Popular Posts

Thursday, 14 May 2020

"વમળ"(એક રહસ્ય) પ્રકરણ ૪:અત્તર :ખૂનની મહેક


"વમળ"(એક રહસ્ય)
પ્રકરણ ૪:અત્તર :ખૂનની મહેક





“કોણે કહ્યું કે મહેક સુંદરતાની વ્યાખ્યા આપે છે, 
સાચવીને રેહજો,આ મહેક ખૂનીને તાગ આપે છે.”




રસ્તામાં પાછા આવતા ઈન્સપેકટર જાડેજાને યાદ આવી ગયું હતું કે આવા ફૂલ અને બીજ તેમણે પહેલાં ક્યાં જોયા હતા. 
અને તેમાંથી મળેલા કેમિકલ વિષે જાણ થતા જ તેઓ તાત્કાલિક ગોરી સાહેબના ઘરે પહોંચ્યા. 
ગોરી સાહેબના રૂમની અગાશીમાં પહોંચી તેમની નજર ચારે બાજુ ફરવા લાગી, 
ત્યાં ઘણા બધા કૂંડા હતા જેમાં જાતભાતની વનસ્પતિના છોડ હતા. તેમની નજર ફરતી ફરતી એક કૂંડા પર સ્થાયી થઈ. આબેહૂબ એજ વનસ્પતિ અને એવા જ ફૂલ કે જે ઈન્સપેકટર જાડેજાએ ધોલપુર ગામમાં ગોરી સાહેબના ખેતરમાં જોયા હતા. 
ઇન્સ્પેક્ટર જાડેજાની નજર સીધી જ ગોરી સાહેબના  નોકર રામજી કાકા તરફ ગઈ. 

"આ ફૂલ શેના છે, કાકા..?"
કડકાઈથી જાડેજાએ પૂછ્યું. 

"ખ..ખ.. ખબર નથી સાહેબ..!"
રામજી કાકાની જીભ લપસી, એટલે જાડેજા ની આંખો ચમકી. 
કેસને ઉકેલવાની જાણે જાદુઈ ચાવી એમના હાથમાં લાગી હતી. 

"કસ્ટડીમાં લો આ કાકાને. "
ઈન્સપેકટર જાડેજાએ આદેશ આપ્યો. 

રામજીકાકાને કસ્ટડીમાં લેવામાં આવ્યા. 
ઉંમર ઘણી વધારે હોવાથી તેઓ જૂઠું બોલી શકે તેમ ન હતા. 
ઈન્સપેકટર જાડેજા વડે કરવામાં આવેલા બે ઊંચા ઘાટાં માંતો આખુ રહસ્ય બહાર આવી ગયું. મુખ્ય આરોપીનું નામ તરત જ રામજીકાકાએ કહી દીધું. 

બીજા દિવસે સવારે, 
કેસ સાથે જોડાયેલા તમામ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા. 
મુખ્ય અપરાધીની ધરપકડ તો રાતે જ જાડેજાએ કરી દીધી હતી અને ગુનેગારે ગુનો કબૂલ પણ કરી દીધો હતો. 

"ગુનેગાર કોણ છે? જલદી જણાવો..!"
આજીજી કરતાં પ્રણય બોલી રહ્યો હતો. 

જાડેજાએ મૂછોને તાવ દેતા દેતા આંખોથી જમણી તરફ ઈશારો કર્યો. 
કોન્સ્ટેબલ એક વ્યક્તિને હાથમાં હથકડી  પેરાવીને લઈને આવ્યો.
ગુનેગારને જોઈ બધાંની આંખો પહોળી થઈ ગઈ. 

અન્વેષીએ જોરથી ચીસ પાડી, 

"તમારાથી ભૂલ થાય છે સર,આ શક્ય જ ન બને..! "



"ઇમોશન્સ કંટ્રોલમાં રાખો અન્વેષી મેડમ. 
ગોરી સાહેબના હત્યારા બીજુ કોઈ નહીં પણ તમારા પપ્પા છબીલ કાકા જ છે. 
છબીલ કાકા એ જ આ બધો તખ્તો તૈયાર કર્યો હતો. 
વાત જાણે એમ છે કે અર્પણ અને અન્વેષીના સંબંધોને લઈને છબીલ કાકા ઘણાં જ ખુશ હતાં. તેમને હતું કે ચંદ્રકાંત ગોરી સાહેબને આ બંનેના લગ્નથી  વાંધો નહીં હોય .
પણ અેમને ઘણો મોટો વાંધો હતો. 
અર્પણની વાત સાચી હતી, ગોરી સાહેબે અન્વેષીને મારી નાખવાની ધમકી ખાલી અર્પણને જ આપી હતી એવું ન હતું. 
તેમણે આવીજ ધમકી છબીલ કાકાને પણ આપી હતી જ્યારે તેઓ અન્વેષીના સગપણની વાત કરવા ગયેલા.
અને અન્વેષીને જર્નલિસ્ટ બનાવી, અમદાવાદમાં નવું ઘર અપાવી અને બીજા ઉપહારોથી ગોરી સાહેબે છબીલ કાકાનું મોઢું જ જાણે સીવી લીધું.

"એક મજૂરની દિકરી મહેલમાં ના શોભે..!"
ગોરી સાહેબે બોલેલું આ વાક્ય છબીલ કાકા ને ઘણું ડંખતું હતું. 
બદલાની ભાવના ઘણી તીવ્ર હતી. 
રામજી કાકા સાથે બેસીને એમણે ગોરી સાહેબની હત્યાનો તખ્તો ઘડવાનો શરૂ કર્યું. 
વર્ષોથી ખેતી કરેલો માણસ, તમામ વનસ્પતિ અને ફૂલોની સારી જાણકારી પણ છબીલ કાકા પાસે હતી.
ધોલપુર ગામની એક અનોખી ખાસિયત છે, 
યુરોપિયન દેશોમાં એક વનસ્પતિ ઉગે છે, "એકોનિટમ નેપોલિસમ". ધોલપુરની જમીનોમાં ગોરી સાહેબના ખેતરોમાં પણ આ વનસ્પતિના છોડ ઉછરી રહ્યા છે. 
આ વનસ્પતિ વિષે ખાલી છબીલ કાકાને જ જાણ હતી. તે ફૂલોમાંથી મળતી અનોખુ તત્વ એટલે 
"એકોનાઈટ".


તેની ખાસિયત એ છે કે જરૂર કરતાં વધારે પ્રમાણમાં જો લોહીમાં ભળે તો તે વ્યકિતના શ્વાસ અને હૃદય બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.
અને તેનાથી પણ સૌથી મોટી ખાસિયત તેની એ છે કે તે કેમીકલ કદી રિપોર્ટમાં ડિટેક્ટ પણ નથી થઈ શક્તું. 
છબીલ કાકાની બુદ્ધિને પણ ધન્યવાદ આપવા જેવું છે, તેમણે એકોનાઈટનો પાવડર બનાવ્યો અને એ પાવડર એમણે રામજી કાકાની મદદથી અર્પણે ગોરી સાહેબને ભેટ આપેલા પર્ફ્યુમમાં નખાવ્યો. 
રામજી કાકા રોજ રાત્રે એ પર્ફ્યુમ ગોરી સાહેબના બ્લેન્કેટમાં છાંટતા રહ્યા. સુગંધ સારી હોવાથી તેનો વિરોધ પણ ગોરી સાહેબે ના ઉઠાવ્યો. 
અને પછી અનોખો સંજોગ સર્જાયો. 
જે રાત્રે ગુસ્સામાં અર્પણે પિસ્તોલ ઉગામી એ જ રાત્રે એકોનાઈટે  પોતાની અસર બતાવી.
એજ રાત્રે ગોરી સાહેબને એકોનાઈટે ચીર નિંદ્રાની ભેટ આપી. "

વાતને પૂર્ણ કરતાં ઈન્સપેકટર જાડેજા બોલ્યા. 



વાત સાંભળીને ત્યાં હાજર બધા જ સ્તબ્ધ હતા. 

"માફ કરી દેજે દિકરી, મારું અપમાન મને સહન થાય પણ તારું અપમાન તો હું સહન નહીં જ કરી શકું, 
જાડેજા સાહેબ સાચું જ કહે છે, મેં જ ખૂન કર્યું છે ચંદ્રકાન્ત ગોરીનું. મને એમ હતુ કે હ્રદય રોગના હુમલાની વાતમાં આ ખૂન દબાઈ જશે અને પછી મારી દીકરી અને અર્પણના લગ્નમાં કોઈ વાંધો નહી આવે, 
પણ મારુ કપટ પકડાઈ જ ગયું અને તેની સજા ભોગવવા હું તૈયાર છું "
છબીલ કાકાએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું. 



આંસુ લૂછતા લૂછતા અન્વેષી પોલીસ સ્ટેશનની બહારની તરફ ભાગી, તેને સંભાળવા અર્પણ તેની પાછળ દોડ્યો. 

"બદલો અને ખોટી અપેક્ષાઓ જીંદગી બરબાદ કરવા સક્ષમ છે.
એક સાથે બંને અનાથ થયા, 
અર્પણે પોતાના પિતા હંમેશા માટે ખોયા અને અન્વેષીના પપ્પા ખૂનના ગુનામાં આજીવન કારાવાસ મળ્યો. "
ઇન્સ્પેક્ટર જાડેજા કંઈ ક્યાંય સુધી મનમાં વિચારી રહ્યા, આજે તેમને કેસ પૂર્ણ કરવાનો એટલો આનંદ ના મળ્યો.


પણ થોડાક દિવસો બાદ પેપરમાં બીજા એક સમાચાર છપાયા, જે અકલ્પનીય હતા. .. 



ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત. 


Tuesday, 12 May 2020

પ્રકરણ ૩ :સૂરાગ : એક ષડયંત્રની શરૂઆત


પ્રકરણ ૩ :સૂરાગ : એક ષડયંત્રની શરૂઆત

“ચારેબાજુ જોયું તો ઘોર અંધારૂ ફેલાયું છે, 
સૂરાગની બધી કડીઓ નીચે એક સત્ય છુપાયું છે.”






બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં અર્પણ ઈન્સપેકટર જાડેજાની સામે બેઠો હતો. 
"આટલી બધી નફરત કે પોતાના પપ્પાનું સીધું ખૂન જ કરી નાખ્યું..?"
ઇન્સ્પેક્ટર જાડેજાએ પ્રશ્ન કર્યો. 

"પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈ શકો છો કે મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. પ્રમાણ વગર મારા પર ખૂનનો આરોપ ના મૂકો..!"
સ્પષ્ટ શબ્દોમાં અર્પણ બોલ્યો. 

