું પણ નહીં શકે.
ધમકી સમજવી હોય તો ધમકી અને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ...! "
હેમાંગી એ વધારે મજબૂત જવાબ આપ્યો.

હવે જીમી ઢીલો પડ્યો,
અને બોલ્યો,
" શું જોઈએ છે તારે...?"

"આઈ નીડ અ સાયકાયટ્રિસ્ટ....!,
પણ મને એકલા જતા બહુ ડર લાગે છે,
તારે મારી જોડે આવું જ પડશે,
નહીં તો આ ડિપ્રેશન મને કોરી ખાશે...! "
હેમાંગીએ કહ્યું.



"બે દિવસ પછી ડોક્ટર અંબાલીયાની એપોઈન્ટમેન્ટ લઈ લઉ છું..! "
જીમી એકદમ સ્ટ્રેટ આન્સર આપતો હતો.

હેમાંગીએ કિધું,
"હા તેઓ રવીશના પણ બેસ્ટફ્રેન્ડ છે,
મને વધારે સારી રીતે સમજી શક્શે...!"

ઇન્સ્પેક્ટર દીવાન માટે ખુશખબરી હતી,
જીમી અને મેમરી કાર્ડ નો રાઝ એમના હાથમાં લાગવાનો હતો,
સૌથી પહેલાં તેઓ ડોક્ટર અંબાલીયાને મળ્યા,
એમની હેલ્પથી જીમીને પકડવાનો તેમણે પ્લાન બનાવ્યો,
અને બીજી બાજુ ઇન્સ્પેક્ટર દિવાનના આદેશથી નાથિયો રાજસ્થાન ઉપડ્યો તે ધમકી આપવાવાળી ફેમિલીને શોધવા માટે....

'કોટા, રાજસ્થાન ......
સવારના દસ વાગ્યાનોસમય....!!'

"બર્યું ઓય તો હવારના પોરમો જ ગરમી લાગવા મંડી છ.
સાહેબ ખરું ખરું કરવા આલ છ..
હૌથી પેલ્લા તો પોણી પીવુ પડશે.

અલા ઓ ભઈ,
આ પોણીની બોટલ ચેટલાની છે? "
નાથિયાએ  પૂછ્યું.

"૨૫ રૂપે કિ ભાયા?
તને કતણી ચાહિયે? "
દુકાનદારે પૂછ્યું.

"તુ લ્યા પેલા મન એક તો આલ..! "
નાથ્યો બગડ્યો.

પાણી પીતા પીતા નાથ્યાનું ધ્યાન રાજસ્થાનના એક લોકલ ન્યુઝ પેપર પડ્યું.
એમા એક ચેહરો તેને ઓળખીતો દેખાયો.

"અલ્યા બાપા, આતો એ જ છે, જીણે પેલા ડૉક્ટરને ધમકાયેલો.
એ પોણીવાળા ભઈ, આ મોણસ કૂણ છે ને મન એ ચોં  મળશે?
નાથિયો મોટેથી બોલ્યો.

દુકાનદાર બોલ્યો,
"યહા કા બોત બડા વ્યાપારી હે, ભાયા..
અગર ઉસસે મિલનો હે તો,
ગરડીયા મહાદેવ જાણો પડેગો,
ભાયા સુણો હે કી બહોત બડી પૂજા હે વહા આજ.
બહોત બડો સંત આયો હે વટે..! "

"એવો તે વળી ચેવો બાવો આયો છ,
જોવુ પડશે માર...! "
નાથિયો બબડ્યો.



ચારે બાજુ હરિયાળી અને ચંબલ નદીની ઠંડક.
લાગે જ નહિ કે રણમાં આવ્યા છો ...!
આધ્યાત્મિકતા ચારેબાજુથી છલકાઈ રહી હતી, હવામાં જાણે ભક્તિનો એક નશો હતો.
અને બધા એ નશામાં ગળાડૂબ હતા.
દેશ-વિદેશથી આવેલા પચરંગી લોકોને જોતા જોતા નાથિયો ગરડિયા મહાદેવના દર્શનાર્થે પહોંચ્યો.

કેસરીયા વાગામાં સજ્જ,
રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી,
આંખોમાંથી અગ્નિ ફેંકતી તીક્ષ્ણ નજર તમામ જનમેદની પર ફેંકી તે મહાપંડિતે હર હર મહાદેવ બોલીને શંખનાદ કર્યો ..

સમગ્ર જનમેદનીનો શોર તેમાં ભળ્યો.
ભક્તિનું પૂર એટલું વ્યાપક હતું કે નાથિયો પણ એમાં તણાઈ ગયો..
અચાનક નાથિયાનું ધ્યાન મહાપંડિત પર પડ્યું, અને તેનું મગજ છટક્યું,
"અલ્યા આ મોણસ ઓય ચોથી???"
નાથિયાએ જાણે મંદિરમાં ભૂત જોયું..

નાથિયો તરત ભાગ્યો અને તરત ઈન્સપેકટર દીવાનને ફોન લગાવ્યો,
"સાહેબ તમ જલ્દી આવો,
અહી કોક ગજબ થઈ રહ્યું છ.. "





To be continued.....!

ડૉ.હેેેરત ઉદાવત.


Tuesday, 27 August 2019

"અદ્રશ્ય મુસાફર.. " પ્રકરણ ૧: "મેમરી કાર્ડ..! "

"અદ્રશ્ય મુસાફર.. "
પ્રકરણ ૧: "મેમરી કાર્ડ..! "

"એક ચહેરો ધુમ્મસમાં અદ્રશ્ય થઇ રહ્યો છે,
એ દફન થઈને પણ એક કુશળ ચાલ રમી રહ્યો છે. "





20 ડિસેમ્બર 2012
સાંજના 8:30 નો સમય..

"ડ્રાઇવર કાર જલ્દી ચલાવો,
ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે."
iphone ની તરફ એકીટશે જોતા હેમાંગી બોલી.

આઇ ફોનની ગેલેરીમાં હેમાંગી અને તેના હસબન્ડ રવીશના ફોટોને તે આંખોમાં પલકારો માર્યા વિના એકદમ ધ્યાનથી જોઈ રહી હતી .