"તો પછી એ રાતે તમારા પપ્પાની તરફ પિસ્તોલ તાકવાની જરૂર કેમ પડી હતી? કારણ કે મનસૂબો તો એમને ખતમ કરવાનો જ તમારો હતો..!"
ઈન્સપેકટર જાડેજાએ ઘટસ્ફોટ કર્યો. 

"એ બધું તમને કઈ રીતેખબર?"
ગૂંચવાતા ભાવે અર્પણ બોલ્યો. 

"આ તમામ ઘટના રાત્રે તમારા વિશ્વાસુ નોકર રામજીકાકા ની સામે જ બનેલી છે, કદાચ તમે દારૂના નશામાં એટલા ડૂબેલા હતા કે તમને યાદ પણ નહીં હોય..!"
કડકાઈથી જાડેજા બોલ્યા. 

"મને માફ કરી દો સર, મને ગુસ્સો આવી ગયો હતો. 
હું નફરત કરું છું મારા બાપને કબૂલું છું એ વાતને. 
પણ એમનું ખૂન મેં નથી કર્યું. ભલે એમણે ઘણું ખોટું કર્યું પણ એમનો જ વિનાશ કરૂ એટલો નપાવટ હું નથી જ. "
ધ્રુસકે ધ્રુસકે રડતા અર્પણ બોલ્યો.
ઇન્સ્પેક્ટર જાડેજાને કોણ જાણે કેમ પણ અર્પણની વાત માં એક સત્ય દેખાયું. 

"નફરતનું કંઈ ખાસ કારણ? "
જાડેજાએ શાંતિથી પૂછ્યું. 



"એક છોકરીને પ્રેમ કરતો હતો સર, અન્વેષી નામ છે એનું.

 ખેત મજૂર ની દીકરી હતી, પપ્પાને વાત પણ કરી. પણ એમણે ધસીને ના પાડી દીધી.
ઉલટું મારા હાથે એક પત્ર લખાવ્યો કે હું એની સાથે મેરેજ કરવા નથી માગતો અને મને ધમકી આપી કે જો એની સાથે લગ્ન કરીશ કે એને મળવાની કોશિશ પણ કરીશ તો તેઓ અન્વેષીનું ખૂન કરાવી દેશે. 
એમણે અન્વેષીના નજર અને દિલ બંનેમાંથી મને નીચો કરી દીધો. ગુસ્સો તો બહુ જ હતો મારા બાપ પર મને પણ અન્વેષીના જીવથી વધારે કંઈ ન હતું.
તમે કિધુ ને કે કદાચ હું નશામાં હોઈશ.
અન્વેષીથી દૂર થયો ત્યારથી જ તમામ પ્રકારના નશાનો હું આદી બન્યો. 
જ્યારે પિસ્તોલ પપ્પાની સામે ઉગામી ત્યારે દારૂ મારા માથે ચડેલો હતો સર..!"

ઈન્સપેકટર જાડેજાને અર્પણની વાતમાં થોડા સત્યની મહેક આવી. 
વધુ માહિતી સુધી પહોંચવા તેમણે અન્વેષીના ઘરે જવાનું નક્કી કર્યુ. 


ગોરી સાહેબના મ્રુત્યુ ના ૧ સપ્તાહ બાદ, 
સાંજના આઠ વાગ્યાનો સમય, 
"હું ઇન્સ્પેક્ટર જાડેજા, 
ચંદ્રકાંત ગોરીના રહસ્યમય મૃત્યુના વિષયમાં તમારા જોડે વાત કરવા આવ્યો છું. "

"હા સર, બોલોને. શું પૂછવું છે તમારે? "
છબીલ કાકા બોલ્યા. 

"જુઓ મને ગોળ ગોળ વાત કરવી પસંદ જ નથી, 
સીધો જ સવાલ પૂછીશ, 
અન્વેષી શું તમે અર્પણને પ્રેમ કરો છો? "

"કરતી હતી સર, પણ હવે નફરત સિવાય કશું જ નથી...!"
અન્વેષીએ ત્વરિત જવાબ આપ્યો.
 
"અર્પણ નું કહેવું એમ છે કે ચંદ્રકાંત ગોરીએ તેને એવી ધમકી આપેલી કે જો એ તમારી સાથે લગ્ન કરશે તો ગોરી સાહેબ તમારું કાસળ કઢાવી નાખશે."

આ સાંભળી અન્વેષી ૨ મિનિટ માટે ચૂપ રહી,પછી મોટે મોટેથી હસવા લાગી અને બોલી, 

"તમને ઉલ્લુ બનાવે છે સાહેબ.!"

"શબ્દો થોડા સંભાળીને બોલો મેડમ, તમે ઇન્સ્પેક્ટર જોડે વાત કરી રહ્યા છો. "
ઇન્સ્પેક્ટર જાડેજાએ કડકાઈથી કહ્યું. 

"સોરી સર, પણ ગોરી અંકલ આવું કંઈ જ ના કરી શકે. ઉલટું તો એમણે તો મને ભણાવવા માટે આટલી મદદ કરી છે. આજે જર્નાલિઝમ કરીને હું જે ગર્વથી જીંદગી જીવુ છું એ એમની જ દેન છે. 
તેઓ મને ગામડેથી અમદાવાદમાં લાવ્યા. 
આટલું સારું મકાન લઈ આપ્યું. પપ્પાને પણ અમદાવાદ શિફ્ટ કરાયા. અમારી એક નવી જિંદગીની શરૂઆત કરાવી. મારા અને અર્પણના લગ્ન માટે કદાચ તેઓ માની પણ જાત. અર્પણે જે પત્રની વાત કરી રહ્યો છે, એ છે મારી પાસે.
અને મને નથી લાગતું કે ગોરી અંકલે બળજબરીથી એની જોડે કંઈ પણ લખાવ્યું હોય, 
તેણે એક મોટી વાત મારાથી છૂપાવી હતી કે તેને કોઈ વ્યસન નથી. વાસ્તવિકતામાં તમામ નાના મોટા ડ્રગ્સનો તે વ્યસની હતો. તેની આ વાત માટે તો ગોરી અંકલ પણ હંમેશા ચિંતામાં રહેતા. એને રિમાન્ડમાં લો સર, એ કંઈક તો છૂપાવી રહ્યો છે તમારી જોડે. "

કેસ ગૂંચવાઈ રહ્યો હતો. 
કોણ સાચું, કોણ ખોટું એનો તાગ કાઢવો મુશ્કેલીભર્યો હતો. 
ઈન્સપેકટર જાડેજાએ આખા કેસની સઘન તપાસ કરવાનું શરૂ કર્યું. 
એક રાત્રે ફોરેન્સિક લેબના અધિક્ષક ડૉ. અશોકકુમાર સાથે બેસીને તેઓ વિચારે ચઢ્યા. 

"કોઈ જ વસ્તુ શંકાસ્પદ નથી લાગતી તમને ડૉક્ટર કુમાર.?"
આશાભરી નજરે ઈન્સપેકટર જાડેજા બોલ્યા. 

"બધી જ વસ્તુઓ બરાબર છે. કોઈ જ પ્રકારનું પોઈઝન કોઈ જ વસ્તુમાં હોય એવું જણાતું નથી. બધા જ પુરાવાને ઈન્સપેકટર જાડેજા ઉડતી નજરે જોઈ રહ્યા હતા. અચાનક એમનું ધ્યાન એક વસ્તુ પર પડ્યું ,
" આ બ્લેંકેન્ટને (ધાબળો) કેમ અહીં રાખ્યો છે ડોક્ટર કુમાર..?"
ઈન્સપેકટર જાડેજાએ સવાલ કર્યો. 

"ચંદ્રકાંત ગોરીની ડેડબોડીની આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ અમે પુરાવા તરીકે લાવ્યા હતા. તમને નવાઈ લાગશે સર પણ આ કંઈ સાદો ધાબળો નથી, 
બહુ ખુશ્બુદાર બ્લેંકેન્ટ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં "બ્લ્યુ દે ચેનલ"નામનું પરફ્યુમ છાંટવામાં આવ્યું છે. "
ડૉ. કુમારે ઘટસ્ફોટ કર્યો. 
ઇન્સ્પેક્ટર જાડેજા ના મગજ માં અચાનક સવાલોની વર્ષા શરૂ થઈ.
ધાબળામાં પર્ફ્યુમ કોઈ કેમ છાંટે? આ આદત સમજવી થોડી અઘરી હતી. જાડેજાને આ પર્ફ્યુમ વાળી વાત સામાન્ય ના લાગી.. 



એ પર્ફ્યુમની બોટલ જાડેજાના મગજમાં ઘૂસી ગઈ હતી. ઘરના સદસ્યો અને તેમના મિત્રો સાથેની પૂછપરછમાં તેમને એટલું તો જાણ થઈ ગયું કે ગોરી સાહેબને પર્ફ્યુમની સુગંધનુ કોઈ એવું પાગલપન ન હતું. 
"બ્લ્યુ દે ચેનલ" પર્ફ્યુમ અમદાવાદમાં જેટલી પણ દુકાનોમાં મળે છે તેમાં જાડેજાએ તપાસ કરાવી, 
તપાસમાં જાણવા મળ્યું કે, ૬ મહિના પહેલાં અર્પણે ગોરી સાહેબને ગિફ્ટમાં આપેલું હતું. શંકાની સોય ફરી ફરીને અર્પણ તરફ જ જઈ રહી હતી. 

"તમે ગોરી સાહેબને કોઈ પર્ફ્યુમની ગિફ્ટ આપી હતી?"
ઈન્સપેકટર જાડેજાએ સીધો સવાલ કર્યો. 

"હા, ૬ મહિના પહેલાં, બ્લ્યુ દે ચેનલ નામ હતું એનું, એમની બર્થ ડે હતી એટલે અમસ્તુ જ આપેલું, એનું તો બિલ પણ મેં સાચવી રાખ્યું છે. "
અર્પણે સહજતાથી જવાબ આપ્યો. 

ઈન્સપેકટર જાડેજાને ગોરી સાહેબના રૂમમાંથી એ પર્ફ્યુમની બૉટલ પણ મળી ગઈ. એ લઈને તેવો સીધા ડૉ. કુમારને મળવા પહોંચ્યા. 

"પર્ફ્યુમમા કંઈ પણ શંકાસ્પદ વસ્તુના ટ્રેસ મળે છે, કુમાર? "
આશાભરી નજરોથી ઈન્સપેકટર જાડેજા બોલ્યા. 

"ના સર, નોર્મલ પર્ફ્યુમ જ છે. "
એક નિસાસા સાથે ડૉ. કુમાર બોલ્યા. 

"એવું લાગે છે કે જાણે બધા જ પુરાવા મારી સામે છે, ગુનેગાર પણ જાણે કે મારી સામે છે, પણ કોઈ કડીઓ જોડાતી જ નથી. "
અવાજમાં ભારે દુ:ખ સાથે જાડેજા બોલ્યા. 

"સર, તમે બધા કેસ તમારી લાઈફમાં સોલ્વ કર્યા છે, મને વિશ્વાસ છે કે કંઈક સૂરાગ તો મળશે જ."
ડૉ. કુમાર આશ્વાસન આપતા બોલ્યા. 

રાત્રે ઈન્સપેકટર જાડેજા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ જોડે ઉભા હોય છે. 
શાંત વહેતા નદીના પાણીમાં ઈન્સપેકટર જાડેજા એકીટશે જોઈ રહ્યા હતા. કેસની સાથે સંકળાયેલા તમામ લોકોના ચહેરા નદીના પાણીમાં તેમને દેખાયા.
અચાનક એમનું મન એક જગ્યાએ અટક્યું, 
બધી જ જગ્યાએ તપાસ થઈ ગઈ હતી, 
બસ બાકી હતી એક જ જગ્યા, 'ધોલપુર'.



બીજા દિવસે ઈન્સપેકટર જાડેજાએ જીપ ધોલપુર ગામ તરફ જવા ઉપાડી. 
ખરેખર કુદરતી સુંદરતાથી મઢેલું ગામ હતું ધોલપુર, 
થોડીક ક્ષણો માટે તો ઈન્સપેકટર જાડેજા પણ ભૂલી ગયા કે તેવો એક ખૂનની તપાસ માટે આવ્યા છે. 
ચંદ્રકાન્ત ગોરીના ઘરની આસપાસના જમીનદારો જોડે જાડેજાએ સઘળી તપાસ કરી. પણ કંઈ ખાસ નવી માહિતી મળી નહીં. 
નદીના કિનારે ફરતા ફરતા ઈન્સપેકટર જાડેજા ગોરી સાહેબના ખેતરોમાં લટાર મારવા નીકળ્યા. 
"એક અનોખી શાંતિ છે આ ખેતરોમાં, અમદાવાદમાં આવી શાંતિ કદી ના મળે..! "
જાડેજાએ ખિસ્સામાંથી સિગારેટ કાઢીને ઉંડો કસ લેતા કહ્યું. 

"સાચી વાત છે તમારી સાહેબ"
ગોરી સાહેબની જમીનોના નવા રખેવાળ રૂપેશે કહ્યું. 

છબીલ કાકાના અમદાવાદ ગયા બાદ ગોરી સાહેબની જમીન સાચવવાની જવાબદારી તેમના ભાઈ રૂપેશના માથે આવી. 

"છબીલ કાકા અમદાવાદ કેમ ગયા? "
જાડેજાએ પૂછયું. 

"અન્વેષીના ભણતર કાજ સાહેબ, છોડી સારું ભણતી તી તો એના ભાગ ઉઘાડવા હાટું ગોરી સાહેબ એને અમદાવાદ લઈ ગયા, રેવા હાટું ઘર કર દીધું, 
છબીલભઈ છોરીને હાચવવા માટે આ જમીનો છોડીને ગયા.! "
રૂપેશ બોલ્યો. 

સિગારેટના કશ લેતા લેતા ઈન્સપેકટર જાડેજાએ હકારમાં માથું હલાવ્યું. 
અચાનક તેમનું ધ્યાન ખેતરના એક ખૂણા પર ગયું. 
કોઈક અલગ જાતની વનસ્પતિના છોડ ત્યાં ઉગ્યાં હતા. 
"આ છોડ શેનો છે? "
કુતૂહલતાથી જાડેજાએ પૂછયું. 

"ખબર નહીં સાહેબ, હું પણ અજાણ છું. ઘણી વાર તેના વિષે મેં છબીલ ભાઈને પૂછયું. 
હમેશાં તેઓ મારા આ સવાલને ટાળતા અને એટલું જ કહેતા કે કોઈક જંગલી વનસ્પતિ છે. "
રૂપેશે જવાબ આપ્યો. 



જાંબલી પાનવાળા આવા વિચિત્ર છોડને જોઈને ઈન્સપેકટર જાડેજા વિચારી રહ્યા હતા કે, 
"ક્યાંક તો આવો છોડ, આવા પાન અને આવા રાતા બીજ મે જોયેલા છે, પણ ક્યાં જોયા એ યાદ નથી આવતું. "

આ મનોમંથનની વચ્ચે રૂપેશે ઘટસ્ફોટ કર્યો, 
"હમણાં થોડાક મહિના પહેલા છબીલ કાકા અહીં આવેલા અને આમાંથી થોડા પાન અને બીજા લઈને અમદાવાદ લઈ ગયા હતા. "

આટલું સાંભળી ઈન્સપેકટર જાડેજાની  શંકા વધી કે એવું તો શું છે આ ફૂલોમાં? "
ફટાફટ એ છોડના પાન, નાજૂક ફૂલ અને થોડાક એ વનસ્પતિના બીજ લઈને તેવો અમદાવાદ તરફ આવા નીકળ્યા. 
રસ્તામાં આવતા તેમને એ પણ યાદ આવી ગયું કે આ પાન અને ફૂલ તેમણે ક્યાં જોયા હતા. 

ડૉ. કુમાર, નવા પુરાવા મળ્યા છે, તમે જલદી ક્લિનિક પહોંચો. 
લેબમાં એ ફૂલ અને બીજની તપાસ કરવામાં આવી.
એ કેમિકલનું નામ સાંભળીને જાડેજા અને ડૉ.કુમાર બંને ચોંકી ગયા. 

ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત. 


Sunday, 10 May 2020

“વમળ..!”(એક રહસ્ય) પ્રકરણ ૨:પ્રેમ : એક અનોખી હોનારત


પ્રકરણ ૨:પ્રેમ : એક અનોખી હોનારત

“પ્રેમની આ શરતમાં ખરો ફસાયો, 
જીતવા તને નીકળ્યો ને ખૂદ જ લૂંટાયો



ઓગસ્ટ- ૨૦૧૫.

રાતના આઠ વાગ્યાનો સમય. 

અરવલ્લીના ડુંગરોની ફરતે મળે એવું ગામ એટલે ધોલપુર. રાજસ્થાનના સીમાડા આ ગામ પછી શરૂ થતા. ૭૦૦ માણસોની વસ્તી ધરાવતું એક મોટું ગામ. ગામના પ્રવેશ પહેલાં વહેતી એક નદી અને એ નદી પર બાંધેલો એક નાનકડો પુલ. 
નદી જ્યારે તેના પૂર્ણ વહેણમાં હોય ત્યારે તો પાણી પુલની ઉપર થી વહેતું જાય. 
ગામના ઝાંપે આવેલું ભોળાનાથ નું મંદિર. સવાર સાંજ તેમાં થતી આરતીની ધૂન અને એ શંખનાદ એક અનુપમ શાંતિ અને ભક્તિની લાગણીઓથી ભીંજવી દેતો. 



ગામના બધા મોભીઓ તથા જાગીરદાર ના ઉંચા મકાનો એક તરફ અને બીજી તરફ તેમની જમીનમાં પરસેવો પાડતા ખેત મજુર ના પથરાયેલા કાચા મકાનો. 
ચંદ્રકાંત ગોરી એટલે ગામના મોભી અને સૌથી મોટા જમીનદાર. અમદાવાદમાં વ્યાપક બિઝનેસ ફેલાયેલો હોવાના લીધે વર્ષમાં એકાદ વાર જ મુલાકાત લેવા તેવો ગામડે આવતા. જમીનની દેખરેખની તમામ જવાબદારી છબીલ કાકાને તેમણે સોંપેલી. ખેત મજુર કરતા તેઓ છબીલ કાકાને ઘરના એક સભ્ય જ ગણતા. પોતાના વિશ્વાસુ ગણાતા છબીલ કાકાની દીકરી એટલે અન્વેષી. રૂપનો અંબાર અને સ્વભાવમાં ગુણોનો ભંડાર. ચંદ્રકાંત ગોરી સાહેબે બાળપણથી જ તેને ગામથી દૂર બીજી સારી સ્કૂલમાં મૂકેલી, તેના ભણવાનો તમામ ખર્ચો તેમણે ઉપાડેલો. ગોરી સાહેબ તેને પોતાની દીકરી તરીકે જ માન અને સન્માન આપતા. અર્પણ વર્ષમાં એકાદ બે વાર જ અન્વેષીને મળતો જ્યારે તે પોતાના પિતા સાથે ધોલપુર આવતો.
પણ બાળપણથી તેમની મિત્રતા ઘણી ખાસ હતી
આ વખતે પણ તે ધોલપુર આવેલો અને અન્વેષી સાથે તેની મુલાકાત થઈ. બંને જણા જ્યારે પણ મળતા બસ એક મેકમાં જ ખોવાયેલા રહેતા. નદી કાંઠે આવેલા બોરડીના ઝાડ પરથી હહંમેશાં અન્વેષી અર્પણને દેશી બોર ખવડાવતી અને હંમેશા મેહણુ મારતી કે તમારા અમદાવાદના પીઝા કરતા તો અમારા આ ચણીબોર સારા. 
ગામમાં એક લોકવાયકા હતી કે અંધશ્રદ્ધા, પણ એક વાત હંમેશા ફરતી કે ડુંગરોમાં એક વાગ રહે છે જે હંમેશા રાતે નીકળે છે અને નદીની આસપાસ પાણી પીવા જરૂરથી આવે છે. કેટલાય વર્ષોથી અર્પણ અને અન્વેષી જ્યારે પણ મળતા ચોક્કસથી રાતે ડુંગરોમાં ફરતા અને વાઘને શોધતા. આજે પણ એમનો કંઇક એવો જ પ્રયાસ હતો.
રાતના બાર વાગ્યે બધા ઘરના સૂઈ ગયા પણ અર્પણ અને અન્વેષીની આંખો ખુલ્લી હતી. 
"ગમે તે થઈ જાય, આજે તો વાગને શોધવો જ છે..!"
દબાતા અવાજે અર્પણ બોલ્યો. 
"જલ્દી નદીના કિનારે પહોંચીએ, ક્યાંક વાગ ભાગી ન જાય..!"
હસતા હસતા અન્વેષી બોલી.
કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા હતા, અંધારી રાત આજે કંઇક ભયજનક અણસાર આપતી હતી.
બીજું કોઈ વ્યક્તિ હોય તો ચોક્કસથી ધ્રુજી ઉઠે, પણ અન્વેષી અને અર્પણ માટે આ રાત નવી ન હતી. નદીના કિનારે બ્રિજ પરથી ઉતરીને તેઓ બેઠા. 
ધીમે ધીમે વહેતું એ નદીનું પાણી, ચંદ્રનુ શીતળ અજવાળું એ પાણીમાં છલકાતું હતું. આજુબાજુથી આવતો તમરાનો અવાજ અને જોડે પથરાયેલી એ ભીની માટીની સુગંધ અને આવા આહલાદક વાતાવરણમાં બેઠેલા અર્પણ અને અન્વેષી. 