"બધું જ બરાબર તો હતું લાઇફમાં,
શું કરવા આવું કરવાનું મેં વિચાર્યું.?
એક ભૂલ બધું છિનવીને લઈ ગઈ મારું.
પસ્તાવો છે, પણ કોની સાથે શેર કરું?
નહીં સહન થાય આ મારાથી..! "
હેમાંગી મનમાં ને મનમાં ગૂંચવાઈ રહી હતી.
ગુસ્સો અને પસ્તાવો એક સાથે એની આંખોમાંથી છલકાઈ રહ્યા હતા.
અચાનક ડ્રાઈવરે કારને રોકી,
ગુસ્સાથી હેમાંગી બોલી,
"કાર શું કરવા રોકી, યુ સ્ટૂપીડ...!!"

સોરી મેડમ, પણ તમે કીધું એ જગ્યા આવી ગઈ છે.

"ઓહ, સોરી...!"
એમ કહી કારની બહાર હેમાંગીએ નજર નાખી. લાઇફમાં કદી તેણે નતું વિચાર્યું કે આ જગ્યાએ તેને આજે આવું પડશે,
તે આવી તો ગઈ હતી પણ અંદર જઈને શું બોલવું એ હજી પણ તેને સમજાતું ન હતું,
"હેમાંગી આજે વાત કરવી જ પડશે તારે ,
નહીં તો કદાચ ક્યારેય પણ એ ભૂલ તુ સુધારી નહીં શકે..!"
અંતરાત્માનો એક મજબૂત અવાજ આવ્યો, અને તે કારમાંથી ઉતરી.


એક એક પગથિયા ચઢીને તે એ જગ્યાની અંદર પ્રવેશી.
કંઈક  કેટલીય વિચિત્ર નજરો તેને જોઈ રહી હતી. સુંદરતા હેમાંગીની નું પર્યાય હતી.
અને અે સુંદરતાને આ વાસના ભરી નજરો જાણે રંજાડી રહી હતી.
કોઈકની આંખોમાં તેને જોઇને શંકાની લાગણીઓ ઉભી થતી હતી કે,
"આ અપ્સરા અહીંયા શું કરવા આવી હશે? "
હેમાંગી નીચું મોઢું રાખીને એક ઝડપથી જાણે કે દોડીને જઈ રહી હતી ,
અચાનક જ અવાજ આવ્યો...

હેમાંગી અટકી ગઈ..

"મેડમ, કેન આઈ હેલ્પ યુ?"
શું ફરિયાદ છે તમારી...??"
સરખેજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દીવાને તેની સામે જોઈ ને કહ્યું..



"સર એક્ચ્યુલી હું તમને શોધી રહી હતી,
એક એફઆઈઆર નોંધાવાની છે..!!"
ડરતા ડરતા હેમાંગી એ કીધું.

"કોન્સ્ટેબલ નાથુ પંડિત જલ્દી આવો."
દીવાન બોલ્યા.

નાથુ દીવાન સાહેબ નો ખાસ માનીતો હતો,
પ્રેમથી તેને બધા નાથિયો કહેતા..

"બોલો મેડમ, ચમ ઓય આવુ પડ્યું? "
પ્રાદેશિક લહેકા સાથે હાજર જવાબી નાથ્યો તરત બોલ્યો..



"સર મારા હસબન્ડ રવીશ બે દિવસથી લાપતા છે,
બે દિવસથી એમને શોધવાના તમામ પ્રયાસો કરી ચૂકી છું ,પણ ક્યાંય કશું જ સમજાતું નથી.....!"
વાક્ય પૂરું થતાં થતાં તો હેમાંગી ની આંખોમાંથી જાણે દરિયો ઉભરાઈ ગયો.

"મેડમ, દુઃખ સમજુ છું તમારૂ,
પણ રડવાથી ડોક્ટર રવીશ આપણને મળી નથી જવાના. પોલીસ તમને બધી શક્ય મદદ કરશે, પહેલા તમારે આખી વાત મને કહેવી પડશે..!"
દીવાન સરે કીધું.

"૧૮ ડિસેમ્બરે સવારે તેઓ પોતાના ક્લિનિકમાં જવા નીકળ્યા.
બિલકુલ નોર્મલ હતા તેઓ.
જરાય પણ ટેન્શન નહીંને ઘણા ખુશ હતા.
બીજા દિવસે અમારી એનિવર્સરી હતી તો મને ગિફ્ટ શું જોઈએ છે એ વિશે અમારે સવારે ચર્ચા પણ થઇ છે.
બપોરે લંચ વખતે એમનો મને ફોન પણ આવેલો ત્યારે પણ તેઓ ખુશ હતા,
ક્યારેય કોઈની સાથે તેમનો કોઈ ઝઘડો નહીં,
ક્યારેય તેમના કોઈ દુશ્મનો નહીં .
એક ક્લિન ફિઝીશિયન તરીકેની તેમની ઈમેજ .
પેશન્ટનો જીવ બચાવ્યા સિવાય તેમને બીજું કોઈ વ્યસન પણ ન હતું.
રાતે લેટ સુધી ઘરે ના આવ્યા તો મેં વિચાર્યું કે એનિવર્સરીનું કંઈક મોટું સરપ્રાઇઝ તે મને આપવા માંગે છે.
૧૯મી તારીખે એટલે ગઇકાલે આખો દિવસ મારી એનિવર્સરી ના દિવસે એમની મૂરખની જેમ હું રાહ જોતી રહી.
આજ સવાર સુધી તેઓ ના આવ્યા તો મને બહુ ચિંતા થઈ અને એટલે જ શક્ય એટલી તમામ જગ્યાએ તેમની તપાસ કરી,
તેમના બધા જ ફ્રેંડસ ને કોલ લગાવી જોયા પણ બધેથી ફક્ત નિરાશા જ હાથ લાગી.
હજી બે જ વર્ષ થયા છે અમારા મેરેજને,
અને અમારી આ સેકન્ડ અેનિવર્સરી પર  ઈશ્વરે મને બહુ ખરાબ સરપ્રાઇઝ આપી...!!"

ફરીથી ચોધાર આંસુ નો વરસાદ ચાલુ થયો..


"ઇમોશન કંટ્રોલમાં રાખો..!"
આ વખતે ઇન્સ્પેક્ટર દીવાન થોડા સખતાઈથી બોલ્યા.

"સર પ્લીઝ હેલ્પ મી ,
પ્લીઝ....!"
આજીજી કરતાં હેમાંગી એ કહ્યું .

"તમે ચિંતા ના કરો મેડમ ,
તમારી એફઆઇઆર નોંધી લઈએ છીએ.
અમે અમારી તપાસ કરીશું,
તપાસમાં સહકાર આપશો એવી આશા રાખું છું..!"
ઈન્સપેકટર દીવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"સર તમે કહેશો એ બધું કરવા તૈયાર છું, બસ એમને શોધી આપો ..!"
હેમાંગી એ કીધું.

"તમે ઘરે જાઓ મેડમ, કંઈપણ ઇન્ફોર્મેશન હશે તો તમને જાણ કરીશું ...!"
દીવાન સરે કીધું.

હેમાંગી પોલીસ સ્ટેશનની બહાર નીકળી,
ઈસ્પેક્ટર દીવાન તેને જતા જોઈને કંઈક વિચારી રહ્યા હતા.

નાથ્યો એમના કાનમાં જઈને બોલ્યો,
" બૂન બહુ તકલીફમો લાગ છ સાહેબ,
કોક કરવું પડશે...!"

"નાથ્યા , બેન તકલીફની સાથે થોડીક શાતીર હોય એવું પણ લાગે છે..!" દીવાન બોલ્યા.



"ચમ સાહેબ એવું? "
નાથ્યા એ પૂછયું.

"નાથ્યા તુ ઘરે બે દિવસ ના આવે તો તારી ઘરવાળી શું કરે એમ કે પહેલાં...?"
દીવાને હસતાં હસતાં પૂછયું.

"પેલા તો મન એ દુનિયાભરની ગાળો ભોંડે અન પછી આખું ગુજરાત મોથે લે સાહેબ...!"
નાથ્યો બોલ્યો.

"એક્ઝેટલી, બે દિવસ સુધી કોઈનો ઘરવાળો ના આવે તો એ રાહ ના જ જોવે,
પણ કંઈક પ્લાનિંગ થઈ રહી હોય તો ૨ દિવસ જરૂર થઈ જાય.

સેકન્ડ વસ્તુ, મે એને ક્યારેય નતુ પૂછ્યું કે ,એના હસબન્ડની કોઈની સાથે દુશ્મની છે કે કેમ..?
તો પણ સામેથી બધું ક્લિયર કરવાની એની ચીવટતા કદાચ એના પર જ ભારે પડવાની છે.
અને ત્રીજી વસ્તુ,
જ્યારે તે ચોધાર આંસુએ રડતી હતી ત્યારે એના પર "જે "નામના લેટર થી પાંચ મિસકોલ આવી ગયેલા,જેને બહુ કૂનેહપૂર્વક છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવેલો , પણ અફસોસ મેં જોઈ લીધું........!"
દીવાન વિજયી હાસ્ય સાથે બોલ્યા.


"સાહેબ, તમાર તો ઓખ્યો છ ક દૂરબીન..?
જોર પકડ્યું..!!"
નાથ્યો બોલ્યો..

"મારો એક પન્ટર મેં અા મેડમની પાછળ મોકલ્યો છે, જોઈએ આપણે કે આ મેડમનો "જે" લેટર વાળા માણસ સાથે સંબંધ શું છે..?
અને કાલે સવારે રેડી રહેજે,
મિસિંગ ડોકટરના કિલનિક પર પણ જવાનું છે..!"
દીવાન બોલ્યા.

નાથ્યા એ હકારમાં માથું ધુણાવ્યું..
થોડીક ક્ષણો બાદ,

"તું પાગલ છે જીમી..
મેં તને કીધું હતું ને કે હું પોલીસ સ્ટેશનમાં છું ,
તો શું કરવા આટલા કોલ કર કોલ....!!"
ગુસ્સાથી ફોનમાં હેમાંગી ત્રાડુકી.

"મેં તને કીધું હતું ને કે આપણે કંઈક રસ્તો કાઢી લઈશું,
આ પોલીસ સ્ટેશન જવાની જરૂર જ ન હતી...!" ફોનના બીજા છેડેથી જીમી એ કહ્યું...!

"મારો હસબન્ડ છે એ,
મને ના શીખવાડીશ તું.
જસ્ટ કિપ યોર માઉથ શટ...!! "
હેમાંગી એ કિધું.

"મોઢું કદાચ તારે બંધ રાખવું જોઈએ,
કારણકે,
જો હું ક્યાંક ફસાયો તો એ મેમરી કાર્ડ અને તેની અંદરનો વિડીયો હજી પણ મારી જોડે જ છે..
હું કોઈને નહીં છોડું અને ફોન ડિસકનેક્ટ થઈ જાય છે.....!!! "



To be continued...!!


ડૉ. હેરત ઉદાવત..



Saturday, 3 August 2019

"ઓર્કિડ.... " પ્રકરણ ૩: "પ્લેટોનિક .."


"ઓર્કિડ.... "
પ્રકરણ ૩: "પ્લેટોનિક .."




"હું તને જે મેમરી યાદ નથી રહેતી, તેનો બહુ જ મોટો ભાગ છું. "
રૉબર્ટ બોલ્યો.

કાર ઘર તરફ આગળ વધી રહી હતી,
ઘર સુધી પહોંચીને કાર ઊભી રહી.
જેનીનો ગૃહ પ્રવેશ ફરીથી થયો.
ઘરમાં રોબર્ટ અને જેનીની ઘણી બધી તસવીર લગાવેલી હતી ,

અને સામે એક ૨૫ વર્ષનો છોકરો ઊભો હતો જે આ વસ્તુને બરાબર સમજી ગયો હતો.

"જેની,  તુ બેસ અમે તને બધું સમજાવીએ...!"
રૉબર્ટ બોલ્યો.

"પ્લીઝ,,,જલ્દી.
રૉબર્ટ તારી સાથેની મારી આ તસવીરો...??
આ બધું મારી સમજની બહાર છે ,
મારું માથું ફાટી રહ્યું છે,
જલ્દી બોલો કે તમે બંને કોણ છો....??"
એક જ શ્વાસમાં જેની બોલી ગઈ..