તરુણાવસ્થા છૂટી અને જવાની ફૂટવાની શરૂઆત થઇ ચૂકી હતી.આ વાતાવરણમાં બંનેને કંઈક અલગ લાગણીનો અહેસાસ થઇ રહ્યો હતો, જે તેમના માટે પણ ઘણો નવો હતો.
"એક વાત પૂછું તને..? ખરાબ ના લાગે તો..?"
અન્વેષી એ પૂછયું. 

"ના ના પૂછને?અર્પણ બોલ્યો. 

"તું તારા પપ્પા પર હંમેશા ગુસ્સો કેમ કરતો હોય છે?, 
બિચારા કેટલા સારા છે...!"
અન્વેષી એ પૂછયું.
૨ મિનિટના વિરામ બાદ અર્પણ બોલ્યો.

"મારી મા ના ખૂની છે એ..!"

"શું કંઈ પણ બોલે છે એ શક્ય નથી. તારી મમ્મીનું મૃત્યુ તો અકસ્માતમાં થયેલું..!"
અન્વેષી બોલી. 

"એવું દુનિયાને લાગે છે, વાસ્તવમાં કાર એકસીડન્ટ દારૂના નશામાં ધૂર્ત મારા પપ્પા, મહાન ચંદ્રકાંત ગોરી વડે થયેલો. તેમની આદત મારી મમ્મીનો જીવ લઈ ગઈ, એ વાત માટે તો હું તેમને કદી માફ નહીં કરું." ગુસ્સાવાળા અવાજે અર્પણ બોલ્યો. 



"વર્ષોથી માં ની મમતાં માટે ભીખ માગતો ફરું છું બધું જ તેમણે મને આપ્યું છે, પણ એક વાત્સલ્ય જે મારે જોઈએ છે તે તેઓ કદી નથી આપી શકતા."
ગુસ્સા ભર્યા અવાજમાં અચાનક અર્પણને ડૂમો ભરાઈ જાય છે અનાયાસે અન્વેષીનો હાથ અર્પણના હાથ પર પડે છે તે જ સમયે તીવ્ર વાદળોની ગર્જના સાથે આભમાંથી વરસાદ પડે છે. સાંબેલા ધાર એવો વરસાદ બંનેને દસ જ સેકન્ડમાં બહારથી લઈને અંદર સુધી પર પલાળી દે છે. 
બંને જણા ભાગીને થોડે દૂર ભેખડ પાસે આવેલા એક ઘટાદાર ઝાડ નીચે તેવો પહોંચે છે. 
એક તો ભીના કપડા અને ઠંડો પવન, બંનેના દાંત કકડવા લાગ્યા.
"જોરદાર પલડી ગયા આજે તો..?"
એમ બોલી અર્પણ અને અન્વેષી એક સાથે હસી પડ્યા. અચાનક વીજળીનો એક કડાકો થાય છે અને એ વીજળીના પ્રકાશમાં અર્પણનું ધ્યાન અચાનક અન્વેષી પર પડ્યું. અન્વેષીની સુંદરતા આજે પહેલીવાર તે આટલી નજીકથી જોઈ રહ્યો હોય છે, ભીના વાળમાંથી નિકળતો પાણીનો રેલો તેના રેશમી વાળ પરથી તેની આંખોની પાંપણ ને સ્પર્શી રહ્યો હતો, ધીરે ધીરે તે પ્રસરીને અન્વેષીના ગુલાબી હોઠ ને જાણે વહાલથી ચૂમી રહ્યો હોય તેવો ભાસ થતો હતો. તેની ચોલીમાંથી દેખાતી ખુલ્લી કોમળ પીઠ, અને તેમા અડતો સૂસવાટાભર્યો ઠંડો પવન અન્વેષી ના શ્વાસની ઝડપ વધારતો હતો, 
દરેક શ્વાસ સાથે ચોલીમાંથી ઉભાર લેતા અન્વેષીના વક્ષ અર્પણના શરીરમાં એક કંપારી છોડી દેવા માટે પૂરતા હતા. 
અર્પણ કંઈ પણ વિચાર્યા વગર અન્વેષીને પોતાની બાહોમાં ભરી લે છે અને અન્વેષી પણ જાણે આ સ્પર્શની રાહ જોતી હોય તેમ અર્પણને વિંટળાઈ જાય છે. કામદેવ આજે બંને પર આવી હોય છે ,તમામ બંધનો તોડીને આજે નદીના કિનારે અર્પણ અને અન્વેષીનું પ્રેમસભર મિલન થાય છે. 




વહેલી સવારે પોતાના કપડા સરખા કરીને અન્વેષી બોલી,
"આજે પણ વાઘ ના મળ્યો પણ મને મારો પ્રેમ મળી ગયો...!"

આ સાંભળીને અર્પણે અન્વેષીને ખુશીથી ચૂમી લીધી. 
થોડાક દિવસો સુધી બંનેનો આ નિત્યક્રમ રહ્યો. વાઘ તો ના મળ્યો પણ સહવાસની પળો ચોક્કસ મળી. 

એક રાત્રે અચાનક અન્વેષી બોલી, 
"પપ્પાને આપણા વિષે ક્યારે વાત કરીશું.?
શું તેઓ માનશે? "

"હું પાછો અમદાવાદ જવાનો છું કાલે, 
સવારે ચોક્કસ પપ્પાને વાત કરીશ..!"
અર્પણ બોલ્યો. 
"બસ, તું જતો રહીશ કાલે? "
નિસાસા સાથે અન્વેષી એ પૂછયું. 

"કાલે તને લઈને જ અમદાવાદ જઈશ..!"
અર્પણે નિસાસાને દૂર કરવા કહ્યું. 

શાંત ચાલતી આ વાતોમાં અચાનક કોલાહલ થયો,

"મારો દીકરો મારી નાખ્યો રે,
 મારો દીકરો મારી નાખ્યો..!"
અર્પણ અને અન્વેષીના કાનમાં આ તીવ્ર આક્રંદનો જાણે પડઘો પડ્યો. 
બંને અવાજની દિશામાં આગળ વધ્યા. 
અચાનક અન્વેષી અટકી, 
"ત્યાં જો અર્પણ..! "
આંગળી ચીંધીને અન્વેષી બોલી. 

દૂર સ્મશાનમાં કોઈની ચિતા બળતી હોય અને તેમાંથી ઉડતી આકાશમાં ભળતી આગની જ્વાળાઓ દેખાઈ. હૈયાફાટ રૂદન ચાલી રહ્યું હતું, 





"હે ઈશ્વર મારા જુવાન છોકરાને માર્યો, 
નરકમાં પણ જગ્યા નહીં મળે પાપીઓને, 
શું બગાડયું હતું તેણે તારૂં તે આટલી મોટી સજા આપી એને? "
એક ૫૦ વર્ષની ઘરડી સ્ત્રી હૈયાફાટ રૂદન કરી રહી હતી.
અર્પણે બીજા લોકો જોડે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગામના કોઇક ખેતમજૂરનો દીકરો હતો અને ગામના જ એક જમીનદારની છોકરીને તે પ્રેમ કરતો હતો. આ વાત ગામના અમુક લોકોને પસંદ પડી નહીં અને તેના કારણે તેનું કાસળ બધાની વચ્ચે કાઢવામાં આવ્યું.
વાત સાંભળી બંને ચોંકી ગયા, 
"અર્પણ આપણી દશા તો આવી નહીં થાય ને.?"
અન્વેષી ધ્રૂજતા ધ્રૂજતા બોલી. 

"તુ ચિંતા ના કરીશ , હું મનાવી લઈશ મારા પપ્પાને. હાલ તેમને આ વાત કરવી યોગ્ય નહીં રહે, 
મને થોડો સમય આપ, હું અમદાવાદ જઈ થોડાક દિવસોમાં જરૂર વાત કરીશ."
અર્પણ સાંત્વના આપતા બોલ્યો. 

બીજા દિવસે અર્પણ અન્વેષીને વિદાય આપી અમદાવાદ તરફ આવવા નીકળ્યો. 
અન્વેષી કંઈ ક્યાંય સુધી ગામના ઝાંપે ઉભી રહી. 

 "મેડમ, તમારું સ્ટોપ આવી ગયું..!"
કંડક્ટર નો અવાજ અન્વેષીના કાનમાં અથડાયો. 
અચાનક અન્વેષી જુદી યાદો માંથી બહાર નીકળી. 
એ દિવસ અને આજનો દિવસ આજ દિવસ સુધી અર્પણ નો કોઈ ફોન આવ્યો નહોતો. 
આવ્યો હતો તો એક પત્ર કે જેમાં લખ્યું હતું કે, 
"આપણા મેરેજ નહીં શક્ય બને, મને અમદાવાદની કોઈ છોકરી ગમી ગઈ છે. "
લખાણની શૈલીથી એક વસ્તુની ખાત્રી અન્વેષીને હતી કે આ પત્ર અર્પણે જ લખ્યો છે. 
અને આજે એ તમામ પ્રેમ નફરતમાં બદલાઈ ચુક્યો હતો. 
"નહીં માફ કરૂ અર્પણ, ક્યારેય નહીં..! "
આટલું બબડતા આંખોમાં દરિયો સંભાળતા અન્વેષી બસમાંથી ઉતરીને ચાલવા લાગી. 



ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત. 

Saturday, 9 May 2020

“વમળ..!”( એક રહસ્ય)


પ્રકરણ ૧ :ખૂન: એક રહસ્યની શરૂઆત

“રહસ્યો અંતરમાં પૂરીને કોઈક બેઠું છે, 
રમત જાણીતી છે,પણ રમનાર કોઈક અદીઠું છે.”






વહેલી પરોઢના પાંચ વાગ્યાનો સમય, 

આખું અમદાવાદ જાણે ઠંડી ની ચાદર ઓઢીને પોઢ્યું હતું. સાબરમતી તેની શાંત ધાર સાથે વહી રહી હતી. 
રિવરફ્રન્ટ પર સવારે ચાલવા માટે આવનારા સ્વાસ્થ પ્રેમી લોકોની સંખ્યા આજે થોડીક ઓછી જણાતી હતી. ઠંડીનો ચમકારો હતો અને પારો તેના ન્યુનતમ તાપમાન ને અડવાની બસ અણી પર જ હતો.