"તારા અને પીટરના થયેલા અકસ્માત પછી તને એડમીટ કરવામાં આવેલી.
પીટર તો દુનિયા છોડીને એ જ સેકન્ડે જતો રહ્યો હતો.
પણ ,તારા નસીબમાં કંઈક અલગ હતું.



તારી લાઈફ તો બચી ગઈ, પણ નવી મેમરી બનાવવાની અને તેને યાદ રાખવાની ક્ષમતામાં ઘણું નુકશાન થયું.
તને પીટર જોડે થયેલા એકસીડન્ટ પહેલાની બધી જ વસ્તુઓ પરફેક્ટ યાદ છે,
હું જ્યારે મારી સારવાર કરવા માટે રિહેબિલિટેશન સેન્ટરમાં આવ્યો ત્યારે તેજ મને ફરીથી સાજો કર્યો હતો..
તારી જોડે રહીને મને તારા જોડે ક્યારે પ્રેમ થઇ ગયો તે મને ખ્યાલ જ ના રહ્યો.
જ્યારે મને તારી બીમારી વિશે રિહેબિલિટેશન સેન્ટરમાં જણાવવામાં આવ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો.
પણ તને એકલા મૂકીને જવાનો મારો જીવ ન ચાલ્યો. તને પણ હું ગમવા લાગ્યો હતો એટલે જ મારા મેરેજનું પ્રપોઝલ તે અેક્સેપ્ટ કર્યું.
અને તારા દિકરા 'સેમ'ને મેં મારા સગા દીકરા જેટલો જ પ્રેમ આપ્યો છે.
આ છોકરો તારી સામે જે ઊભો છે એ તારો સેમ જ છે..
છેલ્લા ૩૦ વર્ષથી દર ૧૫ દિવસે તુ બધુ ભૂલીને એક્સિડન્ટ પહેલાની તારી યાદોમાં પહોંચી જાય છે અને હું તને શોધીને પાછી લાવુ છું અને એક્સિડન્ટ પછીની લાઈફ તને જીવાડું છું.
હજી આ સ્ટોરી મારે તને ફરીથી કેટલી વાર કહેવી પડશે એ હું નથી જાણતો.
પણ તું ચિંતા ના કરીશ હું હંમેશા તને આ વાર્તા સંભળાવતો રહીશ,
મારા છેલ્લા શ્વાસ સુધી....!!"

આટલું બોલી તે જેનીના ખોળામાં પોતાનું માથું મૂકી દે છે..

જેનીને બધી જ વાત સમજાઈ જાય છે ,
કેટલીય વાર સુધી જેની, રોબર્ટ અને સેમને પોતાની બાહોમાં ભરી રાખે છે,
કંઈ કેટલીય કૂણી લાગણીઓ છલકાય છે.

જેની બોલે છે,
"હું ખુશ છું રોબર્ટ કે મારા સેમનું ધ્યાન રાખવા માટે તું છે .
કાલે કદાચ ૩૦ વર્ષ પહેલાંની દુનિયામાં હું પહોંચી જઈશ તો પણ મને પસ્તાવો નહીં રે...!"



૧૦ દિવસ પછી,,
સવારે ૯ વાગ્યાનો સમય,

રોબર્ટને સેમ આખા ઘરમાં જેનીને શોધે છે, પણ તે ક્યાંય હોતી નથી.
જેનીના રૂમમાં ટેબલ પર ઓર્કિડના ફૂલોની નીચે એક લેટર પડ્યો હોય છે,

"ડીયર રૉબર્ટ,
        ઓર્કિડના ફૂલની એક ખાસિયત છે, તને ખબર છે ??
એને ડિવાઈડ કરો તો એકદમ સિમેટ્રીકલ ડિવાઈડ થાય એટલે કે, એક સરખા બે ભાગ.
હું પણ કદાચ એ ઓર્કિડની જેમ જ ડિવાઈડ થઈ ગઈ છું.
એક ભાગ તો હંમેશા પીટર જોડે જ રહેશે.
બહુ દિવસથી ઘરમાં ગોંધાઈ રહી છું.
મન મને ફરી ફરીને પીટરની યાદોમાં જ લઈ જાય છે. કાલે કદાચ હું સવારે ઘરમાં તને ના મળું તો તારી પાસે જે મારો ભાગ બચ્યો છે તે લઈને આવી જજે..
હું પિટરની યાદોમાં ક્યાંક તને મળીશ..."
                                      તારી જેની..!

પુષ્કળ વરસતા વરસાદમાં સેમ અને રોબર્ટ જેનીને શોધવા નીકળ્યા.
તમામ જગ્યાએ તેઓ ફરી વળ્યા ,
ક્યાંય જેની ના મળી..

અંતમાં ઓલ્ડ ચર્ચ જોડે કે જ્યાં જેનીના મેરેજ થયા હતા ત્યાંથી તપાસ કરતાં જાણ થઈ કે જેની પીટરને જ્યાં દફનાવવામાં આવેલો ત્યાં ગઈ છે..
વરસતા વરસાદમાં કડકતી વીજળીઓની સાથે સેમ અને રોબર્ટ જેની અને પીટર તરફ દોડયા..

જેની પિટરની કબરની સામે  ઉભી હતી..

ધીમેથી જઈને રૉબર્ટ બોલ્યો,
"મેમ તમને ઘરે મૂકી જઉં આ વરસાદમાં??"
તમે કદાચ વરસાદમાં ફસાઈ ગયા હોય એવું લાગે છે...!"
પાછળ ફરીને જેનીએ આન્સર આપ્યો,
"રોબર્ટ તુ આવી ગયો મને લેવા માટે...?"

રોબર્ટ અચંબામાં હતો કે, કઈ રીતે જેનીની મેમરી પાછી આવી ગઈ?

"જેની, તું મને ઓળખી ગઈ...?" રૉબર્ટ બોલ્યો..

જેનીએ નાનકડી સ્માઈલ આપીને પિટરની કબર પર પડેલા ઓર્કિડના ફ્લાવર્સ ખસેડ્યા,
તેની ઉપર રૉબર્ટ અને સેમ એવું નામ લખેલું હતું.