તેવામાં એક 65 વર્ષના વૃદ્ધ કાકા સાબરમતીના બ્રિજ પરથી છાપાંઓનો થપ્પો સાયકલ પર બાંધીને નીકળ્યા. છેલ્લા ૫ વર્ષથી એમનો આ નિત્યક્રમ. 
મેન ઓફિસથી છાપા લઈને ઘરે ઘરે પહોંચાડવાનુ એમનું કામ.છબીલ કાકા એ વ્યક્તિનું નામ. છાપાવાળા કાકા એ જ એમનું ઉપનામ..!
એ જ નિયમિત ઝડપથી એ જ રસ્તા પર આજે પણ તેઓ સાયકલને હંકારી રહ્યાં હતા. અચાનક છબીલ કાકાના કાનમાં એક પ્રકારના હોર્નનો તીવ્ર અવાજ સંભળાયો. 
મર્સીડિઝની "એસ ક્લાસ મોડેલ"ની કાર તેમને ઓવરટેક કરીને નીકળી ગઈ. ઉંમરના પ્રભાવે કાકાથી સાઇકલ નું બેલેન્સ બગડ્યું અને રસ્તા પર પછડાયા. તેમને ઓછું વાગ્યું પણ તમામ બાંધેલા છાપા રસ્તા પર પડ્યા..




"આ જુવાનિયાઓ નું કંઈ નહીં થાય, જાણે જીવ જ લઈ લેત આજે તો મારો. ખબર નઈ એમના મા-બાપ તેમને કશું બોલતા કેમ નહી હોય? મારા બધા છાપા પાડી નાખ્યા, હવે ખબર નહી કેટલું મોડું થશે...!"
આમ બબડતા છબીલ કાકા અચાનક અટકી ગયા. 

"મારા જૂના માલિક નો ફોટો પેપરમાં...?"
બને એટલું ઝડપથી એ ઘરડા હાથેથી તેમણે છાપું ખોલ્યું. નોકિયાના જૂના ફોનથી ટોર્ચ લાઈટ ચાલુ કરી, નજીકના નંબરના ચશ્માં પહેરી એમણે ખબર વાંચવાનું ચાલુ કર્યું ..
"અમદાવાદના મશહૂર બિલ્ડર ચંદ્રકાંત ગોરી ની હત્યા. હત્યાના મુખ્ય આરોપી તરીકે તેમના દીકરા અર્પણ ગોરી પર મુખ્ય સંદેહ. "
છબીલા કાકાના હાથની ધ્રુજારી વધી ગઈ, 
"ના કરે ,કદી ના કરે..
મારો અર્પણ ગમે તેવો પણ ગોરી સાહેબનું ખૂન તો ના જ કરે. કોણ છે આવું લખવા વાળુ?"

સ્પેશ્યલ સ્ટોરી માં તેજાબી અક્ષરોથી અર્પણ ગોરી વિશે છાપામાં લખવા વાળી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ છબીલ કાકાની એકમાત્ર દીકરી અન્વેષી હતી. 

"અન્વેષી આ તે ખોટું કર્યું છે, 
આ યોગ્ય નથી..!"
આમ બોલતા બોલતા છબીલ કાકા એ બધા છાપા ફટાફટ સાઈકલ પર ગોઠવ્યા. 

"આ છાપા તો લોકોના ઘર સુધી નહીં જ પહોંચવા દઉં.!"
આટલું મનમાં વિચાર કરીને તેવો અટક્યા.
રસ્તાના કિનારે તાપણું કરીને અમુક મજુરો બેઠા હતા, બધા જ છાપા તેમાં અગ્નિ સ્નાન કરાવીને કાકા ઘર તરફ દોડ્યા, પોતાની દીકરી અન્વેષીને મળવા અને ખાસ તો આ છાપાં બધાના ઘર સુધી પહોંચતા રોકવા. 

"સર, અંતિમ વિદાય આપવાનો સમય થઈ ગયો.."
અર્પણના ખભા પર હાથ મૂકી તેમના ઘરના સૌથી વિશ્વાસુ નોકર રામજીભાઈ બોલ્યા. 
ખાસ્સું માનવ મહેરામણ અંતિમ યાત્રા માટે 'ગોરી હાઉસ' પહોંચ્યું હતું. 
અર્પણ નો દારૂનો નશો હજી સફાળો ઉતર્યો પણ નહતો.દિલના એક ખૂણામાં ચિક્કાર નફરત તેના પિતા માટે ભરેલી હતી, પણ આજે તેને આ કડવાશનો અનુભવ થતો નહતો. એ પોતે પણ વિચારમાં હતો કે જે વ્યક્તિને છેલ્લા પાંચ વર્ષથી ધિક્કારતો હતો એના માટે આજે તેની આંખમાંથી આંસુનો દરિયો સુકાવાનું નામ જ લેતો ન હતો.
બધો જ ગુસ્સો બધી જ તકલીફો જાણે આજે એની આંખો થકી જ વહી રહ્યો હતી.
આંખો પર બ્લેક ગોગલ્સ ચડાવી,વાઈટ શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને બેસેલા અર્પણે પોતાને મનોબળ પૂરૂ પાડવા વિસ્કી નો એક પેગ લગાવ્યો અને સ્મશાન તરફ પોતાના પગ ઉપાડ્યા.




રસ્તામાં અર્પણના મગજમાં એક જ વિચાર ફરતો હતો, 
"કાલે મારે પપ્પા જોડે આવું વર્તન કરવાનું નહોતું, 
મારું વર્તન જ તેમના મૃત્યુ માટે કદાચ જવાબદાર છે...!"
હવે અફ્સોસ કરવાનો કોઈ અર્થ નથી. બહુ નાની ઉંમરમાં જ માં ને ગુમાવ્યા બાદ, પપ્પા જ અર્પણનો 'અાંશિક' સહારો હતો અને આજે એ પણ અસ્ત થયો. જે અતડો સંબંધ અર્પણનો તેના પિતા સાથે હતો તે આજે પૂર્ણ થયો. 
ગોરી સાહેબની અસ્થિઓની રાખ હજી ઠંડી પણ નથી પડી અને પાછળથી પોલીસની કારની ઉપર શોભાયમાન સાયરનનો અવાજ અર્પણના કાનમાં પડ્યો.
ઇન્સ્પેક્ટર જાડેજા તેમની સ્પેશિયલ ટીમ સાથે ઉતર્યા. 

"સોરી મિસ્ટર અર્પણ, તમારા પપ્પાના મૃત્યુ માટે મને દિલગીરી છે પણ મિસ્ટર ગોરીની હત્યાના ગુનામાં હું તમને અરેસ્ટ કરું છું..!"
જાડેજા બોલ્યા. 

"શું મજાક માંડી છે સર..?
એ હાર્ટ અટેક હતો, હ્દય રોગનો હુમલો. 
જો ભણેલા હો તો પપ્પાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જોઈ લો. સ્પષ્ટ શબ્દોમાં તેમાં મોતનું કારણ લખ્યું જ છે.."
બહુ ગુસ્સામાં અને તોછડી રીતે અર્પણે જવાબ આપ્યો..

"હા,એટલું તો ભણેલો છું કે વાંચી શકું છું કે તેમને હાર્ટએટેક આવેલો પણ એ સમજું પણ છું કે કદાચ હાર્ટ અટેક લાવવામાં આવેલો.
કાલે રાતે થયેલી તમામ ઘટના વિશે રામજીકાકાએ મને
વિસ્તૃત માહિતી મને આપેલી છે, 
અને તમારા રૂમ માંથી મળેલી એ તમારી પિસ્ટોલ મારી કસ્ટડીમાં છે. 
હવે વધારે માહિતી આ બધાની વચ્ચે જણાવીશ તો સારું નહીં લાગે. ભલાઈ એમાં જ છે કે તમે સહકાર આપો અને મારી સાથે પોલીસ સ્ટેશનમાં ચલો. "
બહુ સહજતાથી ઇન્સ્પેક્ટર જાડેજાએ કીધું. 

અર્પણ બરાબર ફસાયો હતો. મૂંગા મોઢે તેણે પોલીસ સ્ટેશન તરફ ઈન્સપેકટર જાડેજા જોડે પ્રયાણ કર્યું.




 બીજી બાજુ છબીલ કાકા તેમના ઘરે પહોંચી ગયા હતા, 

"તને કંઈ ભાન પડે છે અન્વેષી.?
તે આ બધું શું છાપ્યું છે પેપરમાં.?"
ધસમસતા ગુસ્સા સાથે છબીલ કાકા બોલ્યા. 

"કેમ એવું તો શું વાંચ્યું તમે છાપામાં?
શેના સંદર્ભમાં તમે વાત કરી રહ્યા છો પપ્પા? "

એકદમ શાંત અવાજે અન્વેષી બોલી. 

"સંદર્ભ.?
ચંદ્રકાંત ગોરી સાહેબના મૃત્યુના સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું અન્વેષી."
છબીલ કાકા બોલ્યા..

"અચ્છા, એમના માટે.?
ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના નપાવટ દીકરાને કોર્ટ ફાંસી જ આપે..!"
શબ્દોમાં ગુસ્સો હતો પણ અવાજ એકદમ સ્થિર હતો અન્વેષીનો. 

"અન્વેષી તું અર્પણ ને ઓળખે છે, એ ક્યારેય એના પિતાનું ખૂન ના જ કરી શકે, એને ફસાવવામાં આવ્યો છે..!"
છબીલ કાકા બોલ્યા.

"નશાખોર વ્યક્તિ પાસેથી ખૂન સિવાય બીજું શું અપેક્ષા રાખશો તમે પપ્પા? 
આ અર્પણ એ નથી કે જેને તમે અને હું ઓળખતા હતા, તે હવે બદલાઈ ચૂક્યો છે. 
અર્પણના ચહેરાનો મુખવટો પહેરેલો એક ખૂની છે એ..!"
સ્પષ્ટ વાક્યમાં અન્વેષી બોલી. 

"હજી વિચારી જો બેટા અન્વેષી.
આપણી જિંદગી બદલવામાં ગોરી સાહેબનો બહુ મોટો ફાળો છે અને તું એમના જ દિકરાને બરબાદ કરવા જઈ રહી છે..?"
વિનંતી ના ભાવે છબીલ કાકા બોલ્યા. 



"હું એમની મદદ જ કરી રહી છું પપ્પા, 
એમના ખૂનીને હું સજા આપીને મારી શ્રધ્ધાંજલી ગોરી સાહેબને આપીશ. "
આટલું બોલીને અન્વેષી ત્યાંથી પોતાની ઑફિસ તરફ જવા નીકળી જાય છે. 


સવારના નવ વાગ્યાનો સમય,
એ.એમ.ટી.એસ. બસમાં છેલ્લી સીટ પર અન્વેષી બેઠી હોય છે. 
પોતાની ઓફિસ સુધી પહોંચતા એક કલાક સહજ કરીને તેને થઈ જતો હોય છે.
હંમેશા બસની બારી પાસેની છેલ્લી સીટ પર અન્વેષી બેસતી હતી. 
કોણ જાણે પણ તેને આજે અલગ જ પ્રકારની વ્યાકુળતા થઈ રહી હતી, 


વારે વારે એનો હાથ ફોન ની ગેલેરી ખોલવા તરફ જઈ રહ્યો હતો. એ ફોનની ગેલેરીમાં "ડેન્જર" નામનું ફોલ્ડર હતું, જેને તે ક્યારેય ખોલવા માંગતી ન હતી. 
પણ વારે વારે દિલ તેને એજ ફોલ્ડર તરફ લ઼ઈ જઈ રહ્યુ હતું. 
લાગણીઓનો એક એવો ધોધ છલકાયો કે જેને સંભાળવો અન્વેષીની કાબુની બહાર હતો.
એ ફોલ્ડર આજે તેનાથી ખોલાઈ ગયું,
તેમાં રહેલા તમામ ફોટા એકસાથે તે જોઈ રહી હતી. 500 ફોટાનું એક મોટું ફોલ્ડર.
20 વર્ષની ઉંમર, યુવાનીના આરંભ અને તરુણાવસ્થાની વિદાય વચ્ચેની આ ઉમર. 
અન્વેષીની સુંદરતાના સાક્ષી રૂપ એ ફોટા હતા. 
દરેક ફોટામાં અન્વેષીના સાથે ફાંકડો દેખાતો છોકરો એટલે ગોરી સાહેબનો અર્પણ.
પાંચ વર્ષ પહેલાંની યાદોમાં અન્વેષી અચાનક ખોવાઈ ગઈ .



ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત. 

Friday, 13 December 2019

"ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...! "





"ચોકો ટ્રફલ- ખુશીનો ખજાનો...! "

"કામમાં ચીવટ ના આવે તો કામ છોડી દે ભાઈ,
આખી કેકની ડિઝાઇન બરબાદ કરી નાખી..!"
કેકશોપનો માલિક ત્યાં કામ કરતા એક કામદાર પર ખિજાતા  કહ્યું.

'એક "ચોકો ટ્રફલ" પેક કરી દેજેને ભઈલા,
થોડુંક અર્જન્ટ છે...!'
આઈ ફોન માં whatsapp ના કોઈક ગ્રુપ પર ચાલતી ચેટને વાંચીને હસતા હસતા રિશિતે દુકાનદારની સામે નજર સુદ્ધાં નાખ્યા વિના કહ્યું.

સાંજ નો સમય હતો,
છ વાગ્યા હતા,
શિયાળાની ઠંડીની લહેર.
કેક શોપની બહાર નીકળતાં જ આવતી એક ફૂટપાથ,
તેના પર એક ચાની કીટલી.
ચા ગરમ થતાં હવામાં ફેલાયેલી એની જાદુઈ મહેક. અને કીટલીને અડીને બેઠેલો બૂટપોલીસ કરવાવાળો એક છોકરો..
સહેજ કરીને 13 વર્ષનો છોકરો,
તેની ઉમરની સરખામણીમાં વધારે એવી કોઈ ગહન ચિંતામાં પડેલો..



"અલ્યા રાજુડા,
આટલી નાની ઉંમરમાં શું વિચારે છે,
આજે તો પોલીશ પણ સારી એવી ઘસી છે..! "
ચાની કીટલી પર ઉભેલા કાકા એ રાજુને જોઈને કહ્યું.

રાજુ મનમાં બબડ્યો,
"મારે જે વસ્તુ લાવવી છે તેના માટે તો આ પૈસા ઓછા જ છે...!"

અને ચા વાળા કાકાને જોઈ બોલ્યો,
"બસ અમસ્તું જ...!"

"ચલો હવે ત્યારે પોલીશ ઉઠાવો,
ઘરે પણ જવાનું છે...!"
કાકા બોલ્યા.

"હા કાકા,બસ નીકળું જ છું..!"
રાજુ બોલ્યો.

"ભાઈ ,જલ્દી રાત્રે આવજો.
આજે તો ખુશની ખેર નહિ..
ભાઈ આજે ૨૬ વર્ષના થવાના, એટલે ૨૬ બર્થ ડે બમ્પ્સ તો મારવા ના થાય જ છે..
સિંધુભવન રોડ પર રાતે બાર વાગે ઉપાડી લાવજે એને...!"

રિશિતે કેક શોપમાંથી બહાર નીકળીને ફોન પર પોતાના કોઈક ફ્રેંડ સાથે વાત કરતા કહ્યું..

"સાહેબ, પ્લીઝ પૉલિશ કરાઈ લો ને, તમારા શુઝ મસ્ત ચમકાવી દઈશ..! "
આજીજીના ભાવ સાથે રાજુ બોલ્યો.

"ના દોસ્ત, અત્યારે ઉતાવળ છે..! "
એમ ફોન પર વાત કરતા કરતા રિશિત નિકળી ગયો.

કારની ચાવી ખિસ્સામાંથી કાઢતી વખતે રિશિતનુ પર્સ અનાયાસે પડી ગયું,
અને ૫૦૦ની નોટોની થોડીક મુદિખાઈ તેમાંથી થઈ.

બુટપોલીસ કરવાવાળો રાજુ કંઈ કેટલીય વાર સુધી રિશિતને જતા જોઈ રહ્યો..



"મારી ઝૂંપડી આમ પણ ત્યાં જ છે,
રાતે આમને મળવા ચોક્કસ જઈશ...!"
આવું બબડતો બબડતો ત્યાંથી તે ચાલવા લાગે છે..


સિંધુભવન રોડ ,
રાતના બાર વાગ્યાનો સમય..
હોન્ડા સિટી કારમાંથી ખુશને તેના ફ્રેન્ડ્સની સાથે ઉતારવામાં આવ્યો..
કેક કટ કરવાની નાનકડી વિધિ બાદ થોડીક કેક તેના ફેસ પર લગાડવામાં આવી..
અને પછી બર્થ ડે બમ્પ્સ મારવાનો ભવ્ય પ્રોગ્રામ શરૂ થયો..

આ સમગ્ર ઘટના ખૂણામાં ઉભેલો રાજુ એકીટશે જોઈ રહ્યો હતો..
“હવે બધું પત્યું હોય તો પ્લીઝ મને મોઢું ધોઈને લેવા દેશો..! “
ખુશે પોતાના ફ્રેંડ્સને વિનંતી કરી.
અને પાણીની બોટલ લઈને તે પોતાનું મોઢું ધોવા રોડની એક સાઈડ ગયો.

તેવામાં અચાનક રાજુ દોડ્યો..
ત્યાં જમીન પર ખુશના ચહેરા પર લગાવ્યા બાદ બચેલી કેક પડી હતી.
રાજુ એ પળવારનો વિલંબ કર્યા વગર એ ફેંકેલી કેકને લઈને દોડ્યો.

ખુશનું ધ્યાન અચાનક એ છોકરા પર પડ્યું..

"ફ્રેન્ડસ એક મિનિટ હું હમણાં જ આવ્યો,"
આટલું બોલી ધીમા પગે ખુશ રાજુ ની પાછળ ચાલ્યો..
થોડુંક ચાલ્યા બાદ ખુશે જોયું તો રાજુ કેક ને લઈને એક નાનકડી ઝુંપડીમાં પ્રવેશ્યો..
ખુશ પણ તેની પાછળ પાછળ જ ગયો..

"ખુશી,
હેપી બર્થ ડે...
હું તારા માટે કેક લાવ્યો છું..!"
ઉત્સાહથી રાજુ બોલ્યો.

એક ૧૦ વર્ષની છોકરી ખુશી રાજુની સામે ઉભી હતી.

ખુશી એક મોટી સ્માઈલ આપીને કુદી પડી,
"ભાઈ તું મારા માટે કેક લાવ્યો...?"



અને એ ખુશની બર્થ-ડેમાં ફેંકેલી કેકને જોઈને એ ગરીબ ની છોકરી ખુશીને જાણે સંસારનું બધું જ સુખ મળી ગયું..

ખુશ આ બધું પાછળથી જોઈ રહ્યો હતો ,
અચાનક એ કેકને જોઈને ખુશી બોલી,
"ભાઈ આના પર તો મારું નામ નથી લખ્યું.."

રાજુ હવે થોડો ભોંઠો પડ્યો..
તે મનમાં વિચાર કરવા લાગ્યો,
"હવે કેવી રીતે કહું કે તેનો ભાઈ રસ્તા પર ફેંકેલી કેક પોતાની બહેન માટે લાવ્યો છે..!"

ખુશની આંખોમાં ઝળઝળિયા આવી ગયા..
 તે આગળ આવ્યો અને રાજુના ખભા પર હાથ મૂક્યો..

રાજુ વધારે ગભરાઇ ગયો અને ફરી વિચારવા લાગ્યો,
"આ સાહેબની ફેંકેલી કેક લઇને હું ભાગ્યો છુ,
ખબર નઈ મારી નાની બહેનની સામે તેઓ મારી શું દશા કરશે...?"

એ બે હાથ જોડી આંખોથી જ ખુશની પાસે માફી માંગવા લાગ્યો..
ખુશ આ બધું જોઇને એક અપરાધભાવ અનુભવ કરવા લાગ્યો..

ખુશીને શું જવાબ આપવો તેના વિશે હજી
રાજુ અને ખુશ હજુ વિચાર કરતાં હતા ત્યાં પાછળથી એક અવાજ આવ્યો,

"કેમકે એ ખુશીની કેક નથી,
ખુશીની કેક તો આ રહી...!"
એમ કહી રિશિતે ખુશીની સામે એક ફ્રેશ ચોકો ટ્રફલ કેક મૂકી...

રાજુ અને ખુશ બંને પહેલા એકબીજાની સામે અને પછી રિશિતની સામે જોઈ રહ્યા..

બંનેને આજે રિશિત દેવદૂત સમાન લાગ્યો..
આંખોના ઇશારાથી રિશિતે ખુશને ચૂપ રહેવા કહ્યું.
બધા ખુશી ની બર્થ ડે સેલિબ્રેટ કરી ઝૂંપડીની બહાર નીકળ્યા,

તરત જ રિશિત ખુશને જોઈને બોલ્યો,
"તને ભાગતો જોઈ મારાથી ના રહેવાયું એટલે હું પણ તારી પાછળ જ આવ્યો,
અને રાજુએ જ્યારે ખુશીને કેક આપી ત્યારે હું પણ ત્યાં જ હતો અને,
જ્યારે કેક પર પોતાનું નામ ના જોઈને દુ:ખી અને નિર્દોષ ખુશીને ઊભેલી જોઈ તો મને યાદ આવ્યું કે એક એક્સ્ટ્રા કેક હું તારા માટે લાવેલો, જે મારી કારમાં જ હતી.
બે જ મિનિટમાં મેં આપણા એક ફ્રેન્ડ જોડે તે કેક અહીંયા મંગાવી..
અને એ કેક પર લખેલા "KHUSH" નામને ચીવટતાથી "KHUSHI"માં બદલી નાખ્યું.