"મે આમાં લખી રાખ્યું છે, હું આ બંનેને ભૂલી ગઈ છું પણ મને એટલુ ખબર હતી કે બંનેમાંથી કોઈક મને જરૂર લેવા આવશે અને પિટર પછીની મારી ઝિંદગી મને યાદ કરાવશે..!! "

રોબર્ટના ફેસ પર જેનીએ કરેલી આટલો પ્રયાસ ખુશી લાવવા માટે પૂરતો હતો...

"ચલ ઘરે,
તારી આ નવી ઝિંદગી હું તને યાદ કરાવીશ...!! "
રૉબર્ટ ખુશીથી બોલ્યો..

પિટરની કબર પર ઓર્કિડના ફૂલો પલળી રહ્યા હતા અને જેનીએ તેની નવી યાદોમાં ગૃહપ્રવેશ કરવા પગલાં ઉપાડ્યા...!!



ડૉ. હેરત ઉદાવત

Tuesday, 30 July 2019

"ઓર્કિડ.... " પ્રકરણ ૨: "પ્લીઝ......! "


"ઓર્કિડ.... "
પ્રકરણ ૨: "પ્લીઝ......! "



જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે મને નહોતી ખબર કે હું પણ આના વ્યસનમાં સપડાઈ જઈશ..
૨૫ વર્ષની ઉંમરે હું આ આલ્કોહોલના વ્યસનના લીધે સ્યુસાઇડ કરવા સુધી પહોંચી ગયેલો.
અને એક સાઇકિયાટ્રિસ્ટ મને બચાવી લીધેલો.

શી વોસ વેરી બ્યુટીફુલ લેડી...!
એના કામથી અને એના સ્વભાવથી, પણ એનું નામ હું નથી જાણતો.
પણ મારી લાઈફ માટે તે સૌથી વધુ અગત્યની છે.
ગોડને હંમેશા પ્રે કરૂ છુ કે એક વાર તે મળી જાય.

લાસ્ટ વિશ મારી એટલી જ છે કે હું એને થેન્ક્સ કહી શકુ.

"એને તમને મળાવવા મારાથી બનતી કોશિશ હું કરીશ...!"
જેની બોલી.

"થેન્ક્સ જેની,
મને વિશ્વાસ છે તમે મને એના સુધી પહોંચાડી જ દેશો...!" રૉબર્ટ બોલ્યો.

કારની સ્પીડ વધી રહી હતી સાથે સાથે બંનેની વાતો પણ.
અચાનક જ જેનીનું ધ્યાન કારમાં રહેલી એક વસ્તુ પર પડ્યું...
અને તે બોલી,

"oh my god i love this.
 આ ઓર્કિડ મારા ફેવરિટ છે....! સામે બ્લૂ ઓર્કિડનું એક બુકે પડ્યું હતું.



"સોરી જેની, પણ આ મારી વાઇફ માટે છે, એટલે હું તમને નહીં આપી શકુ." રૉબર્ટે કહ્યું.

"તમારી વાઇફ માટે છે તો હું માંગી પણ નઈ શકું...!!"

જેનીએ દુઃખી મોઢે કહ્યું.
"યુ આર લકી કે તમને આટલા કેરિંગ વાઈફ મળ્યા છે..
મારા હસબન્ડ અને હું આ વાતમાં લકી નથી..!! "

જેની એ ઘટસ્ફોટ કર્યો...

"કેમ તમે આવું કહો છો...?"
રૉબર્ટે પૂછ્યું...

"આ જગ્યાએ મારા મેરેજ થયેલા..
ઓલ્ડ ચર્ચના રસ્તા પરથી જતા જેનીએ કહ્યું. "

"પીટર નામ હતું એનું.
મને હજી પણ યાદ છે જ્યારે એ મને પ્રપોઝ કરવા આવેલો, એટલી હદે એ ડ્રન્ક હતો કે લથડીયા મારતા મારતા કરેલું એનું યુનિક પ્રપોસ મને ક્યારેય નહીં ભુલાય..



બધું જ એકદમ પરફેક્ટ હતું લાઇફમાં.
પાલોલેમ બિચ ઉપર વિતાવેલા અમારા 'હનીમૂનના' દિવસો ખૂબ યાદગાર હતા.
ઠંડી રાતોમાં દરિયાકિનારે એ ઠંડી માટી પર ચાલતા ચાલતા થતો એકબીજાનો એ હૂંફાળો સ્પર્શ..!!
રૉબર્ટ એ હું ડિસ્ક્રાઈબ કરી શકુ તેમ નથી....!

અમારી આખી દુનિયાની ખુશીઓ, અમારા બંનેનો અંશ એવો મારો દિકરો સેમ મને ઈશ્વરે આપ્યો.

અને મેરેજ ના પાંચ વર્ષ બાદ થયેલો એ એકસીડન્ટ.....!!

પીટરને હુ વારે વારે સમજાવતી કે,
પ્લીઝ કાર ધીરે ચલાવ.....!!

પણ મારુ પ્લીઝ એણે સાંભળ્યું જ નહીં અને એક્સિડન્ટ બાદ એ પ્લીઝ સાંભળવા માટે બચ્યો પણ નહીં...! "



જેનીની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસતો હતો...
એ આંસુઓ રોકવાની હિંમત રોબર્ટમાં પણ નહતી..!

"જેની જે પણ થયું હવે બદલી શકવું અશક્ય છે...!
બેટર છે કે લાઈફમાં આગળ વધવું જોઈએ..!!"
રૉબર્ટે સાંત્વના આપતા કહ્યું...

"બાય ધ વે તમારે મારા વાઈફ અને મારા બચ્ચાને તો મળવું જ પડશે..
આમ પણ આપણે ફાતોરડા આવી ગયા છીએ તમે મળી લો એમને પછી તમને હું તમારા ઘરે મૂકી જઇશ....!!"
રૉબર્ટે વાતને વાળતા કહ્યું..!

"હા ચોક્કસ, હું તમારી ફેમિલીને મળીને જ જઈશ."
લાગણીઓને સમેટતા જેની એ કહ્યું.

રૉબર્ટના ઘર તરફ જતા અચાનક જેનીના શ્વાસ ચડી ગયા..
"રોબર્ટ આ ગલીઓ અને આ ઘર કેમ મને લાગે છે કે મારા જાણીતા છે..?
તમને એક વાત નથી કીધી મે રૉબર્ટ..,
પીટર સાથે થયેલા મારા એક્સિડન્ટ પછી મને એક વિચિત્ર બીમારી થઈ છે જેના લીધે હું ખુદને પણ સમજી નથી શકતી....!!"
જેની એક શ્વાસમાં બોલી ગઈ..

મને ખબર છે જેની,
તને "ટ્રોમા ઈન્ડ્યુસ્ડ એન્ટિગ્રેડ મેમરી લૉસ છે.............!!!"
રૉબર્ટે ફોડ પાડ્યો.




"પણ તને કઈ રીતે ખબર એ રૉબર્ટ...??"
જેનીએ આતુરતાથી પૂછયું..

રોબર્ટની આંખમાં પાણી ભરાયું,
તે બોલ્યો....!!!

To be continued....!!

ડૉ. હેરત ઉદાવત

Saturday, 27 July 2019

"ઓર્કિડ.... " પ્રકરણ ૧: "અજાણ્યી મુલાકાત..!! "



"ઓર્કિડ.... "
પ્રકરણ ૧: "અજાણ્યી મુલાકાત..!! "


"બેનાઉલિમ સાઉથ goa,
સવારના સાડા પાંચ વાગ્યાનો સમય.....!"

એક ભવ્ય વિલાની અંદર અલાર્મ વાગી રહ્યું હતું. સુંદર સપનાઓની ઊંઘ તોડીને એક ૬૦ વર્ષનો વૃદ્ધ પુરૂષ ઉભો થયો.
ઘડિયાળ સામે જોયું..

"જલ્દી તૈયાર થવું પડશે નહીં તો આજે પણ મિસ થઈ જશે....!"
કંઈક આવું બબડીને તે તરત તૈયાર થવા માટે ઉભો થયો.
તેનું "રાલ્ફ લોરેન બ્લેઝર" વૃદ્ધાવસ્થાને સંપૂર્ણ રીતે હાઇડ કરી લે એટલું સક્ષમ હતું.


બે સેકન્ડ માટે તે અરીસામાં પોતાને જ જોઈ રહ્યો. હાથમાં રોલેક્સ વોચ પહેરી ઝડપથી પોતાના વિલાની બહાર નીકળી પોતાની "રોલ્સ રોયસ ડાઉન" કારમાં બેઠો.
બાજુની સીટ પર તેણે નજર નાખી......

અને,
એક નિસાસા સાથે કાર સ્ટાર્ટ કરી તે આગળ વધ્યો.

આ ૬૦ વર્ષનો વ્યક્તિ એટલે રોબર્ટ ડિસુઝા.
ગોવા ની સૌથી મોંઘી પ્રોપર્ટી નો માલિક.
આલ્કોહોલના નાના બિઝનેસથી સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચેલો આ વ્યક્તિ.



"ફાતોરડા"માં આવેલી એક પ્રોપર્ટીની ડીલ કરવા માટે આજે તે વહેલો નીકળ્યો હતો.
કાર અત્યારે હાઇ સ્પીડ થી સોફ્ટ રીતે આગળ વધી રહી હતી.

સાઉથ goa એકંદરે શાંત છે,
રસ્તાઓ પણ ઘણા સૂમસામ છે અને વ્યક્તિઓની ભીડ પણ બહુ ઓછી જોવા મળે છે.

અચાનક તેનું ધ્યાન રસ્તામાં ઊભેલી એક કાર પર પડ્યું.
કાર કદાચ બગડી ગઈ હોય તેવો તેને અંદાજ લગાવ્યો.
હેલ્પ કરવાના આશયથી તેણે કાર સાઇડમાં રોકી કારમાંથી તે નીચે ઊતર્યો.
ધીમે ધીમે તે આગળ વધ્યો.


 એક ૫૮ વર્ષની લેડી ફોન પર ફોન લગાવી રહી હતી, કોઈની હેલ્પ માટે સતત બબડી રહી હોય તેવું તેને લાગ્યું.

"મે આઈ હેલ્પ યુ...?"
રૉબર્ટે આદરપૂર્વક પૂછ્યું..

તે લેડીએ અચાનક પાછળ જોયું અને રોબર્ટે લેડી તરફ...

રોબર્ટના બે પગલાં અચાનક પાછળ જતા રહ્યા.
તેના ચહેરા પર એક ડર છલકાયો. આંખો થોડી ડાયલેટ થઈ ગઈ.

"મારે ફાતોરડા જવાનું છે અને મારી કાર અચાનક બંધ થઈ ગઈ,
કેન યુ હેલ્પ મી?
મને લઈ જશો ત્યાં સુધી??,
પ્લીઝ.......!!"
એ લેડીએ વિનંતી કરી..

આ પ્લીઝ બોલવાની સ્ટાઈલ રૉબર્ટે પહેલા પણ ક્યાંક સાંભળી હતી.

"હા સ..સ.. સ્યોર.....!!"
અટકાતા અટકાતા રોબર્ટ બોલ્યો..

એ લેડી રોબર્ટની કાર માં બેઠી. રોબર્ટ ત્રાંસી નજરથી તેને જોઈ રહ્યો હતો ..

"આપણે જઈએ હવે તો સારૂ રહેશે..!" લેડીએ થોડુ ગુસ્સાથી કહ્યું.
અને કાર સ્ટાર્ટ થઈ ...

"જેની ક્રિસ્ચયન" મારૂ નામ.
અહીં સાઉથ goa માં જ રહું છું, અને તમે...?
રોબર્ટે જાણે ભૂત જોયું હોય તેમ જેનીને જોઈ રહ્યો.

"રૉબર્ટ ડિસુઝા"...હું પ્રોપર્ટી ડીલર છું, અને લાઈકરનો મારો બિઝનેસ પણ છે...!"
રૉબર્ટ બોલ્યો.

"તમે શું કરો છો જેની?"  રૉબર્ટે પૂછ્યું..