રાજુ આ બધું સાંભળીને નતમસ્તક થઈને સીધો બંનેના પગે પડી ગયો,
"સર તમે બંને મારા ભગવાન બનીને આવ્યા છો...!"
રિશિત અને ખુશે રાજુને ઉભો કર્યો અને એક જ વાક્ય બોલ્યા ,
"આજથી તારી ખુશી ના ત્રણ ભાઈ...!"

આટલું બોલી રિશિત અને ખુશ નીકળી ગયા..

રાતના 1:00 વાગે,
ખુશ સિગારેટનો કશ લેતા લેતા બોલ્યો,
"દરરોજ આપણા જેવા લોકો આવી રીતે એક ખુશી માટે વિચારે તો કેટલીય ખુશીઓ પોતાની કેક કટ કરી શકે..!

આજથી નિયમ..
આપણી બર્થ ડે ના દિવસે ગરીબ બચ્ચાંઓ કે કગરી માટે ચોક્કસથી કેક લાવીશું અને ખુશીઓ ફેલાવીશું.

"આમ તો આ સિગરેટ તુ જે પીવે છે એ છોડી દઈશ તો વધારે ખુશી ફેલાવી શકીશ...!"

આટલું બોલી રિશિત ખુશને જોઈ રહ્યો..

"તારા જેવા ભાઈ માટે એ પણ મૂકી દઈશ.. "
આટલું બોલી ખુશે સિગારનું એ બચેલું ઠુંઠું હવામાં ઉડાડ્યું
અને બંને હસી પડ્યા...!!



ડૉ. હેરત ઉદાવત.




Thursday, 21 November 2019

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૪: "અધૂરો પ્રેમ..! "


"પ્રેમ કે શરત..?
છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! "

પ્રકરણ ૪: "અધૂરો પ્રેમ..! "




નવરાત્રિમાં ધમાકો થયો હતો..
મુસ્કાન, ચિરાગ અને અપર્ણાની સામે ઉભી હતી..

"એક મિનિટ ચિરાગ, અર્જન્ટ છે ,
પર્સનલ વાત કરવી છે....!"
મુસ્કાન એ રીતે બોલી કે ચિરાગ ના પાડી શક્યો નહિં.

"ચિરાગ મારે અબ્રોડ નથી જવું, હું ઇન્ડિયામાં જ રહીશ.
પ્લીઝ પણ તું મારી સાથે મેરેજ કરી લે,
હું તારા વગર નહીં જીવી શકું,
મને ખબર છે તુ હજી પણ મને પ્રેમ કરે છે...!"
મુસ્કાન ભાવનાઓમાં બેકાબૂ બનીને શબ્દોથી વહી રહી હતી..

પણ ચિરાગ શાંત હતો..

"મુસ્કાન, તારી ભાવના પર થોડોક કાબૂ રાખ.
અને દૂર રહેજે મારાથી..
આ રિલેશનશિપ આપણી બંનેની સંમતિથી ત્રણ વર્ષ પહેલાં પૂર્ણ થયો છે,
મારી અને અપર્ણાની લાઇફમાં ના આવીશ...!"
એમ કહી ચિરાગ ત્યાંથી નીકળી ગયો અને અપર્ણા સાથે ગરબામાં જોડાયો..


મુસ્કાન ઉભી-ઉભી બંનેને ગરબા રમતા જોઈ રહી હતી.
તેનાથી આ સહન ન થયું,
ગુસ્સામાં તે આગળ વધી અને તેણે ચિરાગ સાથે ગરબા રમતી અપર્ણાને જોરદાર ધક્કો માર્યો અને ત્યાંથી ધ્રૂસકે ધ્રૂસકે રડતાં નીકળી ગઈ.
ત્યાં ઉભેલા તમામ લોકો અવાક હતા..
ચિરાગે અપર્ણાને સંભાળી અને મુસ્કાન સાથે થયેલી બધી વાત જણાવી.

હસતા હસતા અપર્ણાએ કહ્યું ,
"તારા જેવા છોકરા માટે તો કોઈ પણ છોકરી પાગલ થઇ શકે..
હું ઘણી લકી છુ કે તું મારી સાથે છે...!"

ચિરાગ અને અપર્ણાના સંબંધોમાં ભરતી અને ઓટ ચાલતા હતા પણ ચિરાગને વિશ્વાસ હતો કે આ રિલેશનનું અબોર્શન નહીં થાય,
મેરેજ નામનો લાઈવ બર્થ બંને જણા ચોક્કસ આ રિલેશનને આપી શકશે...

પણ વચ્ચે કોન્ટ્રાસેપ્ટિવ પિલ જેવી નીટની (NEET) એક્ઝામ આવી ગઈ.
૮ મી ડિસેમ્બરના દિવસે સમગ્ર ભારતમાં આ એક્ઝામ કન્ડક્ટ થવાની હતી.
એમ.બી.બી.એસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નીટમાં સારા માર્ક્સ સાથે ક્વૉલિફાય કરવું જરૂરી હતું.

એક્ઝામ ના એક દિવસ પહેલા,
૭મી ડિસેમ્બર,
રાતના ૯ નો સમય,
અચાનક ચિરાગને અપર્ણાનો કૉલ આવ્યો,

"ચિરાગ જલ્દી મારા ઘરે આવ,
હું સ્યુસાઇડ કરી લઈશ એવું મને થાય છે ,
હું કઈ વાંચી નથી શકતી..
મને કશું જ સમજાતું નથી,
મારે કાલે એક્ઝામ માં નહીં બેસાય..!
હું ફેઈલ થઈ જઈશ..
મારાથી આ ક્લિયર નહીં જ થાય....! "
અપર્ણા એક જ શ્વાસમાં બોલી ગઈ.



ચિરાગ થોડો ટેંશનમાં આયો કે,
અચાનક શું થયું?
કાલ સુધી તો અપ૫ નોર્મલ હતી.
એકઝામની આગલી રાતે અપર્ણા પર થોડો વધારે જ સ્ટ્રેસ હાવી થઈ ગયો હતો..

એને સમજાવવા માટે તે અપર્ણાના ઘરે ગયો,
પણ તેના ઘરે જે થયું તે આ રિલેશનને બરબાદ કરવા માટે પૂરતું હતું..
ચિરાગ અને અપર્ણા બંનેના પેરન્ટ્સને ખબર હતી કે બંને છોકરાઓને એકબીજા સાથે સારો મનમેળ છે. અને એકવાર એડમિશન સારી જગ્યાએ મળી જાય તો આગળ મેરેજ માટેની પણ તૈયારી હતી.

ચિરાગ ના પેરેન્ટ્સ કૂલ હતા અને બંને એગ્રી પણ હતા ચિરાગ અને અપર્ણા માટે..
પણ અપર્ણાના મમ્મીને થોડો ખચકાટ થતો..

૭ ડિસેમ્બર,
રાતના 10:00 વાગે,
અપર્ણાનું ઘર...
ચિરાગ અપર્ણા ઘરે પહોંચ્યો..
પણ રૂમના એક ખૂણામાં અપર્ણા બેસીને ચોધાર આંસુએ રડી રહી હતી,
"મને કંઈ આવડતું નથી,
મને બહુ જ ડિપ્રેશન થાય છે,
મારાથી નહીં એક્ઝામ આપી શકાય,
મને એડમીશન નહીં મળે તો હું શું કરીશ..?"
એવો બબડાટ તેનો નોનસ્ટોપ શરૂ હતો.

ચિરાગ કંઈ પણ એને સમજાવવા જાય તે પહેલાં એની મમ્મી તેના પર ત્રાડુકી,
"તું શું કરવા અહીંયા આવ્યો છે..?
હજી કેટલું હેરાન કરીશ મારી છોકરીને??
મારી છોકરીની આ હાલત તારા લીધે થઈ છે,
તું જ જવાબદાર છે તેની આ પરિસ્થિતિ માટે,
તારા પપ્પા પાસે બહુ જ બધા પૈસા હશે પણ અમારી પાસે એટલા નથી કે એક સારી સીટ ખરીદી શકીએ અમારી છોકરી માટે..
એની જીંદગી બર્બાદ ના કરીશ.
નીકળી જા અહીંથી...!"



શબ્દો ચિરાગને ઘણા દજાયા હતા,
ચિરાગે ક્યારેય નહોતું વિચાર્યું કે,
આવું પરિણામ એના રિલેશનનું આવશે,
અને એ પણ એક્ઝામના આગલા દિવસે..

નીટની એક્ઝામ પહેલા એ પોતાના લવની એક્ઝામમાં ફેલ થઈ ચૂક્યો હતો..
તો પણ મક્કમ મને તે નીટની એક્ઝામ આપવા બેઠો.

એક્ઝામના તરત બાદ,
પેરેન્ટ્સ અને ફેમિલીનુ બ્રેઈનવૉશિંગ સફળતાપૂર્વક નિવડ્યું..
ચિરાગ અને અપર્ણાને બળજબરીથી દૂર કરવામાં આવ્યા..

રિસલ્ટ આવી ગયું હતું,
અપર્ણાએ "બી.જે.એમ.સી." માં "એમ.ડી.મેડીસીન" લીધું તો ચિરાગે અમદાવાદની જ એક કૉલેજમાં "એમ.ડી.પિડિયાટ્રીક્સ" ની સીટ મળી.

"ભલે, આટલી મોટી ડિગ્રી બંને પાસે છે પણ પ્રેમ નામના શબ્દથી હવે મને વિશ્વાસ ઉઠી ગયો છે, હેરત...! "
આખી સ્ટોરીને એન્ડ કરતાં ડૉ. ચિરાગ બોલ્યા.

એમની આખી વાત સાંભળીને મે એમને એક જ સવાલ કર્યો,
"શું એ ત્રણેય એમની લાઈફમાં ખુશ છે? "


એમણે હસતા હસતા કહ્યું,
"હોતું હશે...?"
હાય તો લાગે જ ને મારી...
સ્કૂલ વાડી રેવતી ડેન્ટિસ્ટ છે..
એ પણ સિંગલ છે,
મુસ્કાન પણ અમેરિકા બેઠી છે,
એ પણ સિંગલ.....!
બંને વાંઢી અને હું પણ વાંઢો.. ! "
એમ બોલી તેઓ ફરી હસવા લાગ્યા..

"અને અપર્ણા..? "
મારાથી પૂછાઈ ગયું..