"આઈ એમ સાયકાયટ્રિસ્ટ બાય માય પ્રોફેશન.....!,
પણ હવે તો રિટાયરમેન્ટ લઈ લીધી છે.
બસ લાઇફ એન્જોય કરું છું....!"
જેનીએ કહ્યું.

"અચ્છા, નાઈસ ટુ મીટ યુ...!"
તો તમે લોકોના મગજ જોડે રમત રમો છો એમ ને..?
એમ કહી રોબર્ટ મોટે મોટેથી હસવા લાગ્યો..

"અત્યારે તો મારું મગજ મારા કંટ્રોલમા નથી,
એક સ્ટેરી લૂક સાથે જેનીએ રોબર્ટને જોઈને જવાબ આપ્યો....!!"

"મતલબ....??"
રોબર્ટ અચાનક હસતો બંધ થઈ ગયો.

"કંઈ નહીં,
ખાલી અમસ્તું જ...!!
 બાય ધ વે તમને "સાયકાયટ્રી" માં ઘણો રસ લાગે છે....?"
જેનીએ આતુરતાથી પૂછ્યું..

"મારી લાઈફ સેવ કરવામાં સાયકાયટ્રિસ્ટનો બહુ જ મોટો રોલ છે...! "
રૉબર્ટ બોલ્યો.

"અચ્છા કઈ રીતે...?"
જેનીએ પૂછ્યું..

વાત ઘણી જૂની છે......!!!
રૉબર્ટ બોલ્યો...!!



To be continued.....!
ડૉ. હેરત ઉદાવત..

Tuesday, 23 July 2019

શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ- લાગણીઓનો દરિયો, પ્રકરણ ૧૮: "બ્લડી ક્લોથ....!! "




શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ- લાગણીઓનો દરિયો,
પ્રકરણ ૧૮: "બ્લડી ક્લોથ....!! "


ઘટનાઓ .......

અને એમાં પણ ઘણી વખતે જોવા મળતી આઘાતજનક ઘટનાઓ.
ઉપરાછાપરી થયેલા ચાર એડમિશનની વચ્ચે એક બ્લડની વોમિટ એટલે કે ઊલટીમાં પડેલા લોહી એવી તકલીફ ધરાવતું એક પેશન્ટ દાખલ થયું.
5 વર્ષનો એક હસતો રમતો ઢીંગલા જેવો છોકરો, જોઈને લાગે નહીં કે એને આવી કોઈ તકલીફ હશે.

બધા જ રિપોર્ટ કરવામાં આવ્યા.
બધું જ એકદમ નોર્મલ,
કોઈ રિપોર્ટમાં કોઈ જ એબનોર્માલિટી નહીં.

અમને ડાઉટ હતો કે કદાચ એના કફમાંથી લોહી પડે છે પણ એના પપ્પા બહુ જ ફર્મ હતા કે આ બ્લડ વોમિટમાંથી જ આવે છે.
પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ટ્યુબરક્યુલોસિસની તમામ તપાસ ઓલરેડી કરાવીને આવેલું હતું એમાં પણ બધા રિપોર્ટ નોર્મલ હતા.
પેશન્ટ સૌથી પહેલા કાન નાક ગળાના નિષ્ણાત પાસે ગયું, તેમને તકલીફ ના જણાતા પેશન્ટને ટી.બી. વિભાગમાં મોકલવામાં આવ્યું, તેમની તપાસ પણ નોર્મલ આવતા અંતે પેશન્ટ પિડિયામા આવ્યું.
તમામ તપાસના અંતે નિષ્ણાતોનુ નિષ્કર્ષ આવ્યુ કે, આવા બ્લીડિંગ ના કારણ શોધવા માટે "બ્રોન્કોસ્કોપી" કે "ગેસ્ટ્રોસ્કોપી" જેવી સૂક્ષ્મ તપાસ કરાવવી પડશે.



તેના પપ્પા નો સ્વભાવ ઘણો કો-ઓપરેટીવ હતો
અમે જે પણ વસ્તુ કહેતા એ વસ્તુ સમજવાની સહનશક્તિ અને સમજણશક્તિ બંને તેમનામાં હતી.

"ઇન્વેસ્ટિગેશન હાલ ને હાલ કરાવા અરજન્ટ તો નથી ને..?
બે દિવસ પછી કરાવુ તો નહીં..? "
તેના પપ્પાએ બહુ સહજતાથી સવાલ પૂછ્યો...

"ચોક્કસ,
તમે બે દિવસ પછી તપાસ કરાવી શકો છો.."
મે તેમને કહ્યું.

"આખા મણિનગરના સાહેબ ક્યારે પણ કંઈ પણ કામ હોય તો મને કહેજો હું કરી આપીશ..!"
બસ આટલું બોલી તેમણે વિદાય લીધી..


બે દિવસ પછી સવારે 11:00 વાગે..

વોર્ડમાં એક પેશન્ટના પપ્પા જોડે બહુ જ વાહિયાત દલીલ ચાલુ થઈ ગઈ હતી.
"સાહેબ તમે અમને રજા જ આપી દો,
મારે નહીં રહેવું. "
7 લોકોનું ટોળું જે બચ્ચાને બહુ ચિંતા કરતું કરતું એક દિવસ અગાઉ આવેલું અે અચાનક આજે રજા લેવાની જિદ્દે ચડેલું.

"ભાઈ એમ રજા ન અપાય, બાળકને ખેંચ આવી છે. હજી બધી તપાસ કરાવવી પડશે..!"
મે પ્રેમથી કીધું.

"ના સાહેબ અમારે તો એને ભૂવા જોડે જ લઈ જવું છે, એ જ એને સારું કરશે, એ જ એની દવા કરી શકશે.. !"
ટોળામાંથી અવાજ આવ્યો.

આવું સાંભળ્યા પછી થોડો ગુસ્સો આવવાનો મને શરૂ થઈ ગયો હતો ત્યાં અચાનક પાછળથી એક પડછંદ અવાજ આવ્યો,
"રજાની વાતો કેમ કરો છો ભાઇ..?
અહીંયા જેવી ટ્રીટમેન્ટ ક્યાંય ના મળે..
ને ડૉક્ટરને છોડીને આવા ભુવા જોડે ના જવાય....!"
પાછળ ફરીને જોયું તો પેલા "હિમેટીમેસિસ" વાળા છોકરાના પપ્પા જ ઉભા હતા.