"એ પણ મારી જેમ થર્ડ યરમાં રેસિડેન્સી કરે છે,
દિલના એક ખૂણામાં હજી પણ તે સચવાયેલી છે, રિલેશન ફરીથી શરૂ કરવાના ઘણા પ્રયાસ તેના તરફથી થયા, પણ હવે જેટલો પ્રેમ એને કર્યો હતો એનાથી વધુ નફરત એની માટે થઈ ગઈ છે..! "

"કોઈના કોન્ટેક્ટમા ખરા તમે?"
મેં થોડુંક ગંભીરતાથી પૂછ્યું.

"ત્રણેયે મને બધીજ જગ્યાએથી બ્લોક કરી દીધો છે,
પણ એમનું વાંઢાપણું એ બતાવે છે કે હજી એમની યાદોમાં હું બ્લોક નથી થયો.. "
હસતાં હસતાં ફરી તેઓ બોલ્યા..

"તો હવે? "
મેં પૂછ્યું.

"હવે, બાપા કે એમ..
અરેન્જ મેરેજમાં હું ઓછું માનુ છું, પણ હવે પ્રેમ કરવાની હિંમત જતી રહી છે,
મને રેવતી અને મુસ્કાન માટે કંઈ વધારે નથી,
પણ અપર્ણા.....!
સાલુ એની મા એ ઘણું ખોટું કર્યુ છે...! "
બસ આટલુ બોલી મેડમનો ફોન આવતા ડૉ. ચિરાગ તરત નીકળી ગયા..

એમની સ્ટોરી એક હિટ ફિલ્મની સ્ટોરી જેવી મને લાગી, બસ એન્ડ હેપી દરેક લવ સ્ટોરીની જેમ આનો પણ શક્ય ના બન્યો,
તેમને જતાં જોઈને એક જ પંક્તિઓ મનમાં યાદ આવી કે,

"એક બાજીના બે  રમનારા,
એક જીતે તો બીજો હારે,
પણ પ્રેમ ની બાજી સૌથી ન્યારી,
ક્યાં બંને જીતે,
ક્યાં બંને હારે....! "


પૂર્ણ..

ડૉ. હેરત ઉદાવત. 

Monday, 18 November 2019

"પ્રેમ કે શરત..? છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! " પ્રકરણ ૩: "રોમેન્ટિક ત્રિકોણ "


"પ્રેમ કે શરત..?
છોડને, લેટ્સ બ્રેકઅપ.... ! "

પ્રકરણ ૩: "રોમેન્ટિક ત્રિકોણ "




જેટલા જલ્દી પ્રેમના સમાચાર ફેલાય છે એનાથી વધારે જલ્દી બ્રેકઅપ "ટોક ઓફ ધ ટાઉન" બની જાય છે.
ચિરાગને અપર્ણા પહેલા દિવસથી લાઈક કરતી હતી, પણ મુસ્કાને ઊભા કરેલા સંજોગોના લીધે વાત આગળ જઈ ન હતી શકી.
મુસ્કાન અને ચિરાગે સેપરેશન માટે એક મહિનાનો સમય લીધો.
દોઢ વર્ષનો રિલેશનશિપ હતો,
એટલે એક મહિનો તો આપવો જરૂરી હતો.
હજી કમ્પલીટ બ્રેકઅપ થયું નહોતું ..
અર્જિત સિંગ ના સોન્ગ્સ બન્નેને ક્યાંકને ક્યાંક કનેક્ટ કરી રાખતા જ હતા..


એ દિવસમાં કરમસદ થી અમદાવાદ ચિરાગ ટ્રેનમાં આવતો, અપર્ણા પણ એ જ ટ્રેનમાં આવતી હતી.
પણ હવે અપર્ણાએ ચિરાગ જોડે વાતો કરવાનું શરૂ કર્યું..
એ મુસાફરીની વાતો ચિરાગને અપર્ણામાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવા માટે પૂરતી હતી..
પણ તોય હજી ચિરાગ અપર્ણાના પ્રેમમાં પડ્યો ન હતો..
ત્યાં અચાનક એક મુમેન્ટ સર્જાઈ અને બાજી જાણે કે આખી બદલાઈ ગઈ..
ટ્રેનમાં કોઈ અગમ્ય કારણોસર અપર્ણાનું એક ચંપલ ખોવાઇ ગયું..
ટ્રેનમાં શોધવાના બહુ પ્રયાસ કરવામાં આવ્યા પણ એ એક ચંપલ મળ્યું નહીં..
અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતરી નિસાસા સાથે અપર્ણાએ એક પગમાં ચંપલ અને બીજા ખુલ્લા પગે ચાલવાનું શરૂ કર્યું..
ખુલ્લા પગ પર વાગવાના લીધે અપર્ણાના ચહેરા પરના હાવ ભાવ બદલાઈ રહ્યા હતા..
ચિરાગ થી આ સહન ન થયું..
દુઃખમાં ભાગીદાર થવા ચિરાગે પોતાની પણ એક ચંપલ ફેંકી દીધી અને તેણે પણ એક પગમાં ચંપલ અને બીજા ખુલ્લા પગે ચાલવાનું શરૂ કર્યું..
અર્જિત સિંગના દુઃખદાયી ગીતોમાં આ મુવમેન્ટ સાથે જાણે શાહરુખ ખાન ભરાયો...!



બંનેના દુઃખ દૂર થયા અને એકબીજાને સ્માઇલ આપતા બંને ઘરે પહોંચ્યા..
બાદ માં વેકેશનમાં અમદાવાદમાં ઘણી વખતે બંને જોડે ફરવા ગયા..
ચિરાગ જ્યારે પોતાનો હાથ કારના ગેર બોક્સ પર મૂકતો ત્યારે અપર્ણા પણ એના પર પોતાનો હાથ મૂકી દેતી.
સ્પર્શ પૂરો હતો પ્રેમ જગાડવા માટે..
અને મુસ્કાન સાથેના ચિરાગના સેપરેશનનો ટાઈમ પૂર્ણ થવાના આરે હતો.
ચિરાગ એક કૉફી શોપમાં અપર્ણાની રાહ જોઈને બેઠો હતો ત્યાં અચાનક મુસ્કાનનો મેસેજ આવ્યો,
"આ રિલેશન સાચે માં એન્ડ કરવો જ છે?
એક વાર વિચારી લે હજી પણ મોડું નથી થયું,
ચલ મારી સાથે અબ્રોડ...!"
મેસેજ વાંચીને ચિરાગ વિચારે ચડ્યો હતો કે અબ્રોડ જવું કે નહીં..?
ફોનમાંથી માથું ઊંચું કર્યું તો સામે અપર્ણા  દેખાઈ,

"રોજ કારમાં હું તારા હાથ પર મારો હાથ મૂકી દઉં છું, તને એનો મિનિંગ પણ ખબર પડે છે કે નહીં.?
થોડા ગુસ્સામાં અપર્ણા બોલી..



"હા, હું સમજુ છું જે મને તું સમજાવવા માગે છે....!"
એવું ચિરાગ બોલ્યો..

"તો...?"
અપર્ણા એનપૂછ્યું...

આઇલવયુ બોલીને ચિરાગે પોતાના હોઠ અપર્ણાના હોઠ પર બીડી નાખ્યા.
સુંદર ડીપ ફ્રેન્ચ લિપ કીસ ,ઓફિશ્યલી મુસ્કાન જોડેના બ્રેક-અપનું કારણ બની.
અર્જિત સિંગ એ વિદાય લીધી...
થોડાક સમયમાં શાહરૂખનું રિપ્લેસમેન્ટ ઈમરાન હાશ્મીએ પૂરું પાડ્યું..
તમામ બંધનો તોડીને ચિરાગ અપર્ણાને પ્રેમ કરતો હતો.
એ ડિટેલ પ્રેમનુ સાક્ષ્ય રિટ્ઝ કારની બેકસિટ આજે પણ પૂરું પાડે છે.



તારાપુર ચોકડી પહેલા આવતું બાંધણી ગામ અને ત્યાં સુધીની લોન્ગ ડ્રાઈવ બાદ ચિરાગે આપેલી બ્યુટીફુલ સેન્ડલ્સ ની એક ગિફ્ટ વખતે અપર્ણા એ કહેલી એક વાત અદભૂત હતી.

"આ તો તારા પપ્પાના પૈસાથી તું મને આપે છે ને?
તારા પૈસા થી આપીશ તો જ હું ગિફ્ટ લઈશ...!"
અપર્ણા એ સેન્ડલ્સ પાછા આપતાં કહ્યું.

પ્રેમ ભલે તમામ હદો વટાવી ચૂક્યો હતો પણ પ્રેમ વાસના તો ન હતો.
સાચો પ્રેમ હતો..

એમબીબીએસ બાદની ઇન્ટરનશીપ માં અપર્ણાએ આપેલું આ ઉપર નું સ્ટેટમેન્ટ હતું..
બંનેની રિલેશનશિપને 3 વર્ષ થઇ ચુક્યા હતા..
ચિરાગ માટે અપર્ણા હવે બધું જ હતી ..
તેણે ગંભીરતાથી આ વાતને લીધી.

ઇન્ટરનશીપ માં દિવસ નું સ્ટાઈપેન્ડ આવે સો રૂપિયા..
દિવસના ૧૦૦ માંથી ૬૦ રૂપિયા એક ટાઈમ નું હોસ્ટેલ મેશનું લન્ચ કુરબાન કરીને ચિરાગ બચાવવા લાગ્યો.

અને એક મહિના બાદ એ પૈસા ભેગા કરી એનાથી રેડ ડ્રેસ તેણે અપર્ણા ને ગિફ્ટમાં આપ્યો..

છોકરાની મહેનતનો અપર્ણાએ સ્વીકાર કર્યો.
ખાવાના શોખીન ચિરાગ માટે એક મહિના માટે કરેલો અન્નનો ત્યાગ બહુ વધારે હતો..

સારા દિવસો ચાલી રહ્યા હતા.
નવરાત્રી ફેસ્ટિવલ કોલેજમાં હતો અને માતાજીના તહેવારમાં , ચિરાગ અને અપર્ણા ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા.
અને એક અવાજ આવ્યો,
"ચિરાગ કેમ છે તું....?"
અવાજ મુસ્કાનનો હતો ..

ત્રણ વર્ષ પછી એ સામેથી આવી હતી અને ઉભી હતી ચિરાગ અને અપર્ણાની સામે....!



To be continued.

ડૉ. હેરત ઉદાવત. 

"પૂજ્ય મોટા"

જીંદગી વિશેની સારી વાત, તેને જીવવાના શ્રેષ્ઠ રસ્તાઓ કેટલાય મોટીવેશનલ સ્પીકર અને ફિલોસોફર આપતા હોય છે ,પણ આજે હું એક એવા વ્યક્તિ વિષે વાત કરવ...