"કેમ છો સાહેબ..?"
તેમણે પૂછ્યું..

"તમે રિપોર્ટ આટલી જલદી કરાવીને આવી ગયા.? "
મે આતુરતાથી પૂછયું..

"અરે ના સાહેબ, બહુ ગજબનું થયું.
તમને માનવામાં નહિ આવે..!"
એમણે જવાબ આપ્યો.

મને થોડું આશ્ચર્ય થયું કે એવું તો શું આ ભાઈ જાણીને લાવ્યો છે.

"તમારી પાસે ગ્લવ્ઝ હોય તો મને આપો, હું તમને એક વસ્તુ બતાવું"
એમણે કહ્યું.

મેં એમને ગ્લવ્ઝ આપ્યા.
તે અમને અમારા વિગો ઈન્સર્શન રૂમમાં લઈ ગયા. એમણે એમના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની બેગ કાઢી. અંદરથી લાલ કલરના બ્લડના ક્લોટ કાઢ્યા,
"સાહેબ કાલે તો આ છોકરાએ મને રડાવી દીધો..! "

"કેમ શું થયું..?"
મે પૂછ્યું..

"કાલે રાતે અચાનક એને બહુ જ લોહીની ઊલટીઓ થઈ અને આવા મોટા મોટા બ્લેડના ગઠ્ઠા એની ઉલટીમાં પડ્યા.
હું અને મારા વાઈફ તો ગભરાઈ ગયા.
આ બધા જ ગઠ્ઠા થેલીમાં ભરીને બચ્ચાને ઉપાડી હું  મોટી હોસ્પિટલમાં ગયો, ત્યાં એને એડમિટ કર્યો.
ત્યાં ડોક્ટર પણ વિચારમાં પડ્યા.
એમણે કીધું તમે જે ઘરેથી લઈને આવ્યા છો એ જાતે જ તમે થેલીમાંથી કાઢો. મેં થેલીમાંથી બધું કાઢ્યું,
પણ બધું બ્લડ સુકાઈ ગયું હતું....!"

"પછી શું થયું...?" મેં આતુરતાથી પૂછ્યું...

"સાહેબ હવે તમે બ્લડના ક્લોટ્સની તપાસ કરો.."
તેમણે કહ્યું..
મે ગ્લવ્ઝ પહેરીને બ્લડ ને ટચ કર્યું તો કંઈક અજુગતું લાગ્યું,
એ બ્લડનો ગઠ્ઠો આખો ખુલી ગયો અને થોડું ખેંચ્યું તો ખબર પડી કે આતો કપડાનો ટુકડો હતો....!!!

શોક લાગે એવી વસ્તુ મારી સામે પડી હતી.
મે એના પપ્પાની સામે જોયું એના પપ્પાએ મારી સામે જોયું. આંખો થી ઈશારો કરીને એ ધીમેથી બોલ્યા, "સાહેબ મે પણ પહેલી વાર જોયુ તો આવુ જ થયું કે આ છોકરો કાપડ કઈ રીતે ખઈ શકે? "

 મેડિકલમાં એક ટર્મિનોલોજી હોય છે જેને કહેવાય,
"ટ્રાઈકોબેઝોઆર".
મતલબ કે વાળ ખાવાની એક કુટેવ.
એક બિહેવિયરલ ડિસઓર્ડર છે.
કાપડ ખાતા પેશન્ટ પહેલી વાર મેં જોયા.

"ખાસ્સા કપડાનાં ડુચા નીકળ્યા છે સાહેબ આના પેટમાંથી.
મારી વાઇફ ને હું તો કાલે એટલું રડ્યા છીયે કે તમે વાત ના પૂછો..
 મારા કામના લીધે મોટાભાગનો સમય મારે ઘરની બહાર રહેવાનું થાય અને એની મમ્મી પણ જોબ કરે છે .
ઘરે આ મોટા ભાગે એકલો જ હોય તો એકલા એકલા મસ્તીમાં એને આ ખાઈ લીધું હતું. મારા ડરના લીધે એણે અમને કશું કીધું નહીં
 છેલ્લા એક અઠવાડિયાથી આને લઈને બધે ફરૂં છું, બધી જ જાતની તપાસ કરાવી પણ સાલુ કંઈ આવે જ નહીં,  અને કઈ રીતે આવે સાહેબ તમે જ કહો..?
બીમારીનુ કારણ જ કંઈક અલગ હતું .
આ કાપડ નીકળ્યા પછી ના તો એને ઊલટી થઈ ના તો કોઈ બ્લડ નીકળ્યું.
હવે ઘરે ધ્યાન રાખીશ એનું.
એને એકલો નહીં રહેવા દઉ,
ભલે પૈસા ઓછા કમાવાય.."



આટલું બોલી તે અને તેનુ બાળક નીકળી ગયા.
અમે ખુશ હતા કે ડાયગ્નોસીસ પેશન્ટનું થઈ ગયું હતું અને થોડુંક દુઃખ પણ થતું હતું કે,
"મૉર્ડનાઈઝેશન" ની સાઇડ ઇફેક્ટ આજે નજરો સામે દેખાતી હતી.
એજ્યુકેટેડ હોવા છતાં પણ બાળકને ઘરે એકલો મૂકવાનું થોડોક કેરલેસ એટીટ્યુડ આજે અેમને ઘણો ભારે પડી ગયો..
પણ સારી વાત એ હતી કે એમને એમની ભૂલનું ભાન હતું.
હજી તો કંઈક ખુશી દિલમાં થઇ જ રહી હતી ત્યાં પાછળથી ફરીથી અવાજ આવ્યો,

"સાહેબ અમારે તો ભુવાને જ બતાવવું છે હાલ ને હાલ રજા આપી દો...!"
અંધશ્રદ્ધાનો આખો દરિયો મારી સામે ઉભો હતો..
ફરી એ પથ્થર રૂપી માનસિકતા પર ગંગાજળ નાખવા હું દલીલમાં ઉતર્યો....!!



ડૉ. હેરત ઉદાવત. 

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...